જૂનાગઢનાં બીલખા રોડ આંબેડકર નગરમાં હત્યાની ઘટના બનતા ચકચાર: આરોપી ઝડપાયો
મોડીરાત્રે યુવાનનાં ઘરે જઈ છરીના ઘા ઝીંકી દેતાં આંતરડા બહાર આવી ગયાં: માતાએ ફરિયાદ નોંધાવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં બીલખા રોડ પર આંબેડકર નગર વિસ્તારમાં ગત મોડી રાત્રીનાં હત્યાની ઘટના બનતા ભારે ચકચાર મચી ગઇ હતી. ઘટનાનાં પગલે પોલીસનાં ધાડા ઉતરી પડ્યાં હતાં. આ વિસ્તારમાં રહેતા યુવાનનાં ઘરમાં થઇ વોર્ડ નંબર 15નાં ભાજપનાં કોર્પોરેટરનાં પુત્રે છરીનાં ઘા મારી કરપીણ હત્યા કરી હતી. પેટમાં છરીનાં ઘા મારતા આંતરડા બહાર આવી ગયા હતાં.આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની મળતી વિગત મુજબ આંબેડકર નગરમાં કોમર્સ કોલેજ સામે જયશેભાઇ ઉગાભાઇ પાતર પત્ની અને બે પુત્રીઓ સાથે રહે છે. ગતરાત્રીનાં 11.30ની આસપાસ હરેશ જીવાભાઇ સોલંકી, વિવેક ઉર્ફે ટકો વાળા અને કિશોર કુંભાર બધા જયેશનાં ઘરે ગયા હતાં. થોડીવારમાં વિવેક અને કિશોર બન્ને ઘરની બહાર આવી ગયા હતાં. ઘરની બહાર દુકાને જયેશભાઇનાં ભાઇ અનિલભાઇ સાથે ઉભા હતાં. થોડીવારમાં જયેશભાઇનાં ઘરમાંથી અવાજ આવ્યો હતો. તેથી ઘરની તરફ જતા જયેશભાઇ પેટ ઉપર હાથ રાખી લોહી લુહાણ હાલતમાં બહાર આવ્યાં હતાં અને દુકાનની સામેની ગલીમાં પડી ગયા હતાં. આંતરડા બહાર નીકળી ગયા હતાં. લોકોનાં ટોળા એકત્ર થઇ ગયા હતાં. થોડી વારમાં જયેશભાઇનાં માતા પણ આવી ગયા હતાં. જયેશભાઇ ઉગાભાઇ પાતરને રિક્ષામાં સરકારી દવાખાને લઇ ગયા હતાં. દવાખાને ફરજ પરનાં તબીબે જયેશભાઇને મૃત જાહેર કર્યાં હતાં.જયેશભાઇનાં માતા મંજુલાબેન ઉગાભાઇ પાતરને હરેશ જીવાભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાનાં પગલે રાત્રીનાં પોલીસને ધાડા આંબેડકર નગર અને સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા હતાં. અને તપાસ શરૂ કરી હતી. તેમજ હત્યા કરનાર હરેશ વોર્ડ નંબર 15નાં ભાજપનાં કોર્પોરેટર જીવાભાઇ સોલંકીનો પુત્ર છે. હત્યાનું હજુ કોઇ કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં થયેલી હત્યાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. જોકે આ ઘટના બાદ પોલીસે ગણતરીની કલાકોમાં હત્યા કરનારને ઝડપી લીધો હતો.
- Advertisement -
જયેશભાઇએ રાત્રીનાં ગરબીમાં આરતી ઉતારવાની હતી
ગતરાત્રીનાં જયેશભાઇ પાતર હત્યા થઇ છે. ગઇકાલે રાત્રીનાં ગરબીમાં જયેશભાઇએ આરતી ઉતારવાની હતી. જયેશભાઇની માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાત્રીનાં મારી દીકરીનાં ફોનમાં જયેશનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આજે મારે ગરબીમાં આરતી ઉતારવાની છે. જેથી મારી દીકરીનાં નામનો આરતીમાં ચડાવો કર જે. જેથી જયેશની દીકરીની આરતી ઉતારવા માટે ચડાવો કર્યો હતો. બાદ હું જયેશનાં બોલાવવા જતા લોહી લુહાણ હાલતમાં જયેશ મને સામો મળ્યો હતો. અને કહ્યું કે, હરેશ જીવા સોલંકીએ મને છરી મારી છે. જયેશભાઈને સંતાનમાં બે દીકરી છે.
બીલાખ રોડ ઉપર જ પૂર્વ મેયરનાં પુત્રની હત્યા થઇ હતી
જૂનાગઢનાં વોર્ડ નંબર 15માં રાજકીય ગરમા ગરમી ચાલ્યા રાખે છે. આ પહેલા બીલખા રોડ ઉપર જ પૂર્વ મેયર લાખાભાઇ પરમારનાં પુત્ર ધર્મેશભાઇ પરમારની હત્યા થઇ હતી. આ હત્યામાં પણ ભાજપનાં નેતાનાં નામ સામે આવ્યાં હતાં. ત્યારે વધુ એક હત્યા થતા ભારે ચકચાર મચી જવા પામી છે.