જૂનાગઢ જિલ્લો રાજ્યમાં ’ઈ-સરકાર’ના અમલમાં અગ્રેસર
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લો સમગ્ર રાજ્યમાં ’ઈ – સરકાર’ના અમલમાં અગ્રેસર બન્યો છે. જિલ્લાની કલેકટર, પ્રાંત, મામલતદાર સહિતની કચેરીઓનો પત્ર વ્યવહાર હવે સંપૂર્ણપણે ઈ – સરકાર એપ્લિકેશન મારફત થઈ રહ્યો છે એટલે કે, કોઈપણ સરકારી કાગળ સંબંધિત અધિકારીઓને રીયલ ટાઈમ મળી રહ્યો છે.
- Advertisement -
જુનાગઢ જિલ્લામાં ખાસ કરીને મહેસુલ વિભાગ સંબંધીત તમામ પત્ર વ્યવહાર ઈ – સરકારના માધ્યમથી થઈ રહ્યો છે. જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ વહીવટને પેપરલેસ ઝડપી અને સરળ બનાવવા માટે ટેકનોલોજીના ઉપયોગ પર વિશેષ ભાર આપી રહ્યા છે. તેમણે જિલ્લાના મહેસુલ વિભાગના અધિકારી કર્મચારીઓને ’ઈ – સરકાર’ પ્રોજેક્ટના અમલ માટે તાલીમબદ્ધ કર્યાં સાથે જ પેપરલેસ અને ઝડપી વહીવટી પ્રક્રિયા માટે પ્રોત્સાહિત પણ કર્યા હતા. જેના પરિણામે આજે પત્ર વ્યવહારમાં બિનજરૂરી વિલંબ ટળ્યો છે અને પ્રજાલક્ષી કામોને નવો વેગ મળ્યો છે.
આમ, જિલ્લા કલેકટરની વહીવટને પેપરલેસ, ઝડપી અને સરળ બનાવવાની નેમને સફળતા મળી છે અને જૂનાગઢ જિલ્લો મહેસુલી કામગીરી ’ઈ – સરકાર’ મારફત કરવામાં રાજ્યમાં ટોચના સ્થાને છે.જિલ્લામાં ઈ – સરકાર પ્રોજેક્ટની અમલવારી માટે કલેકટરે પ્રાંત અને મામલતદાર કચેરીના કાગળોને સ્કેનિંગ માટે સ્કેનર સહિતના સાધનોની ત્વરિત ફાળવણી પણ કરી હતી. ઉપરાંત જિલ્લાની મહેસુલ સિવાયની અન્ય સરકારી કચેરીઓમાં ’ઈ – સરકાર’ થકી પત્ર વ્યવહાર કરવામાં તે માટે જરૂરી સૂચનાઓ કલેકટરે આપી છે.