ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી ગેસ કાઢી લેવામાં આવતો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજકોટમાં વર્ષ 2007 બી.ડીવી. પો. સ્ટેશનમાં આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ 3 તથા 7 મુજબ કે. આર. ગઢીયા, પુરવઠા નિરીક્ષક, રાજકોટ દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી, જેમાં જણાવેલું કે પુરવઠા ઈન્સ્પેકટરોની ટીમ દ્વારા સંત કબીર રોડ ઉપર આવેલી કાન્તા ગેસ સર્વિસ વિરુદ્ધ ગ્રાહકો તરફથી અલગ-અલગ ફરિયાદો મળતી હોય, જે અનુસંધાને પુરવઠા ઈન્સ્પેકટરો દ્વારા તા. 24-8-07ના રોજ કાર્યવાહી કરવામાં આવેલી. જે અનુસંધાને તેમના દ્વારા વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો અને જે રિપોર્ટ કલેકટરને આપવામાં આવતા કલેકટર દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ ફરિયાદ કરવા હુકમ કરતાં તેઓએ ફરિયાદ કરેલી હતી.
ફરિયાદ મુજબ ગ્રાહકોની ફરિયાદ કાન્તા ગેસ એજન્સી વિરુદ્ધ મળતાં અધિકારીઓ દ્વારા પેડક રોડ ઉપર કાન્તા ગેસના ડીલીવરીમેનની રીક્ષા ઉભી રાખી તપાસ કરતા છકડો રીક્ષામાંથી 16 સિલિન્ડર તથા અન્ય જગ્યાએથી 11 સિલિન્ડર કબ્જે કરવામાં આવેલા અને આ સિલિન્ડરોનું વજન નિયત વજન સિવાય ઓછું જણાય આવેલું જેથી બાટલામાંથી ગેસ કાઢી લેવામાં આવતો હોવાની વાતને સમર્થન મળેલ, જેથી અધિકારીઓની ટીમ દ્વારા મોટી સંખ્યામાં બાટલાઓ તથા છકડો રીક્ષા સીઝ કરવામાં આવેલી હતી અને ગ્રાહકોના નિવેદનો, બાટલાના વજનના પંચનામા, એજન્સીએ ઈસ્યુ કરેલી ડીલીવરીમેમો, ઈનવોઈસ સહિતનું સાહિત્ય કબ્જે લેવામાં આવેલો હતો. જેથી કલેકટરના હુકમ દ્વારા પુરવઠા નિરીક્ષક કે. આર. ગઢીયા દ્વારા ફરિયાદ તા. 6-11-2007ના રોજ આપવામાં આવેલી હતી. ત્યારબાદ બી ડીવી. પોલીસ દ્વારા આ કામમાં સંત કબીર રોડ ઉપર આવેલા કાન્તા ગેસ સર્વિસના સંચાલક મહિલા કાંતાબેન જી. રાવલ તથા નીલાબેન જે. રાવલ અને ડીલીવરીમેન ધીરુભાઈ આલાભાઈ મિયાત્રાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલી હતી અને તેઓ જામીન મુક્ત થયેલા હતા. ત્યાર બાદ પોલીસ દ્વારા આ કામમાં વિશેષ તપાસ કરી ગ્રાહકોના નિવેદનો, પુરવઠા અધિકારીઓ, કર્મચારીઓના નિવેદનો સહિત અનેક દસ્તાવેજી પુરાવાઓ મેળવી આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
- Advertisement -
અને વર્ષો પછી કેસ અદાલતમાં ચાલવા ઉપર આવેલો હતો અને કેસ દરમિયાન સરકારી વકીલ દ્વારા સાક્ષીઓની જુબાની લેવામાં આવેલી હતી. જેમાં ફરિયાદી, પુરવઠા અધિકારીઓ, ગ્રાહકો, પંચો, પોલીસ અધિકારીએ પોતાની જુબાની આપેલ અને આરોપીઓ તરફે ઉલટતપાસ પણ લેવામાં આવેલી હતી. અને બચાવ પક્ષ તરફે યુવા વકીલ કીરીટ નકુમ દ્વારા પોતાની દલીલમાં રજૂઆત કરવામાં આવેલી કે પુરવઠા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલી નથી. કાન્તા ગેસ સર્વિસના સંચાલકો કોણ છે તે પુરાવો રેકોર્ડ ઉપર આવેલો નથી તેમજ સંચાલકો પાસેથી કોઈ મુદ્દામાલ કબજે કરવામાં આવેલા નથી. બાટલાઓનું યોગ્ય વજન તોલમાપ મુજબ કરવામાં આવેલા નથી, સાહેદોની જુબાનીઓમાં વિરોધાભાસ રહેલો છે. પંચો અને સ્વતંત્ર સાક્ષીઓ બનાવને સમર્થન આપતા નથી અને ઉચ્ચ અદાલતોના વિવિધ ચૂકાદાઓ કેસને અનુરૂપ જણાવવામાં આવેલા હતા જેથી અદાલતે કેસના સંજોગો, કેસની હકીકતો, દસ્તાવેજી પુરાવાઓ, સાક્ષીની જુબાનીઓ અને નામદાર અદાલતોના વિવિધ ચૂકાદાઓને ધ્યાનમાં રાખી આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કરવામાં આવેલો હતો.
આ કામમાં કાન્તા ગેસ સર્વિસના મહિલા સંચાલકો કાંતાબેન જી. રાવલ તથા નીલાબેન જે. રાવલ તરફે રાજકોટની જાણીતી લો ફર્મ યુવા લો એસોસિએટના કિરીટ નકુમ, હેમાંશુ પારેખ, કુલદીપ ચૌહાણ, યશપાલ ચૌહાણ, નિધિ રાયચુરા, ડેનીશા રાઠોડ, વાય. વાય. શેખ તથા લો આસિસ્ટન્ટ સતીષ હેરમા એડવોકેટ તરીકે રોકાયેલા હતા.



