ખાસ-ખબર સંવાદદાતા
પ્રાચીન ભારતમાં ગુરુકુળમાંથી શિક્ષણ મેળવવાની પરંપરા હતી. ગુરુકુળમાં કોઈપણ કોઈપણ વિદ્યાર્થીઓને હિંદુ ધાર્મિક સાહિત્યો અને દાર્શનિક પુસ્તકોનું જ્ઞાન આપવામાં આવતું હતું. સાથે-સાથે વૈજ્ઞાનિક અભિગમ ઉપરાંત અનેક વિદ્યાઓ શીખવવામાં આવતી હતી. મોટા ભાગે તે ગુરુકુળનું સંચાલન કોઈ ઋષિ દ્વારા અથવા તો મંદિર દ્વારા થતું હતું. અંગ્રેજ શાસન સમયે પણ કેટલાક મંદિરોમાં ગુરુકુળ પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતું હતું. પરંતુ પછીથી અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ લાગુ કરાતા ગુરુકુળો બંધ થઈ ગયા હતા. જ્યારે હવે એ જાણવા મળી રહ્યું છે કે, વારાણસી સ્થિત કાશી વિશ્ર્વનાથ મંદિર ગુરુકુળની સ્થાપના કરવા જઈ રહ્યું છે. કાશી વિશ્ર્વનાથ મંદિર ગુરુકુળની સ્થાપના કરવા જઈ રહ્યું છે. આ ગુરુકુળમાં વેદો તથા તેની દરેક શાખાઓનું અધ્યયન કરાવવામાં આવશે. આ સાથે આધુનિક શિક્ષણ પણ આપવામાં આવશે. અહિયાં દેશના કોઈપણ વિદ્યાર્થીને નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવશે. ટૂંક સમયમાં જ મંદિર તરફથી ગુરુકુળની સ્થાપના કરવામાં આવશે. તેનું સંચાલન પણ કાશી વિશ્ર્વનાથ મંદિર તરફથી જ કરવામાં આવશે. આધુનિક અને પ્રાચીન જ્ઞાનનો સમન્વય ધરાવતા આ ગુરુકુળમાં દેશભરના વિદ્યાર્થીઓ વિનામૂલ્યે અભ્યાસ કરી શકશે. ગુરુકુળની સાથે હોસ્પિટલ અને ગૌશાળાનું પણ સંચાલન કરવામાં આવશે. હોસ્પિટલ આયુર્વેદિક દવા માટેનું સંપૂર્ણ કેન્દ્ર હશે. કાશી વિશ્ર્વનાથ મંદિર ન્યાસ સામાજિક ફરજ સ્વરૂપે સેવાઓનું વિસ્તરણ કરી રહ્યું છે.
હૉસ્પિટલ અને ગૌશાળાનું પણ થશે સંચાલન
કાશી વિશ્ર્વનાથ મંદિર ગુરુકુળની સાથે-સાથે ચિકિત્સાલય (હોસ્પિટલ) અને ગૌશાળાનું પણ સંચાલન કરશે. ગૌશાળામાં રાખવામાં આવેલી ગાયોની સારસંભાળ રાખવામાં આવશે. સાથે હોસ્પિટલમાં પણ નિ:શુલ્ક સેવાઓ આપવામાં આવશે. હોસ્પિટલમાં ભારતના પ્રાચીન મેડિકલ વિજ્ઞાન તરીકે આયુર્વેદને પ્રાથમિકતા આપવામાં આવશે. ટ્રસ્ટની આગામી બેઠકમાં ગુરુકુળના સ્થાન અને સંચાલન અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. કાશી વિશ્ર્વનાથ મંદિરનું ગુરુકુળ ચંદોલી, મિર્ઝાપુર અથવા સારનાથમાં મંદિરની ખાલી પડેલી જગ્યા પર બનાવવામાં આવશે. ગુરુકુળની સ્થાપના બાદ દેશના વિદ્યાર્થીઓને વેદ અને વેદાંગો સહિત તમામ ઉપનિષદો અને હિંદુ ધર્મના મૂળભૂત ગ્રંથોનું જ્ઞાન આપવામાં આવશે. આ સાથે આધુનિક વિજ્ઞાન અને ગણિત પણ શીખવવામાં આવશે. મંદિર દ્વારા સંચાલિત ગુરુકુળમાં વેદની તમામ શાખાઓનું અધ્યયન અને અધ્યાપન કરાવવામાં આવશે. તેમાં પ્રવેશ માટેની લઘુત્તમ વય પાંચ વર્ષની રહેશે. યજ્ઞોપવીત (જનોઈ) ધારણ કર્યા પછી જ કોઈપણ બાળક પ્રવેશ લઈ શકશે.