ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢ મહાનગરપાલિકાનું દિવાળી પૂર્વે ગત રોજ જનરલ બોર્ડ મળ્યુ હતુ. જેમાં વિપક્ષ સભ્યોનું હો હા…. શાશક પક્ષ હા હો…. વચ્ચે 3 કલાક બોર્ડ ચાલ્યુ હતુ. જેમાં વિપક્ષે જૂનાગઢવાસીઓ માટે વેરા માફીની માંગ શાસકો પાસે કરી હતી. તે ના મંજૂર કરવામાં આવી હતી. વિપક્ષે 10 મુદ્દા બાબતે સવાલો ઉઠાવેલા હતા.
જેમાં 2004થી કાર્યરત કર્મચારીઓના પ્રમોશન કેમ અટકાવ્યા, આમંત્રણ પત્રિકામાં વિરોધ પક્ષના નામ કેમ નહીં, સફાઇ કામદારોની હડતાળ પછી તેમની માંગણીનું શું થયુ, એજન્સીના વાહનોમાં યુપીએસ સીસ્ટમની ચકાસણી કેમ નહીં, સ્પોર્ટ સંકુલ મેન્ટનસ માટે 14 લાખનો ખર્ચ શા માટે, શહેરના સર્કલો પાછળ રંગ રોગાન બ્યુટીફીકેશનનો ખર્ચ નિરર્થક, મજેવડી દરવાજાથી ગાંધીચોકનો બિસ્માર રોડ અને સ્ટ્રીટ લાઇટનો મુદો 3 વર્ષ થયા છતા શહેરમાં સ્લોટર હાઉસના કોઇ ઠેકાણા નથી અને શહેરમાં છેલ્લા છ માસમાં કેટલા રખડતા ઢોર પકડવામાં આવ્યા આવા અનેક મુદ્દે શાસકપક્ષને બોર્ડમાં ઘેર્યુ હતુ.
- Advertisement -
જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા ચોકડીએ અગ્નિકાંડની જે દુર્ઘટના બની હતી જેમાં 3 માનવ જીંદગી હોમાઇ ગઇ હતી. આ દુર્ઘટના બાબતે કમિશનર દ્વારા જણાવાયુ હતુ કે, હવે જો શહેરમાં આવી દુર્ઘટનાઓ બનશે તો તેની જવાબદારી એન્જિનીયરની રહેશે. આ બોર્ડમાં વિપક્ષની 18 દરખાસ્ત પૈકી 8 કમિશનર તરફ અને 3 સર્વાનુમતે મંજુર અને બે રદ કરવામાં આવી હતી અને એક બહુમતિથી મંજૂર કરાઇ હતી.