પ્રાચીનકાળમાં જ્યારે ઋષિઓ યજ્ઞ કે હોમ હવન કરતા હતા ત્યારે તેમાં વિઘ્ન નાખવાં માટે અસુરો દોડી આવતા હતા. યજ્ઞ કુંડમાં હાડકાં કે માંસના ટુકડા ફેંકીને તેઓ પવિત્ર વિધિને અપવિત્ર કરી મૂકતા હતા. આના પરથી કહેવત પડી : હવનમાં હાડકાં નાખવા. અત્યારે ક્યાંક અને ક્યારેક યજ્ઞ યજ્ઞાદિ કે હોમ હવન જેવા પવિત્ર કાર્યો ચાલતા જ રહે છે. સંસારી જનો એમના રોજિંદા કાર્યો કરે છે, વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ગૃહિણીઓ ઘરકામ કરે છે, સ્વજનો કે પરિચીતો એક બીજાને મળવા જાય છે, આ બધા પવિત્ર યજ્ઞો જ કહી શકાય.
આ નવા યજ્ઞોની સાથે સાથે નવા અસુરો પણ અસ્તિત્વમાં આવી ગયા છે. આજના સમયના અસુરો એટલે ટી.વી., કોમ્પ્યુટર, મોબાઈલ ફોન વગેરે. મોબાઈલ ફોનના આગમન પછી વિદ્યાર્થીઓના ભણવા ઉપર ખૂબ મોટો અવરોધ પેદા થયો છે. લોકોનું સામાજિક જીવન લગભગ શૂન્ય થઈ ગયું છે, ગૃહિણીઓ ઘરકામ યંત્રવત્ કરતી રહે છે, એમનું ધ્યાન તો મોબાઈલમાં જ હોય છે. એકબીજાના ઘરે મળવા જવાનું ખૂબ જ ઓછું થઈ ગયું છે, લોકોના સ્વભાવ પણ એકાકી બની ગયા છે.
- Advertisement -
એક પરિવારમાં 6 સભ્યો હોય તો પણ છએ છ જણા એકલા જોવા મળે છે. ભારતના જનજીવનના યજ્ઞમાં એટલે કે હવનમાં આવાં હાડકાં આવશે એવું કોણે વિચાર્યું હતું? આ નવા અસુરોને શક્ય એટલે દૂર રાખીને આપણે આપણા સંસારી જીવનનો અને સાધના માર્ગનો હવન આગળ વધારીએ.