નાડોદા અને કારડિયા રાજપુત સમાજે કહ્યું- રાષ્ટ્ર અને ધર્મને ટેકો આપવા આવ્યા છીએ, 26 બેઠકો જીતાડીશું
‘રૂપાલાએ માફી માંગી છે, અમે ભાજપને સપોર્ટ કરીશું’- રાજપૂત ક્ષત્રિય કાઉન્સિલ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
- Advertisement -
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના એક નિવેદનથી રાજપૂત સમાજ વિરોધ કરી રહ્યો છે. ત્રણથી ચારવાર જાહેર મંચ પરથી પણ માફી માંગી હોવા છતાં આ વિરોધ શમ્યો નથી. શરૂઆતમાં પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટેની માંગણી કરવામાં આવી. જ્યારે પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવી દીધી તો હવે રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ કોંગ્રેસને સમર્થન જાહેર કરી દીધું. હવે તો રાહુલ ગાંધીએ પણ ‘રાજા-મહારાજાઓ’ પર નિવેદન આપીને આગમાં ઘી હોમી દીધું છે. હવે ક્ષત્રિય સમાજમાંથી જ અનેક લોકોએ ભાજપને સમર્થન જાહેર કરી દીધું છે. પહેલાં કાઠી ક્ષત્રિય સમાજે ભાજપને સમર્થન જાહેર કર્યું હતું. જ્યારે હવે કારડીયા રાજપૂતોએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. કારડીયા રાજપૂત ક્ષત્રિય કાઉન્સિલના પ્રમુખ લક્ષ્મણસિંહ જાદવે ભાજપને ખુલ્લુ સમર્થન જાહેર કરી દીધું છે. રવિવારે (28 એપ્રિલ, 2024) ગાંધીનગર કમલમ ખાતે સીઆર પાટીલ અને કારડીયા રાજપૂત સમાજની બેઠક મળી હતી. બેઠકમાં કારડીયા રાજપૂતોએ રાષ્ટ્ર અને ધર્મને આગળ કરીને ક્ષત્રિય સમાજના આંદોલનથી છેડો ફાડી નાખ્યો છે અને ભાજપને સમર્થન જાહેર કરી દીધું છે. કારડીયા રાજપૂત સમાજે હાંકલ કરી છે કે, હવે તો ગુજરાતની 26 બેઠકો ભાજપને જ જિતાવીશું. કારડીયા રાજપૂત સમાજની સાથે આ બેઠકમાં નાડોદા રાજપૂત સમાજ પણ હાજર રહ્યા હતા. બંને સમાજે ભાજપને સમર્થન જાહેર કર્યું છે. આ સાથે ક્ષત્રિય સમાજમાં ચાલી રહેલા રોષને શક્ય હોય તેટલો શાંત કરવા માટેના પ્રયાસ પણ કરવામાં આવશે.
રાજપૂત ક્ષત્રિય કાઉન્સિલના પ્રમુખ લક્ષ્મણસિંહ જાદવની આગેવાની હેઠળ કારડીયા અને નાડોદા રાજપૂત સમાજના આગેવાનો બેઠકમાં જોડાયા હતા. બેઠક બાદ લક્ષ્મણસિંહે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ રાષ્ટ્ર અને ધર્મને ટેકો આપવા માટે આવ્યા છે. તેમણે કહ્યું કે, દેશહિત ખાતર અમે ભાજપને સમર્થન જાહેર કરી રહ્યા છીએ. પરષોત્તમ રૂપાલાએ અગાઉ અનેકવાર માફી માંગી લીધી છે, તેથી તે મુદ્દો હવે રહેતો નથી. વિરોધ કરી રહેલા સમાજના લોકો પાસે જઈને તેમને સમજાવવાનો પ્રયાસ કરીશું. આખો મામલો થાળે પાડવાનો પ્રયત્ન કરીશું. તેમણે વધુમાં કહ્યું કે, રાષ્ટ્ર અને ધર્મને ટેકો આપવા માટે અમે અમે ક્ષત્રિય સમાજની બેઠક યોજી હતી. હિંદુ ધર્મ અને સમાજ વિકસિત બને તે માટે સહિયારો ટેકો આપવા આવ્યા છીએ. હિંદુ ધર્મ માટે હંમેશા ક્ષત્રિય સમાજ અગ્રેસર રહેશે. તેમણે કહ્યું કે, અમે કોઈપણને સપોર્ટ આપવાની વાત કરીશું, તો ભગવાન રામને પણ તે વિશેના અનેક પ્રશ્નો થયા હતા. તો અમારી તો વાત જ શું કરવાની.
તે લોકો અમને ઇ ટીમ, ઈ ટીમ.. જે કહે તે. પરંતુ અમે અત્યારે રાજપૂત સમાજને ઉજાગર કરવા માટેની અમારી જે ફરજનો ભાગ છે, તેના માટે અમે સમર્થન આપવા આવ્યા છીએ. તેમણે વધુમાં કહ્યું કે, અમારો રાજપૂત સમાજ ગુજરાતની 80% જગ્યાઓ પર વસેલો છે. તે દરેક મતથી ભારતીય જનતા પાર્ટીને ટેકો આપે છે. ગુજરાતની 26 સીટ અમે નરેન્દ્રભાઈ મોદીને આપી શકીએ એ જ અમારો પ્રણ છે. આંદોલન ઘણા દિવસોથી ચાલી રહ્યું છે, મનોમંથન ચાલી રહ્યું છે. પરંતુ એકસાથે બેસીને નિરાકરણ લાવીએ તો વિવિધ રીતના ભાગલા ન પડે. એક્તાથી સમગ્ર રાજપૂત સમાજ એક નિર્ણય પર આવે. પરંતુ કમનસીબ છે કે, અમે એક ના થઈ શક્યા. હિંદુ ધર્મ માટે અને રાષ્ટ્રના હિત માટે આજે અમે ભાજપને 26માંથી 26 બેઠકો અપાવીશું, એ અમારું પ્રણ છે. અમે પરષોત્તમ રૂપાલાની માફીનો સ્વીકાર કરીએ છીએ.
આ તકે લક્ષ્મણસિંહ યાદવની આગેવાની હેઠળ રાજપૂત આગેવાનો ધીરુભા ડોડિયા( રાજકોટ) દિલીપસિંહ બારડ(સાણંદ) , દિલીપસિંહ પરમાર (સુરત), ઉપેન્દ્રસિંહ ચાવડા (ધંધુકા), રમેશસિંહ ચાવડા (રાજકોટ), બલદેવસિંહ સિંધવ (સુરેન્દ્રનગર), ભરતસિંહ સિંધવ (વિરમગામ ચેરમેન એપીએમસી), ભવાનસિંહ ચૌહાણ, (ડિરેક્ટર એપીએમસી સાણંદ) , મનોજસિંહ ગોહિલ (જખવાડા), ભરતસિંહ પરમાર (વાગડ) , બલદેવસિંહ પરમાર (એડવોકેટ), જબ્બર સિંહ ઝાલા(ધાનેરા), માનસિંહજી નકુમ (સિહોર), સુરુભા જાદવ (અણીયારા), આર.સી. ચૌહાણ (રાજકોટ), રણજીતસિંહ વાઢેર, (રાજકોટ), અજીતસિંહ વાઢેર(આણંદપર), બનુભા ચિત્રા (કોંઢ) , દશરથસિંહ ચાવડા (અમદાવાદ), અલ્પેશ સિંહ પરમાર (અમદાવાદ), ભાવસિંહજી ઘોલતર, (સતાપર), હરુભા જાદવ (સુરેન્દ્રનગર), ઘનશ્યામસિંહ પાવરા (સુરેન્દ્રનગર), સંજય સિંહ હેરમા(ઢસા), કૈલાશ સિંહ બારડ (વડોદરા) , વિક્રમસિંહ સોલંકી (સુરત) દ્વારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલજી ની હાજરીમાં કમલમ ગાંધીનગર ખાતે સંમેલન યોજી ભારતીય જનતા પાર્ટી અને ભારતના યશશ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી સમર્થન આપી, રાષ્ટ્ર હિત સર્વોપરી અને હિંદુત્વને ઉન્નત કરવાની રાજપૂત પરંપરા નિભાવી. ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્યાતિ ભવ્ય વિજય થાય તે માટે પાર્ટીની તરફેણમાં મતદાન માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો.