ભાવિકો અને મુલાકાતીઓના વ્યાપક હિતમાં તારીખોમાં ફેરફાર કરવાનો સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય..
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
શ્રદ્ધા અને લોકસંસ્કૃતિના પાવનધામ એવા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વર્ષ 1955થી પ્રતિવર્ષ યોજાતો પરંપરાગત કાર્તિક પૂર્ણિમા લોકમેળો-2025 કે જે આગામી તા.1 થી 5 નવેમ્બર 2025 સુધી નિર્ધારિત કરવામાં આવ્યો હતો, આ મેળાને પ્રવર્તમાન અસામાન્ય હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, સોમનાથ ટ્રસ્ટ દ્વારા તા.27 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2025 દરમિયાન યોજવાનો મહત્વપૂર્ણ અને જનહિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, શ્રી સોમનાથ મંદિર સપૂર્ણ થયું અને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું તે પુણ્ય દિન એટલે સંકલ્પ સિદ્ધિ દિવસ પર મેળાનું સમાપન થશે. લાખો ભાવિકો અને વેપારીઓના હિતને અનુલક્ષીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ માહિતી અને અપડેટ માટે સત્તાવાર વેબસાઇ www.somnath.org સંપર્ક કરવો.
- Advertisement -
કાર્તિકી પૂર્ણિમાના દિવસોમાં સોમનાથ મંદિરના કાર્યક્રમ
તા.1 થી તા.4 નવેમ્બર સુધી એટલે કે કાર્તિકી એકાદશીથી કાર્તિકી પૂર્ણિમાના પાવન પર્વ સુધી સોમનાથ મંદિરના દર્શન, પૂજા-વિધિ અને આરતીના કાર્યક્રમો નિર્ધારિત સમય મુજબ યથાવત રહેશે તેમજ દર્શનનો સમય 1 કલાક વધારીને રાત્રિના 11 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે તેમજ તા.5 ના રોજ કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રે 12 વાગ્યે સોમનાથ મહાદેવની મહાઆરતી યોજાશે અને રાત્રે 1 વાગ્યા સુધી મંદિરમાં દર્શનનો લાભ દર્શનાર્થીઓને મળશે.



 
                                 
                              
        

 
         
         
        