વિડીયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજરી માટે કેજરીવાલની અરજી
કોર્ટે તિહાર જેલના સત્તાવાળાઓ પાસે કેજરીવાલના ભોજન ચાર્ટ સહિતનો રિપોર્ટ માંગ્યો : આજે કેસની વધુ સુનાવણીની શક્યતા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
- Advertisement -
ઇડીએ દિલ્હીની કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે એકસાઇઝ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ટાઇપ-2 ડાયાબિટિસ હોવા છતાં મેડિકલના આધારે જામીન મેળવવાનો આધાર બનાવવા દરરોજ કેરી અને મિઠાઇ જેવી વધારે મીઠી વસ્તુઓ ભોજનમાં લઇ રહ્યાં છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સીબીઆઇ અને ઇડીના કેસો માટેના સ્પેશિયલ જજ કાવેરી બાવેજા સમક્ષ આ દાવો કર્યો હતો. જજે તિહાર જેલના સત્તાવાળાઓને આ બાબતમાં કેજરીવાલના ભોજન ચાર્ટ સહિતનો રિપોર્ટ દાખલ કરવાના નિર્દેશ આપ્યા છે. કેજરીવાલે સુગરના સ્તરમાં વધ-ઘટને કારણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પોતાના નિયમિત ડોક્ટરની સલાહ લેવાની મંજૂરી માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
ન્યાયમૂર્તિએ સંબધિત અધિકારીઓને આવતીકાલ સુધીમાં રિપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. આવતીકાલે આ કેસમાં વધુ સુનાવણી થઇ શકે છે.ઇડીએ કોર્ટને જણાવ્યું હતું કે ટાઇપ-2 ડાયાબિટિસ હોવા છતાં અરવિંદ કેજરીવાલ વધારે ખાંડ ધરાવતી વસ્તુઓ ભોજનમાં લઇ રહ્યાં છે. તેઓ દરરોજ આલૂ પૂરી, કેરી અને મિઠાઇ ખાઇ રહ્યાં છે. તેઓ આ વસ્તુઓ એટલા માટે ખાઇ રહ્યાં છીએ કે તેનાથી તેમનું સુગર લેવલ વધે અને તેના આધારે તેમને જામીન મળી જાય.
આ દરમિયાન જજે 2022ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ફંડનું સંચાલન કરનારા ચનપ્રીત સિંહને 23 એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ઇડી કસ્ટડીની મુદ્દત પૂર્ણ થઇ જતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં.દિલ્હીના એક્સાઇઝ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ પછી 10 દિવસ કેજરીવાલ ઇડીની કસ્ટડીમાં રહ્યાં હતાં. ત્યારબાદ 1 એપ્રિલે કોર્ટે તેમને 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતાં. ત્યારબાદ 15 એપ્રિલે કોર્ટે તેમને ફરીથી 23 એપ્રિલ સુધી કસ્ટડીમાં મોકલી દીધા હતાં. જેના કારણે કેજરીવાલ 23 એપ્રિલ સુધી તિહાર જેલમાં જ રહેશે. ધરપકડને પડકારતી તેમની અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં 29 એપ્રિલે સુનાવણી થવાની છે.