પીડિત નવનીત બાલધિયાના સમર્થનમાં કોળી-ઠાકોર સમાજ મેદાનમાં; બગદાણા ખાતે દેશવ્યાપી સંમેલનની ચીમકી
ખાસ-ખબર ન્યૂઝ બગદાણા
- Advertisement -
ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ નવનીતભાઈ બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાનો મામલો હવે રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ કેસમાં ન્યાય મેળવવાના હેતુથી ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં કોળી-ઠાકોર સમાજ દ્વારા એક વિશાળ ’ન્યાય સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. હુમલાના આરોપીઓને પોલીસ દ્વારા કથિત રીતે છાવરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને પીડિત પરિવારને ન્યાય આપવા બુલંદ અવાજ ઉઠાવ્યો હતો.
ન્યાય સભામાં હાજર રહેલા આગેવાનો અને પીડિત નવનીતભાઈએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે, આ કેસમાં તપાસમાં બેદરકારી દાખવનાર અને આરોપીઓને મદદ કરનાર પોલીસ બેડાના ત્રણ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે. એટલું જ નહીં, લોકોએ એવી પણ માંગ કરી હતી કે સરકાર આ અધિકારીઓનો ’વરઘોડો’ કાઢી તેમની સામે કડક દાખલો બેસાડે. આક્ષેપ કરવામાં આવ્યો છે કે જયરાજ આહિરના ઈશારે આઠ જેટલા શખ્સોએ હુમલો કર્યો હોવા છતાં પોલીસ દ્વારા જોઈએ તેવી કડક કાર્યવાહી કરવામાં આવી નથી.
પીડિત નવનીત બાલધિયાએ જણાવ્યું હતું કે, આ માત્ર તેમના એકલાની લડાઈ નથી, પરંતુ અનેક એવા પીડિતોની લડાઈ છે જેઓ ગુંડાઓના ત્રાસનો ભોગ બન્યા છે. જો આગામી દિવસોમાં પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવામાં નહીં આવે અને ન્યાય નહીં મળે, તો બગદાણા ખાતે સમગ્ર દેશમાં વસતો કોળી સમાજ એકત્ર થશે અને એક મહાસંમેલન યોજી આંદોલન છેડશે. આ કેસને પગલે ભાવનગર જિલ્લામાં રાજકીય અને સામાજિક ગરમાવો જોવા મળી
રહ્યો છે.



