‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત સાયબર ફ્રોડ મામલો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
- Advertisement -
જૂનાગઢ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત સાયબર ક્રાઇમમાં સંડોવાયેલા શખ્સો સામે લાલ આંખ કરવામાં આવી છે. જેમાં કેરાળા સ્થિત અવધૂત આશ્રમની ગૌશાળાના સંચાલક કલ્યાણગીરીના ત્રણ અલગ-અલગ બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂ. 40.76 લાખ જમા થયા હોવાનું અને તેમણે આ રકમ ઉપાડી સગેવગે કરી હોવાનું ખુલતા પોલીસે તેમની ધરપકડ કરી છે.
ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ ગ્રામ્ય ડીવાયએસપી રવિરાજસિંહ પરમારના જણાવ્યા અનુસાર, સાયબર ફ્રોડની રકમ જે ખાતાઓમાં જમા થાય છે તેની તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, બાલક્રિષ્નાગીરીબાપુ ગૌ સેવા ટ્રસ્ટ (કેરાળા) ના નામે ચાલતા ખાતાઓમાં દેશભરની કુલ 8 ફરિયાદોના નાણાં ટ્રાન્સફર થયા હતા. આ રકમ વડાલની એસબીઆઈ શાખા અને દોલતપરાની આઈડીએફસી ફર્સ્ટ બેંકના ખાતાઓમાં જમા થઈ હતી. સાયબર માફિયાઓ નિર્દોષ લોકોના અથવા ટ્રસ્ટના બેંક ખાતાઓનો ઉપયોગ ફ્રોડના નાણાં મેળવવા માટે કરતા હોય છે. જૂનાગઢ જિલ્લામાં આ ઝુંબેશ હેઠળ અત્યાર સુધીમાં કુલ 9 ફરિયાદો નોંધવામાં આવી છે અને 17 જેટલા બેંક એકાઉન્ટ ધારકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કલ્યાણગીરી સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે અને આ નાણાં ક્યાં મોકલવામાં આવ્યા તે દિશામાં તપાસ કરવા આજરોજ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે.



