કરબોજ વીનાનું જૂનાગઢનું બજેટ : નવા નળ કનેકશન ચાર્જમાં રુ.1200નો ઘટાડો
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
આજે જૂનાગઢ જિલ્લાની મહાનગરપાલિકાના નાણાકીય વર્ષ 2022-2023નું રૂપિયા 395.61 કરોડનું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. ‘ના કર વધારા-ના દર વધારા’ની સંકલ્પના સાથે બજેટ રજુ કરનાર ચેરમેન હરેશભાઈ પરસાણાએ કહ્યું હતું કે, બજેટમાં તમામ વર્ગોનું હિત જળવાઈ રહે તેનું ધ્યાન રાખીને નવીનતમ આયોજનો સાથે પ્રોત્સાહક પ્રોજેકટ અને વિશેષતમ જોગાવઈઓનો સામાવેશ કરીને મહાનગરની જનતાને સુખદ, સહજ અને સરળ બજેટની ભેંટ આપવાનો ઉત્તમ પ્રયાસ કર્યો છે.
કમિશનરે નવ કરોડનો વધારો સુચવ્યો હતો જે સ્થાયી સમિતિએ ફગાવ્યો
બજેટમાં જૂનાગઢના વિકાસની સ્પષ્ટ દિશા તૈયાર કરવાના ઉમદા વિચાર સાથે રૂપિયા 2 કરોડની જોગવાઈ સાથે જૂનાગઢ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ પ્લાન તથા વિઝન તૈયાર કરવામાં આવશે. હરિયાળા જૂનાગઢને વધુ હરિયાળું કરવા માટે મારૂં જૂનાગઢ-ગ્રીન જૂનાગઢની વૃક્ષારોપણ યોજના અમલી કરવામાં આવશે. જેમાં રૂ.10 લાખની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત લોકોને વૃક્ષના રોપા તથા ટ્રીગાર્ડ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે.
- Advertisement -
નળ કનેશન ચાર્જ પહેલા 3200 હતા, હવે 2000 રૂપિયા રહેશે
જળક્રાંતિમાં યોગદાન આપવા અને ભૂગર્ભનું વોટર લેવલ ઉંચું લાવવા માટે વોટર હાર્વેસ્ટીંગની યોજના તળે પાણીનું સ્તર ઊંચુ લાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ધોરણ 10 તથા 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે વિવેકાનંદ જ્ઞાનજ્યોત પ્રોત્સાહન યોજના અને ચાણક્ય જ્ઞાનજ્યોત યોજના હેઠળ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં આવનાર પ્રવાસીઓ તથા નગરજનોને સુલભતાથી જૂનાગઢના ભવ્ય વારસાની માહિતી અને ઈતિહાસ આસાનીથી પ્રાપ્ત કરી શકે તે માટે મહાનગર વિસ્તારમાં પ્રવાસી માહિતી કેન્દ્રની પણ શરૂઆત કરવામાં આવશે. તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર વ્યક્તિઓ માટે 11,000 અને રાજ્યપાલ તરફથી ચંદ્રક મેળનારને રૂ. 5000નું રોકડ ઈનામ આપવા માટે 3 લાખની જોગવાઈ કરવામાં આવી છે.
ગીરનારની ભવ્યતામાં વધારો કરવા માટે, ગીરનારની આદ્યાત્મિકતા, પ્રાકૃતિમય વાતારણ અને સંસ્કૃતિને વધુ પ્રવાસીઓ સુધી પહોંચાડવા માટે રણોત્સવની જેમ ગીરનાર ઉત્સવ આવો અમારા ગીરનારને જાણોના મહોત્સવનું આયોજન કરવામાં આવશે. જેના માટે બજેટમાં 10 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત સિનિયર સિટીઝનો માટે 30 લાખની જોગવાઈ કરીને નવા બગીચાઓ અને ઉદ્યાનોનું નિર્માણ કરવામાં આવશે.
10 લાખની જોગવાઈ સાથે રણમહોત્સવની જેમ ગિરનાર મહોત્સવ ઉજવાશે
પર્યાવરણની જાગૃતિ અને જતનના ખ્યાલ અંતર્ગત શહરેમાં મહાનગરપાલિકા દ્વારા સાઈકલીંગ સ્પર્ધા, શારીરિક સ્વાસ્થ્ય માટે યોગ અને ધ્યાનના પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવશે. જૂનાગઢના ઘરેણાં સમાન ગિરનાર પર્વત, દામોદર કુંડ, ભવનાથ વિસ્તાર, અશોક શિલાલેખ અને દાતાર પર્વત જેવી વારસા સંસ્કૃતિની ઈતિહાસ દર્શાવતી પ્રદર્શની યોજવા માટે 5 લાખ ફાળવવામાં આવ્યા છે.
સરકારની નલ સે જલની યોજના અંતર્ગત જનહિત માટે બજેટમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ના કર વધારા-ના દર વધારાના સંકલ્પને ફળીભૂત કરવા માટે નવા નળ કનેકશન ચાર્જમાં રૂપિયા 1200નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ચાર્જ પહેલા 3200 હતો જે 2000 નિયત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, જનકલ્યાણના હિતને પ્રાધાન્ય આપીને કમિશનર દ્વારા જૂના વાહનો પર જે ટેકસ વધારવાનું સુચન આપવામાં આવ્યું હતું તે સુચન અને વધારાને રદ કરવામાં આવ્યો છે. શહેરી ફરિયાઓને માળખાગત સુવિધાઓ પૂરી પાડવાના હેતુસર કચરાનો નિકાલ, પાણીની વ્યવસ્થા, લાઈટની વ્યવસ્થા આપૂર્તિ કરીને શહેરના મધુરમરોડ સિટીમોલની પાછળ હોકર્સ ઝોન ઉભો કરવામાં આવશે. આમ જૂનાગઢ મનપાના ચેરમેન હરેશભાઈ પરસાણાએ આ બજેટ પ્રજાભિમુખ, લોકાભિમુખ અને સર્વગ્રાહી બની રહે તેવી આશા વ્યક્ત કરી હતી.