ખાસ-ખબર ન્યૂઝ મોરબી
છેલ્લા એક અઠવાડિયાથી ટંકારા શહેરમાં એક વાંદરો (કપિરાજ) ક્યાંકથી આવી પહોંચ્યો છે અને તેણે આખા નગરમાં પોતાનું સ્થાન જમાવી દીધું છે. આ વાનરરાજને ટંકારાનું વાતાવરણ એટલું પસંદ આવી ગયું છે કે તે પોતાની મોજ મુજબ હુપ-હુપ કરતો ફરે છે અને ચાની કીટલી કે નાસ્તાની રેંકડી પર ઉતરી જાય છે.
લોકો પણ તેને કુતૂહલથી નિહાળવા ટોળાં જમાવે છે. બુધવારે સાંજે દયાનંદ ચોક પાસેની ચિપ્સની લારીએ પહોંચીને તેણે ગરમાગરમ ચિપ્સની જ્યાફત માણી હતી. લારીવાળા સહિતના લોકોએ તેને પ્રેમથી ચિપ્સ ખવડાવતા, કપિરાજને જાણે ચટાકેદાર બટેટાની ચિપ્સનો ચસ્કો લાગી ગયો હતો. ટંકારાના રઘુવંશી સમાજના યુવાન પ્રકાશ કક્કડે આ દ્રશ્યને પોતાના મોબાઈલમાં કેદ કર્યું હતું. આ ઘટના દર્શાવે છે કે ટંકારાના લોકોને આ કપિરાજ પ્રત્યે ઘણી લાગણી અને પ્રેમ છે.



