ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ મહાનગરપાલિકામાં કામ કરતા સફાઈ કર્મચારીઓ આજે સવારથી પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી ગયા છે. કર્મચારીઓએ હાજીયાણી બાગ પાસે મોટી સંખ્યામાં એકત્ર થઈ મનપા સામે મોરચો માંડ્યો છે, જેના કારણે શહેરમાં સફાઈ અને કચરા કલેક્શનનું કામકાજ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.
સફાઈ કર્મચારીઓએ ડોર-ટુ-ડોર કચરા કલેક્શન કરતી ગાડીઓને નીકળવા દીધી નહોતી. સફાઈ કામદારોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા કચરા કલેક્શનના કામમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. સફાઈ કામદારોની મુખ્ય માંગણીઓમાં રોજમદારોને કાયમી કરવા, મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારના સભ્યને નોકરી આપવી, અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાનો સમાવેશ થાય છે. વહેલી સવારથી જ સફાઈ કામગીરી બંધ કરી સો જેટલા કર્મચારીઓ આંદોલનમાં બેઠા છે. આ પહેલા પણ અગાઉ અનેક વાર મહાનગર પાલિકાના શાશકો અને અધિકરીઓને લેખિત રજૂઆત કરવામાં આવી હતી છતાં સફાઈ કર્મીની માંગને કોઈ યોગ્ય પ્રત્યુત્તર નહિ મળતા આજે હડતાલ પર ઉતારી આવ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘટનાસ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.



