એક છોકરી ગૂમ થઈ ગઈ તેને શોધવાની જગ્યાએ તેની બહેનપણીને ત્રાસ આપતું જૂનાગઢ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન
રાજકોટ તાલુકા પોલીસના પી.આઈ. મેહુલ ગોંડલિયાનો ચેપ જૂનાગઢ સી ડિવિઝન ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.એમ. વાળાને લાગ્યો છે. રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. મેહુલ ગોંડલિયાએ જેમ થોડા દિવસો પહેલા એક નિર્દોષ વ્યક્તિને કોઈ જ વાંકગુના વિના ઉઠાવી લઈ ઢોર માર માર્યો અને ધમકીઓ આપી તેમ થોડા દિવસો અગાઉ જૂનાગઢ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.એમ. વાળાએ થોડા દિવસો અગાઉ નિવેદન લેવાના બહાને અડધી રાત્રે એક 20 વર્ષીય દીકરી અને તેના પરિવારને ઉઠાવી લઈ કાયદા વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. આ અંગે નિર્દોષ દીકરી અને તેના પીડિત પરિવારે ગુજરાત હાઈકોર્ટ, ડી.જી.પી. ગુજરાત, એસ.પી., સી.પી. જૂનાગઢ અને મહિલા આયોગમાં ફરિયાદ કરી છે.
- Advertisement -
જૂનાગઢના SP રવિ તેજા વાસમ શેટ્ટી વાળા સામે શું પગલાં લેશે એ જોવું રહ્યું
જૂનાગઢ સી ડિવિઝન ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વાળા વિરુદ્ધ ગેરકાયદે નિર્દોષ યુવતીના ઘરમાં અડધી રાત્રે ઘૂસી મહિલા પોલીસ વિના નિવેદન લેવા તેમજ યુવતીને પોલીસ સ્ટેશન લઈ જવા અંગેની અરજી પીડિત યુવતી પરિવાર તરફથી જૂનાગઢના જ ઉચ્ચ પોલીસ અધિકારીને કરવામાં આવી છે. જૂનાગઢમાં મોટાભાગે કાયદાના રક્ષક જ ભક્ષક બને છે ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમને છાવરતા આવ્યા હતા. પરંતુ પી.એસ.આઈ. વાળા વિરુદ્ધની અરજીના કિસ્સામાં હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરાઈ છે ત્યારે જૂનાગઢના એસ.પી. રવિ તેજા વાસમ શેટ્ટી પી.એસ.આઈ. વાળા વિરુદ્ધ કોઈ કડક પગલાં લેશે કે કેમ એ જોવું રહ્યું.
યુવતી નામે કોઈ અરજી ન હતી છતાં મહિલા પોલીસ વિના PSI જે.એમ. વાળા અડધી રાત્રે વંડી ઠેકી યુવતીના ઘરમાં નિવેદન લેવા ઘૂસ્યાં!
જૂનાગઢમાં રહેતી એક યુવતી થોડા દિવસો પહેલા ગૂમ થઈ હતી. આ યુવતી સાથે રાવલિયા મશરીભાઈની 20 વર્ષીય પુત્રી અભ્યાસ કરતી હતી. એક યુવતી ગૂમ થતા તેના શોધવાની જગ્યાએ જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.એમ. વાળાએ કોઈ જ વાંકગુના વિના ગૂમ થયેલી યુવતીની બહેનપણીના ઘરે અડધી રાત્રે વંડી ઠેકી છાપો માર્યો હતો. અહીં પી.એસ.આઈ. વાળા સહિત છ જેટલા પુરુષ પોલીસવાળાઓએ નિર્દોષ યુવતી અને તેના પરિવારને ધમકાવ્યા હતા, ડરાવ્યાં હતા. કાયદા મુજબ અડધી રાત્રે કોઈ વોરંટ કે અરજી વિના કોઈના ઘરમાં દાખલ ન થઈ શકાય અને મામલો યુવતીનો હોય ત્યારે મહિલા પોલીસની હાજરી અનિવાર્ય છે પણ અહીં પી.એસ.આઈ. વાળાએ કાયદાની તમામ હદ વટાવી દીધી ન માત્ર યુવતીના ઘરે અડધી રાત્રે મહિલા પોલીસ વિના પહોંચી ગયા હતા, અધૂરામાં પૂરું યુવતી અને તેના પરિવારને પણ સી ડિવિઝન ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા જ્યાં તેમણે યુવતી અને તેના પરિવારને બાર-બાર કલાક સુધી ગોંધી રાખ્યા હતા.
- Advertisement -
પીડિત પરિવારે વાળા વિરુદ્ધ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી
રાવલિયા મશરીભાઈ (રે. રાયપુર તા. વંથલી) એ ઉચ્ચ અધિકારીઓને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, મારે સંતાનમાં સૌથી મોટી દીકરી દિપાલી ઉંમર વર્ષ 20, તેનાથી નાની નિરાલી ઉંમર વર્ષ 17 તથા તેનાથી નાનો દીકરો પૃથ્વી ઉંમર વર્ષ 14ના છે અને રાયપુર તાલુકો વંથલી ખાતે ખેતીની જમીન ધરાવે ખેતી કરું છું.
મારી દીકરી દિપાલી ઉંમર વર્ષ 20વાળી જૂનાગઢમાં ભાટુ કોલેજમાં અભ્યાસ કરતી હોય રાયપુરથી અપડાઉન કરે છે. તા. 09-12-2022ના રાત્રિના વાળુપાણી કરી અમારા ઘરના ડેલાને અંદરથી બંધ કરી રૂમમાં સૂઈ ગયેલ ત્યારે રાત્રિના આશરે એક વાગ્યાના સમયે અમારા રૂમનો દરવાડો ખખડાવવાનો અવાજ આવતાંને ઘરનો દરવાજો ખોલતા સામે પોલીસના માણસો મારા રૂમમાં આવી ગયેલા અને મારી દીકરી દિપાલી વિશે પૂછવા લાગેલા અને કહેલું કે તમારી દીકરીને જૂનાગઢ પોલીસ સ્ટેશને લઈ જવી છે, જેથી મેં કહેલું કે અમારા વંડાનો દરવાજો બંધ હતો તો તમે અંદર કેવી રીતે આવ્યા? તો હાજર પોલીસે જણાવ્યું કે દીવાલ કુદીને દરવાજો ખોલ્યો છે અમને દરવાજા તોડીને આવવાનો પણ અધિકાર છે.
બાદમાં મેં વિનંતી કરી કે રાતનો સમય છે તમારી સાથે મહિલા પોલીસ પણ નથી હું સવારે આઠ વાગ્યે મારી દીકરીને લઈને પોલીસ સ્ટેશને આવી જઈશ તો સાથે આવેલ અધિકારીએ કહ્યું હતું કે, મારું નામ વાળા છે. અત્યારે તારી દીકરીને લઈ જવાની છે. જેથી મેં મારું હોન્ડા મોટર સાયકલ લઈ મારી દીકરીને તેમાં બેસાડી પોલીસ સાથે જવા તૈયાર થયેલો, તો પોલીસે મારા મોટર સાયકલની ચાવી લઈ લીધેલી અને મને અને મારી દીકરીને તેઓની જીપમાં બેસાડી જૂનાગઢ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન રાત્રે 2.30 કલાકે પહોંચેલા ત્યારે એક કલાક મારી દીકરીની પૂછપરછ કરીને અને પછી વાળાસાહેબ જતા રહેલા અને મારી દીકરીને એક રૂમમાં બેસાડી સ્ટાફના માણસો જતા રહેલા અને એક મહિલા કર્મચારી હાજર હતી. હું સવાર સુધી ત્યાં બેસી રહેલો બાદ સવારે 10 વાગ્યે મારી દીકરીને ફરી પૂછપરછ શરૂ કરી હતી.
અમને પોલીસ સ્ટેશનથી જાણવા મળેલું છે કે મારી દીકરી દિપાલી સાથે અભ્યાસ કરતી કોઈ બ્રાહ્મણની દીકરી કોઈ છોકરા સાથે ભાગી ગયેલ છે તેવી અરજીના આધારે મારી દીકરીને રાત્રિના પોલીસ ઉઠાવી લીધી છે. આ કામે કોઈ ગુનો કે જાણવાજોગ નોંધ અમોની દીકરી વિરૂદ્ધ થયેલ નથી. સવારે મેં મારા સગા નિવૃત્ત પોલીસ ઈન્સ્પેકટર ભેડાસાહેબને આ વાતની જાણ કરેલી અને ભેડાસાહેબ રૂબરૂ વાળાસાહેબને મળીને કહ્યું કે આ રીતે કોઈ સ્ત્રીને રાત્રિના વખતે પોલીસ લાવી ન શકે તો વાળાસાહેબ દ્વારા તેમને જણાવ્યું કે અમારી પાસે ઘણા રસ્તા હોય અમને અમારું કામ કરવા દો.
આમ પોલીસે રાત્રિના સમયે કોઈ અધિકાર, વોરંટ કે ઠરાવ વગર અમારી ડેલીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મહિલા કર્મચારીની હાજરી સિવાય મારી દીકરી દિપાલી ઉંમર વર્ષ 20 વાળાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન લાવી ગેરકાયદેસર ગોંધી રાખેલી હતી. અને બપોરના 1 વાગ્યા પછી તેણીને મુક્ત કરેલી હતી. તેથી પી.એસ.આઈ. વાળા અને ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ વિરુદ્ધ પગલાં લેવાની રાવલિયા મશરીભાઈએ અરજી કરી છે.
જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનનાં CCTV ફૂટેજ કઢાવવા પણ અરજી
તા. 9-12-22ના રાતે 11.45 વાગ્યાથી લઈ તા. 10-12-22ના બપોરે 3 વાગ્યા સુધીના જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ કઢાવવા પણ પીડિત પરિવાર તરફથી અરજી કરવામાં આવી છે. આ ફૂટેજ સચવાઈ અને હાઈકોર્ટેમાં પુરાવા રૂપે રજૂ કરી શકાય તે માટે આપવામાં આવે એવું લેખિતમાં નિવેદન પીડિત પરિવારે જૂનાગઢ સર્કલ પોલીસ સ્ટેશનમાં આપ્યું છે. પી.એસ.આઈ. જે.એમ. વાળાનાં કાળા કારનામા વિરુદ્ધ પર્યાપ્ત પુરાવાઓ પીડિત પરિવાર દ્વારા એકત્ર કરી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે ત્યારે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનમાં પી.એસ.આઈ. જે.એમ. વાળા પોતાનો બચાવ કેમ કરશે એ ચર્ચાનો વિષય છે.