જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં સક્કરબાગ પાસે, રામદેવપરા ખાતે રહેતી મહિલા મહેકબેન સેજાદ મહેબૂબ પઠાણ જાતે મુસ્લિમ કે, જેને અમદાવાદ ખાતે પરણાવેલ હોઈ, જે સુવાવડ કરવા માટે જૂનાગઢ પોતાના પિયરમાં આવેલ હતી. આજથી ૨૨ દિવસ પહેલા બાળક અબરારનો જન્મ થયેલ હતો. આ મહિલાને પોતાના સાસરિયા સાથે મનદુઃખ ચાલતા હોઈ, ગઈકાલે વહેલી સવારે તેનો પતિ સેજાદખાન પઠાણ, સાસુ મુનીબેન અને નણંદ ફિરોઝાબેન અમદાવાદથી જૂનાગઢ ખાતે આવી,તેમના ૨૨ દિવસની ઉંમરના બાળક અબરારને બળજબરીથી જૂનાગઢ ખાતેથી અમદાવાદ લઇ ગયેલ હતા. આ અંગેની જાણ મહિલા મહેકબેન દ્વારા જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરીને કરવામાં આવતા બનાવની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ તુરંત હરકતમાં આવી હતી
મહિલાના માત્ર ૨૨ દિવસના માસૂમ બાળક અબરારને તેના પતિ, સાસુ, નણંદ દ્વારા લઈ જવાની બાબતને ગંભીરતાથી લઈને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી, મહિલાને પોતાનું કુમળી વયનું બાળક પરત અપાવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, એસઓજી શાખાના પીઆઇ એચ.આઈ.ભાટી, ટેક્નિકલ સેલના પીએસઆઇ ડી.એમ.જલુ તથા સ્ટાફની ટીમ દ્વારા મુસ્લિમ મહિલાની રજુઆત આધારે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવતા, મહિલાનો પતિ, સાસુ, નણંદ, બાળક અબરારને અમદાવાદ ખાતે એસટી અથવા ટ્રાવેલ્સમાં લઈને જ ગયા હોવાનું અનુમાન લગાવવામાં આવેલ હતું. ટેક્નિકલ સોર્સના આધારે માહિતી મેળવતા, તેઓ ચોટીલા અને સાયલાની વચ્ચે ડોળિયા બાઉન્ડરી નજીક પહોંચેલ હોય, તેવું જાણવામાં આવતા સાયલા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ આર.બી.ગોહિલ, સહિતના સ્ટાફને જાણ કરાતા તેમણે જૂનાગેઢ તરફથી આવતી એસટી બસ ચેક કરતા , પોલીસની ટીમ ને તેમાં બાળક, તેના પિતા, ફૈબા અને દાદી મળી આવતા તેઓને ત્યાં જ રોકી લેવામાં આવ્યા હતા. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ ટીમ તાત્કાલિક સાયલા પહોંચી, બાળક અબરારનો કબ્જો મેળવી, જૂનાગઢ પરત આવી, બાળક અબરારનો કબ્જો તેની માતાને સોંપતા, માત્ર ૨૨ દિવસના માસૂમ બાળક અબરાર પરત મળતા, તેની માતા બાળકને ગળેલગાળી, ભાવ વિભોર થયેલ હતી. મહિલાના પરિવાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.જૂનાગઢ પોલીસ દ્વારા સમયસર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા પોતાનું બાળક જૂનાગઢ પોલીસના પ્રયત્નોથી જ તાત્કાલિક પરત મળ્યાનો ભાવ મહિલા તેમજ તેમના પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. જ્યારે મહિલાના પતિ સેજાદખાન પઠાણ, સાસુ મુનીબેન અને નણંદ ફિરોઝાબેન વિરુદ્ધ ક્રિમિનિલ પ્રોસીઝર એકટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.