જૂનાગઢ મનપાએ રૂપિયા ખર્ચવાનું જાણે અભિયાન શરૂ કર્યું છે
ઇગલ મંદિર પાસે બગીચાનું કામ શરૂ કર્યું : નબળું કામ થતું હોવાનાં આક્ષેપ
મંદિરે આવતા લોકો માટે જ ઉપયોગી બનશે: બાકી અહીં કારખાના છે
જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા દોલતપરા રોડ પર ઇગલ મંદિરની બાજુમાં બે કરોડ રૂપિયાનાં ખર્ચે બગીચાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ખરેખર આ બગીચાની ઉપયોગીતા કેટલી છે ? તે એક સવાલ ઉભો થયો છે. કારણ કે બગીચાથી દોલતપર ગામ દુર છે. તેમજ અહીં જીઆઇડીસી વિસ્તાર છે. માત્ર મંગળવાર અને રવિવારનાં ઇગલ મંદિરે આવતા દર્શનાર્થીઓ જ બગીચાનો લાભ લઇ શકે તેમ છે. બગીચાની નહીવત ઉપયોગીતા હોવા છતા મનપા દ્વારા બે કરોડ રૂપિયા વેડફી નાખવાનું શરૂ કરી દેવાયું છે.
જૂનાગઢ મહાનગર પાલીકાને રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા અઢળક ગ્રાન્ટ આપવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ મહાનગર પાલીકાને 7706 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી છે. પરંતુ જૂનાગઢની વિકાસ થયો નથી. પ્રાથમિક સુવિધાનો પણ અભાવ છે. જૂનાગઢ મહાનગર પાલીકા દ્વારા આડેધડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવાનાં આક્ષેપ થઇ રહ્યાં છે. જૂનાગઢમાં અમૃત યોજના હેઠળ દોલતપરા રોડ ઇગલ મંદિરની બાજુમાં બગીચો બનાવવામાં આવી રહ્યો છે. આ કામનો હાલ પ્રારંભ થયો છે. આ બગીચો રૂપિયા બે કરોડનાં ખર્ચે બનશે. આ બગીચો ચોમાસ સુધીમાં બનાવી નાખવાનું આયોજન છે. બે કરોડની મારબત રકમ ખર્ચ કરવા પાછળનાં ચોકકસ કારણો જણાતા નથી. ઇગલ મંદિર પાસે બનતા બગીચાનું લોકેશન યોગ્ય ન હોવાની ચર્ચા જાગી છે. સુવિધા સભર બગીચો શહેરની વિસ્તારથી દુર છે. તેમજ અહીંથી દોલતપરા પણ દુર છે. જીઇડીસી વિસ્તારમાં બગીચો છે. આ બગીચાનો ઉપયોગ માત્ર મંગળવાર અને રવિવારે ઇગલ મંદિરે આવતા દર્શનાર્થીઓ કરી શકે તેમ છે. કોંગી ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ કહ્યું હતું કે, અહીં બગીચાની કોઇ ઉપયોગીતા જણાતી નથી. શહેરથી દુર છે. તેમજ રહેણાંક વિસ્તાર પણ દુર છે. બગીચા માટે પુરતી જગ્યા પણ નથી. મનપા દ્વારા રૂપિયા વેડફી નાખવામાં આવી રહ્યાં છે.
- Advertisement -
અમૃત યોજનાનાં કામ પૂર્ણ કરવાની વેતરણ
અમૃત યોજનામાં પાણીની સુવિધા અને બગીચાની જોગવાઇ છે.જેના કારણે આડેધડ કામ કરી અમૃત યોજનાનાં કામ પૂર્ણ કરવાની વેતરણ કરવામાં આવી રહી છે. તેમજ મનપાનાં છેલ્લા બજેટમાં બગીચાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બજેટનાં કામ પણ પૂર્ણ થાય તે માટે અહીં બગીચો બનાવવામાં આવી રહ્યો છે.
રાજીવ ગાંધી પાર્કને વિકસાવો અથવા શહેરમાં બગીચો બનાવો
ભીખાભાઇ જોષીએ જણાવ્યું હતું કે,દોલતપરા પાસે બગીચા કરવા કરતા રાજીવ ગાંધી પાર્કનો વિકાસ કરવાની જરૂર છે. અથવા તો જૂનાગઢનાં રહેણાંક વિસ્તારમાં બગીચો બનાવવો જોઇએ. દોલતપરામાં યોગ્ય જગ્યા પણ નથી. અહીં લાંબો પટ્ટો છે. તેમાં કેવી રીતે બગીચો બની શકે ?. ટ્રાફીકની સમસ્યા પણ ઉભી થઇ શેક તેમ છે.
કામ નબળું થતું હોવાનાં આક્ષેપ
દોલતપરા નજીક બગીચો બની રહ્યો છે. બગીચાનું કામ નબળુ થતા હોવાનાં આક્ષેપ થઇ રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી બાંધકામમાં પાણી છાંટવામાં આવ્યુ ન હોવાનાં આક્ષેપ થયા છે. તેમજ પ્લાસ્ટર પણ ઉખડી રહ્યું છે.
- Advertisement -
ચિલ્ડ્રન પાર્કની અવદશા અને નવો બગીચો!
જૂનાગઢનાં ચિલ્ડ્રન પાર્કની અવદશા છે. અહીં લસરપટ્ટી તુટી ગઇ છે. માત્ર 3 લાખ રૂપિયાનો ખર્ચ થાય તેમ છે. પરંતુ તે ખર્ચ કરવામાં આવતો નથી અને બીન ઉપયોગી જગ્યાએ નવો બગીચો બનાવવામાં આવી રહ્યો છે. મનપાનો દાવો છે કે ચિલ્ડ્રન પાર્કનું સંચાલન અન્ય સંસ્થાને આપી દીધું છે તો ખર્ચ તેમને કરવાનો રહે છે.