40 વર્ષની ઉંમરમાં 34 વર્ષ શિક્ષણને સમર્પિત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
ગુજરાતીમાં કહેવત છે કે ‘ભણે તે ગણે’, અને સોરઠની દીકરી ડો. ઉર્વશી જાનકીદાસભાઈ દેવમુરારીએ આ કહેવતને અક્ષરસ સાર્થક કરી બતાવી છે. મૂળ અમરેલીના વીરપુર (ધારી)ના વતની હોવા છતાં, મોસાળના ગામ જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવીને તેમણે શિક્ષણના ક્ષેત્રે વિશ્વ કક્ષાએ નોંધ લેવાય તેવી અસાધારણ સિદ્ધિ હાંસલ કરી છે.
- Advertisement -
ડો. ઉર્વશીએ માત્ર 40 વર્ષની ઉંમરમાં 34 વર્ષ જેટલો લાંબો સમય શિક્ષણને સમર્પિત કર્યો છે, જેના પરિણામે તેમણે ત્રણ વખત પીએચ.ડી, ચાર માસ્ટર ડિગ્રી (એમ.કોમ., એમ.બી.એ., એમ.એડ., ગોલ્ડ મેડલ સાથે એલએલ.એમ.), અને ત્રણ બેચલર ડિગ્રી (બી.કોમ., બી.એડ., એલએલ.બી.) સહિત 50થી વધુ સર્ટિફિકેટ પ્રાપ્ત કરીને ઇતિહાસ રચ્યો છે. નાનાજી હિંમતભાઈ અગ્રાવતની પ્રેરણાથી તેમણે જૂનાગઢમાં અભ્યાસ શરૂ કર્યો અને2025માં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, પાટણમાંથી કાયદાના વિષયમાં ત્રીજી પીએચ.ડી. પૂર્ણ કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સહિત ઇન્ટરનેશનલ અને નેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવીને ભારતના પ્રથમ મહિલા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
કારકિર્દીની શરૂઆત માત્ર રય. 50 ના ભથ્થાથી સુપરવાઇઝર તરીકે કરનાર ડો. ઉર્વશી દેવમુરારીએ 2007માં ક્લાર્ક અને ત્યારબાદ 2010માં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી. તેમની શૈક્ષણિક નિષ્ઠા જોઈને 2024થી તેમને જૂનાગઢ કેળવણી મંડળ સંચાલિત કોમર્સ, બીબીએ, એમ.કોમ. કોલેજમાં પ્રિન્સિપાલ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે અભ્યાસની સાથે સંશોધન કાર્ય પણ ચાલુ રાખ્યું છે. તેમણે નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પેપર્સ રજૂ કર્યા છે, મેનેજમેન્ટ વિષય પર પુસ્તકો પ્રકાશિત કર્યા છે અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ગાઇડશીપ મેળવીને ચાર દીકરીઓને પીએચ.ડી. પૂર્ણ કરાવી છે અને અન્ય વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. રામાનંદી પરિવારમાંથી આવતા ડો. ઉર્વશી દેવમુરારીએ પોતાની સિદ્ધિઓથી સમાજ અને જૂનાગઢનું નામ રોશન કર્યું છે, જેના બદલ તેમને યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. પ્રતાપસિંહ ચૌહાણ અને જૂનાગઢ કેળવણી મંડળના ટ્રસ્ટીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.



