હેમુ ગઢવી હોલ ખાતે રાજ્ય-કેન્દ્ર સરકારના કર્મચારીઓને સમાજ વિકાસ કાર્યોમાં જોડાવવા અપીલ
ઉમિયાધામ સિદસરના માધ્યમથી ‘કર્મ’નું ભાથું બાંધવા પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીની અપીલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાની ભક્તિની શક્તિ સાથે સમાજના ઉત્કર્ષ અને ઉત્થાન માટે ઉમિયાધામ સિદસર હંમેશાં અગ્રેસર રહ્યું છે. ઉમિયા માતાજી મંદિર સિદસર દ્વારા યોજાયેલ 1985નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હોય, 1999નો શતાબ્દી મહોત્સવ, 2012નો રજતજયંતી મહોત્સવ હોય કે ડીસેમ્બર 2024માં મા ઉમિયા પ્રાગટ્યની 125માં વર્ષની ઉજવણી નિમિત્તે સવા શતાબ્દી મહોત્સવ હોય, ઉમિયાધામ સિદસરનો કેન્દ્રવર્તી હેતુ સમાજના દરેક વર્ગને સાથે જોડી સમાજોત્કર્ષને સર્વાંગી વિકાસ તરફ દોરી જનારો રહ્યો છે.
પાટીદારોની આસ્થાના અવિચળ કેન્દ્ર સમા ઉમિયાધામ દ્વારા સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજની પ્રગતિ માટે અનેકવિધ વિકાસ કાર્યો કરવામાં આવે છે. સમાજ વિકાસ કાર્યો માટે આર્થિક સહયોગ આપનાર દિલેર દાતાઓની સાથોસાથ તન-મન-ધનથી સેવા આપનાર પાયાના પથ્થર સમાન કર્મયોગીની ટીમ પાયાની જરૂરિયાત બની રહી છે ત્યારે સામાજિક પ્રગતિ અને વિકાસને વેગ આપવા માટે સમાજના સુશિક્ષિત, બુદ્ધિજીવી અને પ્રબુદ્ધ કર્મયોગી અધિકારી-કર્મચારીઓનું ‘કર્મયોગી’ સંમેલન ગત તા. 20 ને રવિવારે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાયું હતું.
- Advertisement -
રાજકોટ ખાતે યોજાયેલ આ ‘કર્મયોગી’ સ્નેહમિલન સમારોહમાં રાજ્ય-કેન્દ્ર સરકારના તમામ વિભાગો, બોર્ડ-કોર્પોરેશન, તમામ બેંક, વીમા કંપની, કોર્પોરેટ કંપનીના પ્રવૃત્ત તથા નિવૃત્ત સમગ્ર સૌરાષ્ટ્રના વર્ગ-1, વર્ગ-2ના કર્મયોગી અધિકારીઓ તથા રાજકોટ શહેરમાં સેવા આપતાં તમામ વર્ગ-3ના કર્મયોગી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉમિયાધામ સિદસર દ્વારા આયોજિત આ કર્મયોગી સંમેલનનો મુખ્ય હેતુ પરસ્પર પરિચય કેળવી ઉપયોગી થવું, સમાજના પરિવારોને મદદરૂપ બનવું, સમાજ વિકાસ કાર્યોમાં જોડાવું અને સમાજ વિકાસ થકી રાષ્ટ્ર વિકાસને વેગ આપવો, મનપસંદ પ્રવૃત્તિઓમાં જોડાવવાનો રહ્યો હતો. આ કર્મયોગી સંમેલનમાં વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ, શિક્ષણ, આરોગ્ય, જળસંચય, વૃક્ષારોપણ, પ્રાકૃતિક ખેતી, સ્કીલ ડેવલોપમેન્ટ, નોલેજ અપગ્રેડેશન, માથાદીઠ આવક વધારવી, હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ, યોગ-ધ્યાન શિબિર, સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ, સ્પર્ધાત્મક પરીક્ષા, સ્પોર્ટ્સ, તંદુરસ્ત જીવનશૈલી, સામાજિક સંવાદ, વૈદિક લાઈફ, સેલ્ફ ડીફેન્સ, ડિજિટલ લીટરસી, સાયબર સિક્યુરિટી જેવી વિવિધ પ્રવૃત્તિઓને કેમ્પ, કાર્યક્રમો, સંમેલનો યોજી વેગવંતી બનાવવાની દિશામાં વિચાર-વિમર્શ કરવામાં
આવ્યો હતો.
ઉમિયાધામ સિદસરના નવનિયુક્ત પ્રમુખ પાટીદાર ભામાશા મૌલેશભાઈ ઉકાણીએ જણાવ્યું હતું કે ‘વેડફવું, વાપરવું અને વાવવું’ એ પૈકી વાવવું સૌથી ઉત્તમ છે એમ સમાજ ઉત્કર્ષ માટે વિવિધ કર્મયોગી સાથે મળી કર્મનું ભાથું બાંધી સમાજસેવામાં જોડાવા અપીલ કરી હતી. ઉમિયાધામના ભૂતપૂર્વ પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયાએ જણાવ્યું હતું કે કળિયુગમાં સંઘશક્તિ જ બળવાન છે. સંગઠન હશે તો જ સમાજ વિકાસ થશે. આઝાદી પછી કડવા પાટીદાર સમાજનો વિકાસ વેગવંતો બન્યો છે. શિક્ષણ થકી પાટીદાર સમાજનો સર્વાંગી વિકાસ થયો છે. તેઓએ પાટીદાર કર્મવીરોને આર્થિક સહયોગની સાથોસાથ સમયદાન આપી શરીર ચાલે ત્યાં સુધી સમાજનું કાર્ય કરવા કાર્યકર્તાઓને હાકલ કરી હતી.
સિદસરના ઉપપ્રમુખ જગદીશભાઈ કોટડીયાએ કર્તવ્યનું પાલન કરવું એ જ કર્મ, એ જ સત્ય અને એ જ ધર્મ હોવાનું જણાવતાં તેમણે નવી પેઢીએ સમાજ વિકાસના સદ્કાર્યોમાં જોડાવા આહ્વાન કર્યું હતું. ઉમિયાધામ સિદસરના બી. એ. ઘોડાસરાએ જણાવ્યું હતું કે કર્મયોગીઓ સમાજનું બુદ્ધિધન છે અને યહુદીઓની માફક પાટીદાર સમાજે પણ છેલ્લા 4 દસકામાં કરેલી પ્રગતિ અભ્યાસને પાત્ર છે ત્યારે સામુહિક કોમ્યુનિટીના સાધનો થકી સમાજના સર્વાંગી વિકાસ તરફ હરણફાળ ભરવા અપીલ કરી હતી. જયેશભાઈ પટેલે ઉમિયાધામ સિદસરના માધ્યમથી થયેલા સામાજિક વિકાસ કાર્યો તેમજ સિદસર, રાજકોટ, સોમનાથ, દ્વારકા તેમજ અમદાવાદની વિવિધ સામાજિક, શૈક્ષણિક પ્રોજેકટોનો ચિતાર આપ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત કર્મયોગીઓ જયમીન કાવડીયાએ ઉમિયાધામની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને કર્મયોગી તરીકે સેવા આપવા તત્પરતા દાખવી હતી. રાજકોટના સાયબર ક્રાઈમના પી.આઈ. જયેશભાઈ કૈલાએ સાયબર ક્રાઈમ અંગે જાગૃત રહેવા અને સાવચેતી કેળવવાની માહિતી આપી હતી. તાલુકા પી.આઈ. ધવલભાઈ હરીપરાએ પોતાના મંતવ્યમાં ઘરમાં સાસુ-વહુ કે પતિ-પત્નીના ઝગડાને વખોડી કાઢ્યા હતા. ઘરમાં એકતા રહે, નાના-મોટા ઝગડા, છુટાછેડા, સામાજિક પ્રશ્ર્નો, લગ્નેતર સંબંધો જેવા દૂષણોને દૂર કરવા જણાવ્યું હતું. રશિમીબેન સાપરીયાએ બાળકોને કુપ્રવૃત્તિઓથી દૂર રાખી દેશની યુવા પેઢીને બચાવવા જણાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઉમિયા પરિવાર સંગઠન સમિતિના પ્રમુખ અને ઉમિયાધામના ટ્રસ્ટી કૌશીકભાઈ રાબડીયા તથા આભારવિધિ સરોજબેન મારડીયાએ કરી હતી. સમગ્ર સંમેલનને સફળ બનાવવા નિવૃત્ત શિક્ષણાધિકારી બી. એસ. કૈલાની આગેવાની હેઠળ મિલન કાવડીયા, રોહન વામજા, વિનુભાઈ મણવર તથા નિવૃત્ત કર્મયોગી સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.



