આજે 14.1 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું જોર વધશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સામાન્ય રીતે નવેમ્બરની શરૂઆત સાથે જ કડકડતી ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ, આ વર્ષે હજી સુધી જોઈએ તેવી ઠંડી પડી નથી. જો કે, હવે આગામી દિવસોમાં લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડે તેવી આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં 14.1 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.
- Advertisement -
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા 21થી 23 નવેમ્બર દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ, અમરેલી, જૂનાગઢ, વલસાડ, સુરત સહિતના જિલ્લાના તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા અઠવાડીયાથી ઠંડીની ધીમી શરૂઆત થઈ ચૂકી છે. હવે કડકડતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં 14.1 ડિગ્રી સાથે કચ્છનું નલિયા શહેર સૌથી ઠંડુ રહ્યું છે. જ્યારે ડીસા 15.9 ડિગ્રી,અમરેલીનું 16.4 ડિગ્રી, બરોડા 17 ડિગ્રી, ગાંધીનગર 17.4 ડિગ્રી, પોરબંદર 15.8 ડિગ્રી, રાજકોટ 16.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
સતત ફૂંકાઇ રહેલાં ઉત્તર કે ઉત્તર-પૂર્વના ઠંડા પવનના કારણે ઉત્તર ગુજરાતમાં મંગળવારે દિવસ-રાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. એક રાતમાં ઠંડી 3 ડિગ્રી સુધી વધવાની સાથે ગરમી એક ડિગ્રી સુધી ઘટી હતી. જેને લઇ સવારે કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.