આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી
રાજ્ય સરકારે દંડ કર્યો પણ સ્થાનિક આરોગ્ય તંત્ર તંત્ર અજાણ !
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જરૂરિયાતમંદ દર્દીઓને ગંભીર બીમારીમાં મદદરૂપ બનવા માટે સરકારની પીએમજેએવાય (ઙખઉંઅઢ) યોજના અમલમાં છે, પરંતુ અમુક હોસ્પિટલના સંચાલકો દર્દીઓ માટે આશીર્વાદરૂપ આ યોજનાઓનો ગેરલાભ લઈ પોતાનો સ્વાર્થ સાધે છે. જૂનાગઢના વંથલી રોડ પર કોયલી ફાટક પાસે આવેલી સમન્વય હોસ્પિટલમાં પણ આકસ્મિક નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું હતું. જૂનાગઢની સમન્વય હોસ્પિટલને નિયત કરેલ પેકેજ કરતાં વધુ રૂપિયાની લાલચે અન્ય પેકેજ બુક કરવા બદલ રૂ. 50-50 હજારનો દંડ કરવામાં આવેલ છે. રાજ્ય આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહીથી અન્ય હોસ્પિટલમાં ફફડાટ ફેલાયો છે.
રાજ્યના આરોગ્ય વિભાગના નિરીક્ષણમાં જણાયું કે સમન્વય હોસ્પિટલમાં પૈસાની લાલચમાં નિયત પેકેજ કરતાં અન્ય પેકેજ બુક કરાવવામાં આવ્યું હતું. આ ગેરરીતિ બદલ રાજ્ય આરોગ્ય વિભાગે સમન્વય હોસ્પિટલને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, આરોગ્ય મંત્રીએ સમન્વય હોસ્પિટલને દંડ કર્યાની જાહેરાત કરી હોવા છતાં સ્થાનિક આરોગ્ય તંત્ર આ બાબતથી સંપૂર્ણપણે અજાણ હતું. દર્દીઓની અજ્ઞાનતા અને મજબૂરીનો લાભ લઈ અમુક હોસ્પિટલો સરકારી યોજનાનો દુરુપયોગ કરી વધુ પૈસા ખંખેરી લે છે. સરકારી યોજનાના કાર્ડમાંથી જે તે સર્જરીનો ખર્ચ કપાત થતો હોવાથી દર્દીઓને તેના વિશેની જાણકારી પણ મળતી નથી. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ અમુક દર્દીની સર્જરી બાદ તેના કાર્ડમાંથી 10 લાખ રૂપિયા કપાયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. ત્યારે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ થાય તો હજુ વધુ ગેરરીતિઓ સામે આવે એવી સંભાવના છે.



