સરકાર અને આરટીઓના નિયમનો સરેઆમ ઉલાળિયો
ખાનગી શાળામાં વિદ્યાર્થી માટે ચાલતા વાહનો પણ ચેક કરવા જરૂરી
- Advertisement -
ટેક્સી પાસિંગ વગર અન્ય ટ્રાવેલ્સ સંચાલકોના બિલ ઉધાર્યા ?
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ જિલ્લામાં ખાનગી પાસિંગના વાહનો ત્રાહિત વ્યક્તિઓ દ્વારા સરકારી વિભાગોમાં ભાડે આપવાનો કથિત કોભાંડ ચાલતું હોવાનું પ્રકાશમાં આવ્યું છે ત્યારે તાત્કાલિક તપાસની માગ પણ ઉઠવા પામી છે. સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની મીલીભગતથી ખાનગી મોટરકાર હાલ ભાડે આપી ખોટા બિલો પણ ઉધારવામાં આવતા હોય તેવી ફરિયાદો ઉઠી રહી છે ત્યારે જો સબંધિત અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં જિલ્લા પંચાયત મહાનગર પાલિકા તેમજ અન્ય સરકારી વિભાગોમાં ખાનગી પાસિંગ ધરાવતા વાહનોને ખાનગી એજન્સીઓ મારફતે ભાડે આપવામાં આવી રહ્યા હોવાનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ પ્રક્રિયા તમામ નિયમો અને આર.ટી.ઓ.નાં કાયદાઓનો સરકારી કચેરીમાં જ ઉલાળીયો કરીને જાહેરમાં ઉલંઘન કરવામાં આવી રહી હોવાની શક્યતા જાગૃત નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
- Advertisement -
સરકારી નિયમો મુજબ, માત્ર વ્યાવસાયિક (કોમર્શિયલ) પાસિંગ ધરાવતા વાહનોને જ સરકારી વિભાગોમાં ભાડે લેવામાં આવી શકે છે. આમ છતાં જુદા જુદા વિભાગોમાં સફેદ નંબર પ્લેટ ધરાવતી ખાનગી કારો ઘણીવાર નિયમવિરોધ રીતે ચલાવવામાં તો આવી રહી છે અને અધિકારીઓ પણ મનપસંદ મુસાફરી કરી રહ્યા હોય તેવા દૃશ્ય અનેક વખત સર્જાતા હોય છે. વિશ્લેષકો જણાવે છે કે આ પ્રવૃત્તિમાં કેટલાક ખાનગી એજન્ટો અને સરકારી કર્મચારીઓ વચ્ચે મીલીભગત હોવાનો આશંકાસ્પદ સુત્રો પરથી સંકેત મળે છે. એક તરફ જ્યાં સામાન્ય નાગરિકો વ્યાવસાયિક પાસિંગ માટે જરૂરી પરમિટ અને ટેક્સ ભરવામાં આર્થિક ભાર અનુભવે છે, ત્યારે આવા કથિત ગેરકાયદે વ્યવહાર ન્યાયિક પ્રક્રિયા સામે ગંભીર પ્રશ્ર્નો ઊભા કરે છે. ખાસ મહત્વની વાત એ છે કે જો જૂનાગઢ જિલ્લા કલેક્ટર, આર.ટી.ઓ. અધિકારીઓ અને મહેસૂલ વિભાગ તાત્કાલિક આ દિશામાં તપાસ અને કાર્યવાહી હાથ ધરે તો મસમોટુ કોભાંડ બહાર આવી શકે તેમ છે અને આવા ગેરકાયદે કાર્યો સામે તુરંત પગલાં ન લેવાય તો આવનાર દિવસોમાં ક્યાંકને ક્યાંક ત્રાહિત વ્યક્તિઓ પોતાના પદનો દુરુપયોગ અને નાગરિકોના હિત સામે મોટું ષડયંત્ર કરવામાં સફળ બની રહ્યા હોવાનું પણ સાબિત થાય તો નવાઇ નહીં બીજું મહત્વનું છે કે અગાઉ હેલ્મેટ વગર સરકારી કચેરીએ આવતા કર્મચારીઓ પર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે આ સફેદ રંગની નંબર પ્લેટ સાથે જાહેરમાં ફરતી મોટરકારો પર તંત્ર કેમ રહેમ રાહ જુએ છે તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે.



