ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં સરગવાડાના શખ્સ સહિતની ટોળકી સામે બે માસ પહેલા ગુજસીટોકનો ગુનો દાખલ થયો હતો ત્યારે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ચાર શખ્સ ફરાર છે. પોલીસ તપાસ દરમ્યાન પણ ચારેય શખ્સ ન ન મળી આવતા રાજકોટની ખાસ ગુજસીટોક કોર્ટે ચારેયૂનું બિનમુદ્દતી વોરંટ કાઢ્યું છે.
જૂનાગઢ સરગવાડામાં રહેતા ભાવેશ ઉર્ફે ભાવિન ખોડા બઢ, નિલેશ ઉર્ફે નિલુ ખોડા બઢ, જૂનાગઢના દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાણા, વંથલી તાલુકાના કોયલીના જાદવ ઉર્ફે લાખો સાંગા હુણ સહિત પાંચ શખ્સોની ટોળકી સામે ગુજસીટોકનો ગુનો દાખલ થયો હતો. જેમાંથી એક શખ્સની તે સમયે ધરપકડ કરવામાં આવી હતી. બાકીના ચારેય ફરાર થઈ ગયા હતા. તપાસનીશ અધિકારી ડીવાયએસપી રવિરાજસિંહ પરમાર સહિતના સ્ટાફે આ આરોપીઓના રહેણાંક તથા છુપાવવાના આશ્રય સ્થાન તેમજ ઉઠક બેઠકના સ્થળ પર તપાસ કરી હતી છતાં મળ્યા ન હતા. બે માસ બાદ પણ ચારેય આરોપી ન મળતા રાજકોટની ખાસ ગુજસીટોક કોર્ટે બિનમુદ્દતી વોરંટ કાઢ્યું છે. પોલીસે ચારેય આરોપીઓનું વોરંટ નીકળતા પોલીસે વિવિધ સ્થળોએ આરોપીઓના વોન્ટેડ હોવાના પોસ્ટર લગાડયા છે. પોલીસે લોકોને આ શખ્સો ક્યાંય જોવા મળે તો જાણ કરવા જણાવ્યું છે અને જાણ કરનારનું નામ ગુપ્ત રખાશે તેમજ સરકારના નિયમ મુજબ ઈનામ પણ આપવામાં આવશે.



