અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. ભગવાન રામના આગમન પ્રસંગે સમગ્ર દેશ અયોધ્યા ભગવાન રામને ભેટ મોકલી રહ્યા છે. કેરળના સુપ્રસિદ્ધ શ્રી પદ્મનાભસ્વામી મંદિર દ્વારા ભગવાન રામને ઉપહાર સ્વરૂપ “ઓનાવિલુ” ભેટ આપવામાં આવશે. ઓનાવિલુ એક પારંપરિક વાદ્ય યંત્ર છે, જે નાના ધનુષના આકારનું હોય છે.
જે ઓનાવિલુ ભગવાન રામને ભેટ સ્વરૂપ આપવામાં આવશે, તેને ગુરૂવારના સવારથી ભક્તોના દર્શન માટે જાહેર રાખવામાં આવશે. પદ્મનાભસ્વામી મંદિરના પુજારી અને મંદિર પ્રશાસન સમિતિના સભ્યો આ ઓનાવિલુને શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રતિનિધિઓને એક સમારોહમાં આપશે.
- Advertisement -
પદ્મનાભસ્વામી મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને ભગવાન રામને પણ ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. પદ્મનાભ સ્વામી મંદિરનો ઇતિહાસ ઘણો પૌરાણિક છે અને તેમનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ જોવા મળે છે. શ્રીમદ ભાગવદના અનુસાર બલરામ પણ આ મંદિરમાં આવ્યા હતા અને તેમણે અહિંયા પવિત્ર સરોવર પદ્મતીર્થમમાં સ્નાન કર્યું હતું.