ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢ પંચેશ્વર રોડ પર આવેલી સરકારી આયુર્વેદ હોસ્પિટલનો ગાયનેક વિભાગ નિ:સંતાન દંપતિઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. અહીં કોઈપણ ખર્ચ અને આડઅસર વગર વંધ્યત્વની સફળ સારવાર કરવામાં આવે છે. હોસ્પિટલના ગાયનેક વિભાગમાં દરરોજ 60 થી 70 દર્દીઓ આવે છે, જેમાંથી લગભગ 40 જેટલા દર્દીઓ વંધ્યત્વની સમસ્યાવાળા હોય છે. અહીંના ડેપ્યુટેડ આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ચેતના કોડીનારિયાએ જણાવ્યું કે, હોસ્પિટલમાં માસિકની સમસ્યાઓ, યોનિ રોગો, અને ખાસ કરીને સંતાનપ્રાપ્તિમાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા દંપતિઓની સારવાર કરવામાં આવે છે. સૌપ્રથમ દર્દીઓના રિપોર્ટ્સની ચકાસણી કર્યા બાદ પંચકર્મ થેરાપી દ્વારા શરીર શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ સારવાર ત્રણથી ચાર મહિના સુધી ચાલે છે, જેના અંતે સફળ પરિણામો જોવા મળે છે. ડો. કોડીનારિયાએ ઉમેર્યું કે, ઘણા એવા દંપતિઓ જેમણે ઈંટઋ જેવી ખર્ચાળ પદ્ધતિઓથી નિષ્ફળતા મેળવી હોય, તેમને પણ આયુર્વેદિક સારવારથી ખૂબ જ સારા પરિણામો મળ્યા છે. નોંધનીય છે કે, ઈંટઋમાં લાખોનો ખર્ચ થાય છે અને તેની આડઅસરો પણ હોય છે, જ્યારે આયુર્વેદિક સારવાર તદ્દન મફત છે અને કોઈ આડઅસર થતી નથી. આ તમામ સારવાર, રહેવા અને જમવાનો ખર્ચ સરકાર ભોગવે છે. તાજેતરમાં, ડો. ચેતના કોડીનારિયાને સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન આયુર્વેદ ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ કલેક્ટરના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સારવારનો લાભ લઈ માતા બનેલા જયશ્રીબેન કારિયાએ જણાવ્યું કે, મારો માતા બનવાનો સંપૂર્ણ શ્રેય આયુર્વેદ સારવાર અને ડો. ચેતનાબેનના માર્ગદર્શનને આભારી છે.
નિ:સંતાન દંપતીઓ માટે જૂનાગઢની સરકારી આયુર્વેદ હોસ્પિટલ આશાનું કિરણ



