તાલાલા પંથકમાં છેલ્લા ચાર દિવસથી અવિરત વરસાદ:ખરીફ પાક ખેતરમાં તરવા લાગ્યો:ખેડૂતો ચિંતામય
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.29
- Advertisement -
તાલાલા પંથકમાં છેલ્લા ચાર દિવસથી અવિરત પડી રહેલ વરસાદે ખેદાનમેદાન કરી નાખ્યું છે.ખેડુતોની કિંમતી ફસલ પાણી ભરાવાથી ખેતરમાં ડુબી જતાં ખેતરમાં પડેલ મગફળી અને સોયાબીન નો પાક સંપૂર્ણ નાશ પામે તેવી સ્થિતિ ઉભી થતાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે.કમોસમી વરસાદ ખમૈયા કરે તેવી ઠેરઠેર પ્રાર્થના થઈ રહી છે.
તાલાલા પંથકના વિવિધ ગામોમાંથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે તાલાલા પંથકમાં મગફળી નાં કુલ વાવેતર પૈકી 70 ટકા જેટલો પાક તૈયાર કરી ખેડૂતોએ સાચવી લીધો હતો બાકી રહેતો 30 ટકા જેટલી મગફળી અને 15 ટકા જેટલો સોયાબીન નો તૈયાર પાક ખેતરમાં પડ્યો હતો.આ દરમ્યાન કમોસમી વરસાદ શરૂ થયો જે ચાર દિવસથી અવિરત પડી રહ્યો હોય ખેડૂતોનાં ખેતરમાં પાણી ભરાઈ ગયા છે.ખેતરમાં પડેલ તૈયાર ફસલ ડુબવા લાગી છે જેથી મગફળી અને સોયાબીન નો તૈયાર પાક તથા ઘાસચારો નાશ પામે તેવી ભીતિ ઉભી થતા ખેડૂતો ચિંતામય બની ગયા છે.તાલાલા પંથકમાં છેલ્લા ચાર દિવસથી ખેદાન મેદાન કરી રહેલ કમોસમી વરસાદ હવે ખમૈયા કરે તેવી ઠેર ઠેર ધરતીપુત્રો પ્રાર્થના કરી રહ્યા છે.
કેસર કેરીનો પાક બે માસ પાછો ધકેલાય તેવી ભીતિ
તાલાલા પંથકમાં ચાર દિવસથી પડી રહેલ કમોસમી વરસાદ કેસર કેરીના પાકને પણ અસર કરશે તેવી ભિતી વ્યક્ત થઇ રહી છે.તાલાલા પંથકના વિવિધ ગામના કેસર કેરીના ઉત્પાદક કિસાનોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે નવેમ્બર માસમાં મોર આવે તેવી સ્થિતિ ધીમે ધીમે નિર્માણ થતી હતી પરંતુ ચાર દિવસથી પડી રહેલ કમોસમી વરસાદે કેસર કેરીના બગીચા પાણીથી તરબોળ કરી દીધા છે જેથી આંબા ઉપર મોર આવવાના બદલે કોરામણ આવે તેવી સ્થિતિ ઊભી થવાની ભિતી વ્યક્ત થઈ રહી છે.કમોસમી વરસાદના કારણે ઠંડા થઈ ગયેલ કેરીના બગીચામાં કોરામણ આવશે તો કેસર કેરીનો પાક બે માસ જેટલો પાછો ધકેલાઈ જવાની તજજ્ઞો જણાવી રહ્યા હોય કિસાનો નિરાશ થઈ ગયા છે.
તાલાલા પંથકની જીવાદોરી સમાન કમલેશ્ર્વર ડેમ ફરી ઓવરફ્લો
તાલાલા પંથકમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન અંદાજે આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.આ વરસાદ તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તાર તથા ગીરના જંગલમાં વધુ હોય તાલાલા શહેરમાંથી પસાર થતી હિરણ નદી તથા તાલાલા તાલુકાનાં તમાંમ ગામોમાં નદી-નાળા છલકાઈ ગયા છે પરિણામે ગીરના જંગલમાં આવેલ કમલેશ્વર ડેમ ફરી ઓવરફ્લો થયો છે.સિંચાઈ વિભાગના સત્તાવાળાઓએ તાલાલા પંથકના હિરણ નદીના કાંઠા ઉપરના 12 જેટલા ગામોને સાવચેત કર્યા છે.
તાલાલા પંથકના ખેડૂતોને વળતર આપો: તાલુકા ભાજપ પ્રમુખ
તાલાલા પંથકમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મગફળી,સોયાબીન નો તૈયાર પાક તથા ઘાસચારો નાશ પામ્યો છે પરિણામે ખેડૂતોને મોંઢે આવેલ કોળીયો છીનવાઈ ગયો હોય ખેડૂતો પડી ભાંગ્યા છે.તાલાલા પંથકના પડી ભાંગેલ ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ રાખી ખેડૂતોની નાશ પામેલ ફસલનું સર્વે કરાવી યોગ્ય વળતર આપવા તાલાલા તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ અકબરી એ મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં માંગણી કરી છે.



