ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા અને પોલીસ અધીક્ષક સુબોધ ઓડેદરાની સૂચના હેઠળ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે એક વર્ષથી વોન્ટેડ અને સંગઠિત ગુનાહિત ગેંગના લીડર રવિ હમીરભાઇ ભારાઇને રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. કૃણાલ એમ. ટેવાની સૂચનાથી ટીમ દ્વારા ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે રવિ ભારાઈના છુપાવાના સ્થળોની તપાસ કરવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે આરોપી રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના રાવતસર ગામે છુપાયેલો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની એક વિશેષ ટીમે તત્કાલિક રાજસ્થાન રવાના થઈ આરોપીને હસ્તગત કરી જૂનાગઢ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી રવિ ભારાઈ જૂનાગઢ જિલ્લાનો લિસ્ટેડ બુટલેગર છે અને તેના વિરુદ્ધ અનેક ગુનાઓ નોંધાયેલા છે. તે પોતાની ગેંગના સભ્યો સાથે મળી હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગોવા જેવા રાજ્યોમાંથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી ખોટા દસ્તાવેજો બનાવી આર્થિક નફો મેળવવા માટે સંગઠિત નેટવર્ક ચલાવતો હતો. આ ગેંગ વિરુદ્ધ જૂનાગઢમાં ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જયારે આ કેશમાં અગાઉ વિપુલ ઉર્ફે કુંજો રામભાઈ ખાંભલા (તાલાળા), રાજુ ખેતાભાઈ કરમટા (માંગરોળ), મના કાનાભાઈ કટારા (પોરબંદર), રામા નારણભાઈ ચોવડા (તાલાળા) ધરપકડ કરાયેલા છે.



