ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.20
મોરબી જિલ્લા ભાજપ માટે આવતીકાલનો દિવસ ઐતિહાસિક બનવા જઈ રહ્યો છે. શનાળા ગામ પાસે નવનિર્મિત કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન આવતીકાલે તા. 21ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. આ ભવ્ય કાર્યક્રમની સાથે ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્ર્વકર્માનો અભિવાદન સમારોહ પણ યોજાશે.
આ બે મોટા કાર્યક્રમોને લઈને મોરબી જિલ્લા ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ સમારોહને ભવ્યાતિભવ્ય બનાવવા માટે સમગ્ર મોરબી જિલ્લા તેમજ આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહેવાના છે.
અંદાજે પાંચ હજાર જેટલા ભાજપના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા છે. ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન થવાથી મોરબી જિલ્લા ભાજપના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂતી મળશે.



