કેન્દ્ર સરકારે બહાર પાડ્યું જાહેરનામું, 1975માં આ જ દિવસ ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સી લાદી હતી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.13
- Advertisement -
કેન્દ્ર સરકારે ઈમરજન્સીને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે હવે દેશમાં ઈમરજન્સીના દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. કેન્દ્ર સરકારે દેશમાં 25 જૂન, 1975ના રોજ લાદવામાં આવેલી ઈમરજન્સીને લોકશાહીની આત્માનું ગળું દબાવનાર દિવસ ગણાવ્યો છે. સરકારનું કહેવું છે કે આ દિવસ 1975ની ઈમરજન્સીની અમાનવીય પીડા સહન કરનારા લોકોના યોગદાનને યાદ કરાવશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ પોતાની ડ પોસ્ટમાં લખ્યું કે, 25 જૂન, 1975ના રોજ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પોતાની તાનાશાહી માનસિકતા બતાવતા દેશમાં ઈમરજન્સી લાદીને ભારતીય લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું હતું. લાખો લોકોને કોઈપણ કારણ વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો. ભારત સરકારે દર વર્ષે 25મી જૂનને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ દિવસ 1975ની કટોકટીની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના અપાર યોગદાનને યાદ કરશે. અમિત શાહે પોતાની ડ પોસ્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ ગેઝેટ નોટિફિકેશનની નકલ પણ પોસ્ટ કરી છે. ગેઝેટમાં ગૃહ મંત્રાલય દ્વારા 11 જુલાઈના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનનો ઉલ્લેખ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે 25 જૂન, 1975ના રોજ કટોકટી જાહેર કરવામાં આવી હતી, ત્યારે તે સમયની સરકાર દ્વારા સત્તાનો ઘોર દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને ભારતના લોકો પર અતિરેક અને અત્યાચારો કરવામાં આવ્યા હતા.
25 જૂને કોંગ્રેસે ભારતને ઈતિહાસના અંધકારમય તબક્કામાં ધકેલ્યો: PM મોદી
આ જ બાબતે દેશના પ્રધાનમંત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે. PM મોદીએ લખ્યું છે કે, 25મી જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનું એ યાદ અપાવશે કે જ્યારે ભારતના બંધારણને કચડી નાખવામાં આવ્યું ત્યારે શું થયું. તે દરેક વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવાનો પણ દિવસ છે કે જેમણે ઇમરજન્સીના અતિરેકને કારણે ભોગ બનવું પડ્યું, કોંગ્રેસે ભારતને ઇતિહાસના અંધકારમય તબક્કામાં ધકેલ્યો હતો.