ભાજપના ભીષ્મ પિતામહને મોદીના વંદન…
– ભવ્ય રાવલ
- Advertisement -
નવી પેઢીને એમ થતું હશે કે, અચાનક કેશુભાઈ પટેલ સોશિયલ મીડિયાથી લઈ સઘળે કેમ છવાઈ ગયેલા છે? આજ સુધી ઘણા નેતાઓનાં અવસાન થયા છે પણ કેશુભાઈ પટેલનાં અવસાન પર એકાએક જ આટલા મોટું ઘેરાશોકની લાગણીઓનું ઘોડાપૂર કેમ આવ્યું? આજે કેન્દ્ર-રાજ્યમાં ભાજપ જે કઈ છે એ અટલ-આડવાણી અને મોદી-શાહની જોડીને કારણે છે. એમાં ગુજરાત ભાજપનાં ભીષ્મ પિતામહ કેશુભાઈ પટેલને કેમ કહેવામાં આવી રહ્યા છે? કેશુભાઈ પટેલનાં નિધન બાદ મીડિયામાં આવેલી તેમના વિશેની જાણી-અજાણી ખબરો અને દિગ્ગજ નેતાઓનાં નિવેદનોએ નવી પેઢીમાં આ રાજકીય નેતાની કામગીરી વિશે કુતૂહલભાવ જાગૃત કરી મૂક્યો છે. જોકે નવી પેઢીને ખબર નથી અને જૂની પેઢીને કદાચ ભૂલી ગઈ હશે કે, હકીકતમાં ગુજરાતમાં કમળનાં માળી કેશુભાઈ પટેલ છે. આજે ગુજરાતમાં જે વિકાસનું વટવૃક્ષ ફૂલ્યુંફાલ્યું છે તેના બીજ કેશુબાપાએ વર્ષો પહેલા વાવેલા.
ભારતમાં આજે ભાજપનો સૂર્ય મધ્યાહને છે પણ જ્યારે ભાજપનો જન્મ પણ નતો થયો ત્યારથી એટલે કે, સંઘ-જનસંઘની શરૂઆતનાં વખતથી કેશુભાઈ પટેલે ગુજરાતનાં વિકાસમાં પોતાનું યોગદાન આપેલું, એટલું જ નહીં પરંતુ ભાજપની સ્થાપનાથી લઈ આજ સુધી તેઓ સદાય ગરીબો-ગામડાઓનાં કલ્યાણ અર્થે કામગીરી કરતા આવ્યા હતા. ગુજરાતમાં સંઘ, જનસંઘ, ભાજપને યાદ કરવામાં આવશે ત્યારે બાપા અચૂક યાદ આવશે. જીવનનાં અનેકો ચઢાવ-ઉતાર વચ્ચે કેશુભાઈ પટેલ ઘણી આફતો અને અવસરોનાં સાક્ષી બન્યા હતા, કેટલીક આફતો અને અવસરોમાં સહાયક બન્યા હતા. માત્ર મુખ્યમંત્રી તરીકે જ નહીં પરંતુ એક માણસ તરીકે કેશુભાઈ પટેલે પોતાનાથી બનતું બધું કરી છૂટ્યું હતું અને બહુ નાની ઉંમરમાં બાપાનું બિરુદ મેળવી લીધું હતું. તેઓ ખરા અર્થમાં લોકસેવક અને જનનાયક હતા. ખાસ કરીને ગરીબો અને ગામડાઓ માટે કેશુભાઈ પટેલે અઢળક કાર્યો-યોજનાઓ અમલમાં મૂકેલી. ભાજપ સાથોસાથ ગરીબો અને ગામડાઓનાં વિકાસમાં કેશુભાઈ પટેલની કામગીરીનાં વખાણ આજે પણ પક્ષ-વિપક્ષનાં નેતાઓ કરતા થાકતા નથી.
કેશુબાપાને ક્યારેય શેનો પણ વસવસો ન હતો. ફકિરી, અમીરી વફાદારી, ગદ્દારી, સમપર્ણ, સેવાભાવના, અન્યાય, અનાદર, યાતનાઓ, યાચનાઓ, નફરત, નારાજગી, બાદશાહત અને બીજું કેટકેટલું.. કેશુભાઈ પટેલે જીવનભર શું ન જોયું કે ભોગવ્યું? આમ છતાં કેશુભાઈ પટેલ બધું જ નજરઅંદાજ કરી દિલફાડી જીવ્યા. સદાય હસતા અને હસાવતા રહ્યા. કેશુભાઈ પટેલ જેવા નેતા તો ઠીક તેના જેવા બાપા હવે ગુજરાતને મળવા મુશ્કેલ. કેશુભાઈ પટેલની હાજરી કરતા ગેરહાજરી ઘણાને વધુ ગમગીન બનાવી જશે. બાપાનું નિધન ઘણાને અનાથ બનાવી ગયું. કંઈ કેટલાંયે વડીલનો આશરો ગુમાવ્યો. કેશુભાઈ પટેલથી માત્ર પક્ષ કે પાટીદાર સમાજ જ નહીં રાજકરણથી જોડાયેલા પ્રત્યેક વ્યક્તિ દુ:ખી છે.
- Advertisement -
વિસાવદર પ્રત્યે વિશેષ વહાલ હતો કેશુભાઈ પટેલને..
કેશુભાઈ પટેલ ત્રણ વાર ધારાસભ્ય તરીકે વિસાવદરમાંથી ચૂંટાઈ આવ્યા હતા. 1995માં પેહલીવાર વિસાવદરથી ધારાસભ્ય તરીકે જીત મેળવીને મુખ્યમંત્રી બન્યા અને ત્યારબાદ 1998માં ફરી વખત ધારાસભ્ય બન્યા અને ત્યારબાદ 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરીને ત્રીજીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાય આવ્યા હતા. વિસાવદરના સ્થાનિક આગેવાનો કેશુભાઈ પટેલને બાપા તરીકે ઓળખતા અને મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન કેશુભાઈ પટેલે વિસાવદર તાલુકામાં અનેક સરકારી યોજનાનો વિશેષ લાભ અપાવ્યો હતો. રોડ, રસ્તા, પાણી, યાર્ડ વગેરે જેવી માળખાકીય સુવિધાઓ વિસાવદરને મળે એ માટે કેશુભાઈ પટેલે મહેનત કરેલી અને બદલામાં વિસાવદરવાસીઓએ પણ કેશુબાપા પર વિશેષ વ્હેત વરસાવતા તેમને ધારાસભ્ય તરીકે ચૂંટી કાઢ્યા હતા. અલબત્ત કેશુભાઈ પટેલનાં જીવનને લગતી મહત્વપૂર્ણ ઘટનાઓ પ્રસંગે પણ વિસાવદરવાસીઓએ વિસાવદર બંધ પાળી વિરોધ કે શોક દર્શાવ્યો છે.
લાલિયાથી લઇ લતીફ જેવા ખૂંખાર ગુંડાઓ પર ભારે પડ્યા હતા બાપા
કેશુબાપા પાણીદાર પાટીદાર હતા. તેઓ ખરા અર્થમાં મરદ માણા હતા. કેશુબાપા કેટલા નીડર અને બાહોશ હતા તેના બે કિસ્સાઓ ખાસ્સા જાણવા જેવા છે. એક તો રાજકોટમાં લાલિયા દાદા નામનાં એક ગુંડાનો ભયંકર ત્રાસ હતો, એક દિવસ આ લાલિયો દાદો સદર બજારમાં કેશુબાપાની જપટે ચઢી ગયો. કેશુબાપાએ પોતાની સંઘની લાકડી વડે લાલિયા દાદાને ઝૂડી નાખ્યો હતો અને લાલિયો દાદો ઊભી પૂંછડીએ ભાગી ગયો હતો.
આ ઘટના બાદ એકત્ર થયેલા લોકોએ કેશુબાપાને ખભે બેસાડી રાજકોટમાં સરઘસ કાઢ્યું હતું. એ જ રીતે ગુજરાતભરમાં અને ખાસ તો અમદાવાદમાં લતીફ નામનાં ગુંડાનો ભયાનક ત્રાસ હતો. લતીફનાં ગઢ પોપટિયાવાડમાં પોલીસ પણ જતા ડરતી અને એ વિસ્તારમાં બિનમુસ્લિમ લોકો પ્રવેશવાની હિંમત કરતા નહોતા ત્યાં કેશુબાપાએ છડેચોક પોપટિયાવાડમાં જ લોકદરબાર યોજવાનું નક્કી કર્યું હતું. કેશુબાપાની હાજરીમાં પોપટિયાવાડમાં ભાજપે લોકદરબાર યોજ્યો અને તેને ખૂબ સફળતા મળી હતી. આ લાલિયા અને લતિફ તો ઠીક આ સિવાયનાં ભલભલા ગુંડાઓ ભોભેગા કરી દીધા હતા કેસુબપાએ. ગુજરાતમાં કડક કાયદાઓ ઘડવામાં અને તેનો અમલ કરાવવામાં પણ કેશુબાપા આગળ પડતા રહ્યા હતા.