(ગતાંકથી ચાલુ) ભારતની પ્રમુખ નદીઓમાં જેને સ્થાન આપી શકાય એવી સિંધુ, બ્રહ્મપુત્ર, સરલેજ અને કર્નાલી હિંદુ સંસ્કૃતિની સૌથી મહાન નદી ગંગાની શાખાઓ છે, જેના વચ્ચે ઘેરાયેલા કૈલાસ સાથે જોડાયેલી બીજી ઘણી વાતો અચરજ પેદા કરે એવી છે.
મોડર્ન ધર્મ
– પરખ ભટ્ટ
– પરખ ભટ્ટ
તેની તળેટીમાં બે તળાવો આવેલા છે. એકનો આકાર સૂર્ય સમાન ગોળ છે, જેમાં અત્યંત સ્વચ્છ અને તાજું નીર વહે છે. તેને પવિત્ર તળાવ માનવામાં આવે છે. બીજાનો આકાર ચંદ્ર જેવો છે, જેમાં અત્યંત ખારા પાણીનું સામ્રાજ્ય છે. સ્થાનિકો તેને રાક્ષસ-તલના નામથી ઓળખે છે! આ બંને પર્વતોને સોલાર અને લુનાર એનર્જીના રૂપક તરીકે જોવામાં આવે છે, જે હકારાત્મક અને નકારાત્મક ઊર્જા સાથે સંકળાયેલી બાબત છે.
આ પવિત્ર તળાવ એટલે માનસરોવર (માનસ એટલે સૃષ્ટિરચયિતા બ્રહ્માનું મગજ). જેમાં ડૂબકી લગાવીને તેના જળમાં સ્નાન કરનાર વ્યક્તિના જનમો-જનમના પાપ ધોવાઈ જાય છે. અજય ભટ્ટે આ અંગે સ્વાનુભવ જણાવતાં કહ્યું હતું કે માનસરોવરના જળમાં સ્નાન કરતી વેળાએ મને જે અનુભવ થયો, એ અલૌકિક અને અવર્ણનીય હતો. સાવ અનાયાસે મારી આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. એવું લાગ્યું જાણે સમષ્ટિ મારી પાછળ રહી ગઈ છે. શિવની એ પ્રચંડ ઊર્જાનો સ્ત્રોત અસ્ખલિતરૂપે મારી આંખો વાટે બહાર નીકળવા લાગ્યો. કેટલા સમય સુધી હું રડ્યો હોઈશ એ મને ખ્યાલ નથી, પરંતુ શિવની સાક્ષાત કૃપા વરસતી હોય એવું પ્રતીત થતું હતું. એવું માનવામાં આવે છે કે અનેક દેવી-દેવતાઓ અને મહાઋષિઓ નિત્યપણે માનસરોવરમાં સ્નાન કરવા માટે આવે છે. 51 શક્તિપીઠોમાંના એક એવા માનસરોવર પાસે તર્પણવિધિ કર્યા બાદ પરિવારના તમામ મૃતકોની આત્માને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે, એવી હિંદુ ધર્મમાં માન્યતા છે.
શિવભક્ત અજય ભટ્ટે ભસ્મ પર્વત વિશે પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો. દેવી પાર્વતીએ જ્યાં ભસ્માસુર નામના રાક્ષસને રાખમાં ભેળવ્યો એ સ્થાન એટલે ભસ્મ પર્વત! ત્યાંની ભસ્મમાં એટલી પ્રચંડ હકારાત્મક ઊર્જા છે કે યાત્રિકો તેને ખાસ પોતાની સાથે લઈ જાય છે. એવું કહેવાય છે કે પૂજાસ્થાનમાં એ ભસ્મ રાખવાથી તમામ ભૂત-પ્રેત-પિશાચ સહિતની નકારાત્મક ઊર્જા ઘરથી દૂર રહે છે.
- Advertisement -
હાં.. તો ફરી મૂળ વાત પર પરત ફરીએ. માનસરોવરની તો આપણે ચર્ચા કરી. પરંતુ રાક્ષસ-તાલનું શું? ત્યાં સ્નાન કરવાની સદંતર મનાઈ ફરમાવી દેવામાં આવી છે. એવું કહેવાય છે કે, રાક્ષસ-તાલમાં સ્નાન કરનાર વ્યક્તિનું માનસિક સંતુલન ખોરવાઈ જાય છે અથવા તેમનામાં રાક્ષસી (તામસી) પ્રકૃતિનો ઉદભવ થાય છે! જેનું મૂળ કારણ એ કે, લંકાનરેશ રાવણે આ તળાવમાં સ્નાન કર્યુ હતું. તેની મહેચ્છા હતી કે ભગવાન શિવ પોતાની નગરીમાં બિરાજે, માટે તેણે
કૈલાસ ઉંચકીને લંકા લઈ જવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો!
આની પાછળનો વૈજ્ઞાનિક તર્ક આપવાની પણ એક કોશિશ કરવામાં આવી હતી. રાવણ શા માટે કૈલાસ પર્વતને લંકા લઈ જવા માંગતો હતો? આપણે સૌ જાણીએ છીએ કે કૈલાસની રેડિયોએક્ટિવિટી વિશે તો વિજ્ઞાન પણ માહિતગાર છે. હવે કૈલાસ પર્વતને એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ધારી લઈએ તો? રાવણ આ ન્યુક્લિયર પ્લાન્ટને પોતાની નગરીમાં લઈ જવાની ઇચ્છા ધરાવતો હોય તો? પરંતુ ઘટના એવી બની હોવી જોઈએ કે, કૈલાસનો સ્પર્શ કર્યા બાદ તે રેડિયોએક્ટિવ વિકિરણોનો ભોગ બન્યો હોવો જોઈએ. અને ત્યારબાદ ચંદ્રાકાર તળાવમાં તેનું સ્નાન! જેના કારણે એ તળાવમાં પણ રેડિયોએક્ટિવ કિરણો વ્યાપી ગયા. આ કારણોસર તેને રાક્ષસ-તાલ કહેવામાં આવે છે.
શક્ય છે, એ જ રેડિયોએક્ટિવ વિકિરણોને લીધે આજેપણ કોઈ મનુષ્ય એમાં સ્નાન ન કરી શકતો હોય! તિબેટિયન બૌદ્ધ ધર્મના અનુયાયીઓ કૈલાસને પોતાના ધ્યાની તાંત્રિક દેવ દેમચોંગનું રહેઠાણ માને છે. હિંદુઓ તેને ભગવાન શિવનું મૂળ નિવાસસ્થાન માને છે. જ્યારે જૈન ધર્મના લોકો કૈલાસને પોતાના ભગવાન મહાવીરને જે સ્થળે દિવ્યજ્ઞાન પ્રાપ્ત થયું હતું તે પવિત્રસ્થાન માને છે. આ રીતે, સમગ્ર વિશ્વમાંથી હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મના શ્રદ્ધાળુઓ માટે કૈલાસ સૌથી પવિત્ર પર્વત છે, જ્યાં દર્શન કરવામાત્રથી તેમને મોક્ષ મળી જાય છે. આ ધર્મો માટે કૈલાસ એ એકમાત્ર એવું સ્થળ છે, જેને જીવનમાં એકવાર પ્રત્યક્ષ નિહાળવાનું તેમના માટે અનિવાર્ય છે એવું માનવામાં આવે છે.
- Advertisement -
કૈલાસની ટોચ સુધી ચડવાની હવે મનાઈ ફરમાવી દેવામાં આવી છે, કારણકે આવા સાહસને લીધે ઘણા પર્વતારોહકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હોવાના દાખલા નોંધાયા છે.
છેલ્લે કોઈ વ્યક્તિએ કૈલાસ સર કર્યો હોય, તો એ છે : મિલારેપા! 11મી સદીમાં આ તિબેટિયન બૌદ્ધ યોગીએ કૈલાસ પર છેક સુધી ચઢાણ કર્યાનું ઇતિહાસના ચોપડે નોંધવામાં આવ્યું છે.
તિબેટમાં હજુ બુદ્ધિઝમ પ્રવેશ્યું નહોતું એ સમયની આ વાત છે. સાતમી સદીમાં ત્યાં ‘બોન’ (અથવા જેને ‘બોનપો’ તરીકે પણ ઓળખવામાં આવે છે એવા) ધર્મના લોકો થઈ ગયા. જેઓ મક્કમપણે એવું માનતા રહ્યા કે કૈલાસ જ તમામ પ્રકારની ઊર્જાનો સ્ત્રોત છે, કૈલાસમાં જે શક્તિ છે એ વિશ્વના સંચાલન સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલી છે. કૈલાસ અને સ્વસ્તિક આકારના પર્વતને તેઓ અત્યંત પૂજનીય ગણતા હતાં. આજે પણ અગર દક્ષિણ બાજુથી જોવામાં આવે તો સ્વસ્તિકના દર્શન થવા સંભવ છે. તેમને પોતાના પૂર્વજ ગણાવતા લોકો એવું સ્વીકારતા આવ્યા છે કે, બોન ધર્મના સ્થાપક તનપા શેનરબ ‘ઓલ્મો લુંગ રીંગ’ નામના એક રહસ્યમય સ્થળ પર જન્મ્યા હતાં, જેનું સાચું લોકેશન આજસુધી દરેક માટે રાઝ છે! એવું કહેવામાં આવે છે કે, એ જગ્યા કૈલાસમાં જ આવેલી છે, પરંતુ ત્યાં સુધી પહોંચવું એ કોઈ પણ વ્યક્તિ માટે સંભવ નથી. કૈલાસ વિશેની તમામ લોકગાથાઓ, લોકમાન્યતાઓ સદીઓ સુધી વિશ્વમાં ભ્રમણ કરતી રહી અને ફિલોસોફર્સ, સાહસિકો, થિયોલોજિસ્ટ તથા દેશના નેતાઓ માટે રસનો વિષય પૂરવાર થઈ. આ સ્થળને ‘સંભાલા’ થી માંડીને ‘શાંગરી-લા’ વગેરે જેવા અનેક નામોથી નવાજવામાં આવ્યું. અનેક પુરાતત્વશાસ્ત્રી, વૈજ્ઞાનિકો અને સંશોધકોએ તેના મૂળ સુધી જવાના પ્રયત્નો કર્યા. પરંતુ કોઈને સફળતા પ્રાપ્ત ન થઈ. અમુક રહસ્યો તો એટલા ઊંડા પૂરવાર થયા કે ત્યાં સુધી પહોંચવાની કોશિશ કરનારને મૌતને ઘાટ ઉતરવાનો વખત આવ્યો અથવા અમુકના માનસિક સંતુલન પર ગંભીર અસર જોવા મળી! ત્યારબાદ મોટાભાગના લોકોએ આ પ્રકારના અખતરા કરવાના બંધ કરી દીધા છે. તેમણે એવું સ્વીકારી લીધું છે કે ધર્મ અને આસ્થા સાથે છેડછાડ કરવી યોગ્ય નથી. વિજ્ઞાન અને ઇશ્વરીય શક્તિ વચ્ચે એક પાતળી ભેદરેખા દોરાયેલી છે, એનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ ન કરવામાં આવે એ જ બહેતર છે. શ્રદ્ધાળુઓ માને છે કે કૈલાસમાં અમુક પ્રકારના સુપર-નેચરલ જીવો પણ રહે છે, જેને સામાન્ય આંખો દ્વારા ઓળખી શકવા બિલ્કુલ સંભવ નથી. આપણા ધર્મગ્રંથોમાં કૈલાસનું વર્ણન અને રશિયન સંશોધક અર્નેસ્ટ મુલ્દાશેવના પુસ્તક ‘ઇન સર્ચ ઓફ ધ સિટી ઓફ ધ ગોડ્સ’ માં (ભગવાનના શહેરની શોધખોળમાં) જણાવેલા અમુક સંશોધનો પર દ્રષ્ટિપાત કરીએ તો સમજાય કે, ઘણું બધું એવું છે જે હજુ માનવસમજને પેલે પાર છે, પરંતુ અવગણી શકાય એમ નથી. ઘણા તથ્યો ચૂકી ન શકાય, પરંતુ સાથોસાથ તેને સમજવા માટે ઉચ્ચ પ્રકારની બુદ્ધિક્ષમતાની આવશ્યકતા છે, જેમાં ધર્મ અને વિજ્ઞાન બંનેનો સમન્વય થયો હોય. પરંતુ સવાલ એ છે કે શું આપણે એ દ્રષ્ટિકોણથી વિચારી શકવા માટે સક્ષમ બન્યા છીએ? સંભાલાનો આઇડિયા કે કૈલાસને પિરામિડ ગણવાનો વિચાર પણ કંઈ આજકાલનો તો નથી જ! 20મી સદીના પર્યટકો દ્વારા પણ એ નોંધવામાં આવ્યું કે કુદરત દ્વારા એનું નિર્માણ થયું હોય એવી શક્યતા ખૂબ ઓછી છે. માનવ દ્વારા એની બનાવટ સમયે નક્કી કોઈ પ્રકારનો હસ્તક્ષેપ થયો જ હોવો જોઈએ. રશિયનોએ દાવો કર્યો હતો કે કૈલાસ પર્વત એ માનવ દ્વારા બનાવવામાં આવેલો અત્યારસુધીનો સૌથી વિશાળ પિરામિડ છે, પરંતુ ચાઇનીઝ ગવર્નમેન્ટ દ્વારા એ દાવાના ત્રણ વર્ષ બાદ એ નકારી કાઢવામાં આવ્યો.
તથ્ય જે પણ હોય, પરંતુ હજારો વર્ષો પછી પણ કૈલાસ પર્વતનું સ્થાન વિશ્વની સૌથી પવિત્ર જગ્યાઓમાં ગણાય છે. લોકો પોતપોતાની શ્રદ્ધા અને આસ્થા સાથે અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં માથું નમાવવા માટે આવી પહોંચે છે. અનેક કઠિનાઇઓ અને મુશ્કેલીઓનો સામનો કરતા હોવા છતાં ભગવાન શિવના દ્વારા સુધી પહોંચવાની તેમની ઝંખનામાં ક્યારે ય ઘટાડો નથી થતો. મૃત્યુ, શુદ્ધતા અને પુનર્જન્મના કોન્સેપ્ટ સાથે જોડાયેલા કૈલાસ પર્વત રહસ્યમય છે, ગૂઢ છે, સહેલાઇથી પોતાનું રહસ્ય કોઇને પામવા દે એવો નથી. પરંતુ અમુક રહસ્યોને છુપા રહેવા દેવામાં જ ભલું હોય છે. આદિ-અનંત મહાદેવ તો દેવાધિદેવ છે, એમને પામવાની નહીં પરંતુ એમના વિરાટ સ્વરૂપમાં વિલીન થવાની અનુભૂતિ જરૂરી છે.
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ।
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ॥