ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
કેશોદ તાલુકાના શેરગઢ ગામમાં રહેતા એક 11 વર્ષના બાળકને ઝેરી સાપ કરડવાના કારણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. 108ની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને બાળકનો જીવ બચાવ્યો છે.
કેશોદ 108ના ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન હીરેન નંદાનીયા અને પાઇલોટ આનંદ ભારતી તુરંત શેરગઢ પહોંચી ગયા હતા. બાળકને 108 એમ્બ્યુલન્સ મારફત જૂનાગઢ લઈ જવાની તૈયારી હતી, પરંતુ બાળકને તબિયત વધુ નાજુક હોવાથી ઈએમટી હીરેન નંદાનીયાએ તુરંત અમદાવાદ હેડ ઓફિસના ડો. વિપુલ સાથે વાત કરી જરૂરી સારવાર 108 એમ્બ્યુલન્સમાં જ શરૂ કરી દીધી હતી. આ સારવાર દરમિયાન, ઝેરી સાપ માટેનું રામબાણ ઇલાજ ગણાતું ઈન્જેક્શન એએસવી એમ્બ્યુલન્સમાં જ આપી દેવામાં આવ્યું હતું. અન્ય જરૂરી સારવાર પણ એમ્બ્યુલન્સમાં આપ્યા બાદ બાળકને કેશોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શિફ્ટ કરવામાં આવ્યું હતું. હાલમાં બાળકની તબિયત સુધારા પર છે. 108ની આ સમયસર અને યોગ્ય સારવારને કારણે વધુ એક બાળકનો જીવ બચાવવામાં આવ્યો છે. 108ના સ્ટાફની આ સારી કામગીરી બદલ જૂનાગઢ જિલ્લાના અધિકારી યુવરાજ સિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર આકાશ પણ હાજર રહ્યા હતા અને 108ના સ્ટાફનું મનોબળ વધાર્યું હતું.



