યમુનાષ્ટકના પાઠ, વધાઈ, સત્સંગ સાથે ગોરણી, બ્રહ્મ ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
- Advertisement -
જૂનાગઢ ચૈત્ર સુદ છઠ એટલે શ્રી યમુનાજી મહારાણીનો પ્રાગટ્ય દિવસ પરંતું એવું પણ કહેવાય છે કે ભૂતલ પર શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયુ છે ત્યારે શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીનું ભગવદ સ્વરૂપ હોવાથી ગમે ત્યાં પ્રગટ થતા નથી. તેમના સ્વરૂપને અનુરૂપ સ્થળમાં અને વંશમાં પ્રગટ થાય છે. શ્રી યમુનાજી એ સરિતા રૂપે પ્રગટ થવા સર્વ પર્વતોમાં શ્રેષ્ટ કલિંદ પર્વત પસંદ કર્યો હતો અને હિમાલયની વિશાળ ગિરિમાળા આવેલી છે એમાં અનેક શિખરો છે, દરેક શિખરોના નામ અલગ અલગ છે એમાં એક શિખરનું નામ ” કલિંદ પર્વત” ના નામે પુરાણોમાં પ્રસિદ્ધ છે . કલિંદ પર્વત ઉત્તમ દેવતાનું સ્વરૂપ છે, કલિયુગના દોષોનો નાશ કરનાર છે . આવા કલિંદ પર્વત ઉપર સરિતા સ્વરૂપે ગોલોક ધામમાંથી શ્રી યમુનાજી ચૈત્ર સુદ છઠ્ઠના પવિત્ર દિવસે પધાર્યા તેથી વૈષ્ણવ સંપ્રદાયમાં ચૈત્ર સુદ છઠનો દિવસ શ્રી યમુનાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
શ્રી યમુનાજી કલિંદ પર્વત ઉપર થી આગળ વધતા વધતા મનુષ્યો મુશ્કેલીથી પહોંચી શકે એવા હિમાલયના નીચાણ વાળા વિસ્તારમાં પધાર્યા તે સ્થળ હાલ “યમુનોત્રી” ના નામથી પ્રસિદ્ધ છે. દરેક વૈષ્ણવ યમુનાપાન કરવાં પહોચી નથી શકતા ત્યારે જૂનાગઢ વીરબાઈ મહિલા મંડળ દ્રારા પંચહાટડી સ્થિત નગરશેઠની હવેલીએ વૈષ્ણવો માટે ખાસ યમુના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. “આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે આજ આનંદની લહેર” સાથે વૈષ્ણવ સંપ્રદાયની બહેનોએ શ્યામ સુંદર શ્રી યમુનાજીના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરી હતી ખાસ યમુનાજીની છઠ્ઠના ઉત્સવ નિમિતે યમુનાષ્ટકના પાઠ, વધાઈ અને સત્સંગ રાખવામાં આવ્યો હતો અને સાથે સાથે 91 ગોરણી, 51 બ્રહ્મ ભોજનનું સાથે કુલ 350 થી પણ વધુ વૈષ્ણવો માટે ભોજન પ્રસાદનું આયોજન કરેલ હતું આ ભવ્ય મનોરથમાં આનંદભેર સંચાલન વીરબાઈ મંડળના બહેનોને સાથે મળીને કર્યુ હતું અને ખાસ દરેક બહેનોએ ઠાકોરજીનાં પ્રિય પીળા રંગની સાડી પરિધાન કરી એક અનોખો ધાર્મિક માહોલ જમાવ્યો હતો.