જન્માષ્ટમી પૂર્વે મહેસુલ વિભાગે રાજયના 84 મામલતદારની બદલી, 45ને બઢતી આપી
રાજકોટ પબ્લીક રીલેશન ઓફીસર તરીકે વિસાવદરના મામલતદાર નીતીનકુમાર લાંઘણોજા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા રાજકોટ સહિત રાજયના 84 મામલતદારોની સાગમટે બદલી કરવામાં આવી છે. તેની સાથોસાથ 45 નાયબ મામલતદારોને વર્ગ-3માંથી વર્ગ-2માં મામલતદાર તરીકે હંગામી બઢતી આપી જન્માષ્ટમીના તહેવાર પહેલા જ મહેસુલ વિભાગના ઉપસચિવ પૂજા ઉપાધ્યાય દ્વારા આ બદલી-બઢતીના ઓર્ડરો ઈશ્યુ કરી દેવામાં આવ્યા છે.
જેમાં રાજકોટની જમીન સંપાદન (લેન્ડ એક્યુપેશન) કચેરીમાં ફરજ બજાવતા કુ. જે.ડી. જાડેજાની બદલી કરી તેઓને ઉમરાળા મામલતદાર તરીકે મૂકવામાં આવેલ છે જયારે તેમના સ્થાને કલોલ (જિ. ગાંધીનગર)થી યુ.વી. કાનાણીને નિયુકિત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત લોધીકા તાલુકા મામલતદાર તરીકે ફરજ બજાવતા કૃષ્ણકુમારસિંહ ચૂડાસમાની બદલી કરી તેઓને સોમનાથ જીલ્લાના તાલાલા તાલુકાના મામલતદાર તરીકેની જવાબદારી સોપવામાં આવી છે. તેમજ વિસાવદર મામલતદાર તરીકે સેવા આપતા નીતીનકુમાર લાંઘણોજાને રાજકોટ પબ્લીક રીલેશન ઓફીસર તરીકે મુકવામાં આવ્યા છે જયારે આશીષ બખાલાકીયાને જેતપુર તાલુકા મામલતદાર તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેમજ તાલાલામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા સતીષકુમાર જાંબુચાની બદલી કરી તેઓને સિહોર મામલતદાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જયારે સિહોર મામલતદાર તરીકે ફરજ બજાવતા રમેશભાઈ પ્રજાપતિની બદલી કરી તેઓને ઢોલેરો ડેવલોપમેન્ટ ઓથોરીટીમાં મામલતદાર તરીકે નિમણુંક કરવામાં આવી છે આ ઉપરાંત ચોટીલા મામલતદાર તરીકે સેવા આપતા પ્રકાશકુમાર ભાનુશંકર જોશીને ધારી ખાતે મુકવામાં આવ્યા છે. ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રકુમાર ગરમોરાની બદલી કરી તેઓને એડમીનીસ્ટ્રેટીવ ઓફીસર ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ ગાંધીનગર ખાતે મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત અમરેલી જીલ્લાના બાબરા મામલતદાર તરીકે ફરજ બજાવતા કિશોરકુમાર સુમરાને બોટાદ મામલતદાર તરીકે તેમજ ઓખામંડળ મામલતદાર તરીકે ફરજ બજાવતા જીતેશ મહેતાને જામનગર જીલ્લાના જોડીયા ખાતે બદલી કરી મુકવામાં આવ્યા છે. આમ કુલ રાજયના 84 મામલતદારોના સાગમટે બદલીના ઓર્ડરો ઈશ્યુ કરવામાં આવ્યા છે. તેની સાથોસાથ રાજયમાં નાયબ મામલતદાર વર્ગ-3 સંવર્ગમાં ફરજ બજાવતા 45 કર્મચારીઓને વર્ગ-2માં મામલતદાર તરીકે બઢતી આપી તેઓની બદલી કરવામાં આવી છે.



