નશાબંધીના ભ્રષ્ટ સુપ્રિન્ટેન્ડેન્ટથી રાજકોટનો છૂટકારો
સિદીએ હેલ્થ પરમિટ આપવામાં અભૂતપૂર્વ ભ્રષ્ટાચાર આચર્યો હતો
મહિનામાં માંડ બે-ચાર દિવસ રાજકોટ આવતાં, છતાં આવી દાંડાઈ-દડુકાઈ વર્ષો સુધી ચાલી
ઈકબાલ સિદી નશાબંધીના સુપ્રિન્ટેન્ડેન્ટ હોવા છતાં પોતે જ સદા ટુન્ન અવસ્થામાં રહેતાં
રાજકોટનો નશાબંધી અને આબકારી વિભાગ અંતે એક મહાશ્રાપમાંથી મુક્ત થયો છે. આજથી લગભગ છએક વર્ષ પહેલાં આ વિભાગ પર કોપાયમાન થઈને ઈશ્ર્વરે તેને ઈકબાલ સિદી નામનો શ્રાપ આપ્યો હતો. નશાબંધી અને આબકારીનાં આ સુપ્રિન્ટેન્ડેન્ટ થોડાં દિવસ પહેલાં નિવૃત્ત થયાં. તેઓ 2015ની સાલથી અહીં કાળો કેર મચાવી રહ્યાં હતાં. પોતાનાં આ કાર્યકાળ દરમિયાન સિદી ભ્રષ્ટાચાર, બેશરમી, દિલદગડાઈ, નફ્ફટાઈ અને રેઢિયાળપણાની તમામ સીમાઓ ઓળંગી ગયા હતા. સિદીની વિદાયથી રાજકોટનાં પરમિટધારકોએ હાશકારો અનુભવ્યો છે અને જાણે કોઈ જિન્નાત કે ખવિસનાં વળગાડમાંથી મુક્તિ મળી હોય તેવી રાહતની લાગણી તેઓ અનુભવી રહ્યાં છે.
31 ડિસેમ્બર 2021નાં રોજ તેઓ નિવૃત્ત થયા. એ સાંજે એમનું ફુલહારથી વિદાયમાન થયું. વાસ્તવમાં તેમને સડેલા જૂતાંના હાર પહેરાવીને વિદાય કરવાની જરૂર હતી. સિદીનાં પાપ જ એવાં છે. આટલાં વર્ષો દરમિયાન તેણે જે પ્રકારનાં પાપ કર્યા છે- તે ખ્યાલમાં રાખીએ તો તેનું મોં કાળું કરી, જોડાંનો હાર પહેરાવી ગધેડાં પર ઊંધો બેસાડીને ગામમાં ફેરવવા જેવું હતું.
- Advertisement -
ઇકબાલ સિદી એટલે દિલદગડાઈનો પર્યાય
ઈકબાલ સિદીનું રાજકોટમાં પોસ્ટિંગ હતું પણ મોટાભાગે તેઓ અમદાવાદ- પોતાને ઘેર જ રહેતા. પંદરેક દિવસે એક વખત રાજકોટ આવતા. ત્યારે પણ બુધ કે ગુરુવારે આવી ને શુક્રવારે સાંજે નીકળી જતાં. આ બે દિવસ દરમિયાન પણ તેઓ પોતાનાં બહુમાળી ભવન પાછળનાં કવાર્ટરમાં રહીને જ વહિવટ કરતા. દરેક ફાઈલ ત્યાં જ મંગાવતા અને પૈસાનો વહિવટ પણ ત્યાં જ ચાલતો. છેલ્લાં આઠ મહિના દરમિયાન તો ભાગ્યે જ તેઓ નશાબંધીની ઑફિસમાં આવ્યા હશે. છતાં તેમની આવી દડુકાઈ ચાલતી રહેતી. કોઈ તેમને રોકનાર નહોતું, કોઈ ટોકનાર નહીં.
નવી પરમિટનાં 20 હજાર, રિન્યૂઅલનો ભાવ 5 હજાર
પોતાની નોકરી દરમિયાન ઈકબાલ સિદીએ ભાગ્યે જ કોઈ પરમિટ ખાયકી કર્યા વગર આપી હશે. બાકી મોટાભાગે તેઓ નવી પરમિટ કાઢવા માટે 20 હજાર અને રિન્યૂઅલ માટે પાંચ હજાર વસૂલ કરતા. તેનો કલાર્ક મજેઠિયા આ બધાં વહિવટ કરતો. પરંતુ મજેઠિયા એન્ટી કરપ્શન બ્યુરોની ઝપટે ચડી ગયો, એ પછી સિદી શરમ નેવે મૂકી જાતે જ વહિવટ કરતા.
- Advertisement -
વિઝિટર પરમિટનાં નામે બેફામ કાળાંબજાર
રાજકોટની અમુક નામાંક્તિ હોટેલમાં વિઝિટર પરમિટનાં નામે બેફામ કાળાંબજાર ચાલે છે. કહો કે, બૂટલેગર જેવા જ ધંધા ચાલે છે. બહારગામથી આવતા બીજાં રાજ્યોનાં લોકોને વિઝિટર પરમિટ મળતી હોય છે. આ પરમિટ પર ત્રણ અઠવાડિયા સુધી એક-એક યુનિટ દારૂ મળે છે. લગભગ 98 ટકા વિઝિટર્સ બે-ચાર દિવસમાં જ રાજકોટથી જતાં રહેતાં હોય છે. તેમની બાકી રહેલાં બે યુનિટ વાઈન શોપનો સ્ટાફ 500 રૂપિયા વધારાનાં લઈને વેંચી નાંખે છે. આ આખા કૌભાંડમાં પણ સિદીનો ભાગ રહેતો. તેમને તેમનો કટ નિયમિત પહોંચાડવામાં આવતો હતો. વિઝિટર પરમિટમાં હજુ ઘાલમેલ ચાલે છે, તેની તપાસ જરૂરી છે.
સિદી જતાં વાઈન શોપનાં દલાલોનું રાજ સમાપ્ત
ખાસ-ખબર સંવાદદાતા
સિદીનાં કાળા કાર્યકાળ દરમિયાન શહેરની વાઈન શોપનાં અનેક કર્મચારીઓ દલાલ તરીકે બેફામ કમાયા છે. આ દલાલો નવી પરમિટ દીઠ 50થી 60 હજાર રૂપિયા વસૂલ કરતાં. આ બધા દલાલો હાલ પૂરતાં બેરોજગાર થઈ ગયા છે.
નશાબંધીમાં નવા S.P. તરીકે ભાવિન ચોલેરા આવતા સન્નાટો
નશાબંધીની ઑફિસમાં પ્રથમ વખત ચારેય તરફ CCTV મૂકાયા
દલાલ પ્રથા અને વચેટિયાઓને નાબૂદ કરવા S.P. ચોલેરા પ્રતિબદ્ધ
ખાસ-ખબર સંવાદદાતા
મૂળ મહેસાણા મહેકમનાં અધિકારી ભાવિન ચોલેરાને હાલ રાજકોટ નશાબંધીના એસ.પી. તરીકેનો ચાર્જ સોંપાયો છે. આવતાવેંત જ તેમણે સિદીએ ફેલાવેલા ગંદવાડને સાફસૂફ કરવાની કામગીરી ચાલું કરી છે. સિદીની વિદાય પછી ખરેખર ત્યાં ગંગાજળનાં છંટકાવની અને સત્યનારાયણની કથા કરવાની જરૂર છે. પરંતુ અધિકારી ચોલેરાએ હાલ વેરવિખેર વહિવટને એલાઈન કરવાનું કાર્ય જોરશોરથી આરંભ કરી દીધું છે.
તેમણે આવીને તરત જ ઑફિસમાં ચોતરફ સીસીટીવી કેમેરા ફિટ કરાવ્યા છે. ઉપરાંત તેમણે દલાલો, વાઈન શોપનાં દલ્લાઓ અને લાંચ-ભ્રષ્ટાચાર પર અત્યારે સખ્ત લગામ લગાવી છે. હળાહળ કળિયુગ પછી જાણે નશાબંધી વિભાગમાં સતયુગનો આરંભ થયો હોય તેવી અત્યારની સ્થિતિ છે. આ સ્થિતિ કાયમ રહે તેવી દરેક પરમિટ ધારકોએ, પરમિટઈચ્છુકોએ ઈશ્ર્વરને પ્રાર્થના કરવી જોઈએ.