બાગાયત ખેડૂતોને સબસીડી આપવામાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ સ્થાને
ખાસ ખબરસંવાદદાતા
વર્ષ 2021-22માં જૂનાગઢ જિલ્લામાં બાગાયતકાર ખેડૂતોને ખેતરે પેક હાઉસ ઉભા કરવા, શોર્ટીંગ ગ્રેડીંગના સાધનો વસાવવા, ફળ તથા શાકભાજી પાકોના નવા વાવેતર, પ્લાસ્ટીક મલ્ચીંગ, મીની ટ્રેકટર, પાવર ટીલર, ડ્રીપ ઇરીગેશન સહિતની સવલતો માટે 6341 લાભાર્થીને કુલ રૂપિયા 1127.49 લાખની સહાય ચૂકવવામાં આવી છે. બાગાયત ખેડૂતોને સબસીડી આપવામાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લો પ્રથમ સ્થાને અને લાભાર્થી ખેડૂતોની સંખ્યામાં જૂનાગઢ જિલ્લો રાજ્યમાં ત્રીજુ સ્થાને ધરાવે છે. તેમજ પાણીના ટાંકો બનાવવા, નેટ હાઉસ, કોલ્ડ સ્ટોરેજ, પેકીંગ મટીરીયલ્સ, પ્રોસેસીંગના સાધનો, નિકાસ માટે હવાઇ નૂરમા સહાય વગેરે જેવા ઘટકોમાં ખેડૂતોને નાણાકિય સહાય આપવામાં આવી છે. તેમજ 500 જેટલા ખેડૂતોને બાગાયત પાકોની વૈજ્ઞાનીક ખેતી પધ્ધતી અંગે તાલીમ પણ આપવામાં આવે છે. ઉપરાંત ફળ-શાકભાજીના છુટક વેચાણકર્તા ફેરીયાઓના સર્વાંગી ઉત્કર્ષ માટે રૂપિયા 35.49 લાખની સહાય ચૂકવાય હતી.જૂનાગઢ જિલ્લો એટલે બાગાયત પાકોનાં ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે તેમ જણાવી નાયબ બાગાયત નિયામક હિમાંશુ ઉસદડીયાએ કહયુ કે, જિલ્લામાં ફળ, શાકભાજી અને મરીમસાલાનું સારૂ એવું ઉત્પાદન થતા ખેડૂતોની આવકમાં વધારો થઇ રહ્યો છે. વર્ષ 2021-22માં જૂનાગઢ જિલ્લામાં બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર અંદાજે 70000 હેકટર જેટલો હતો.. જેમાં ફળપાકો 15,500 હેકટર, શાકભાજી 18,000 હેકટર તથા મરી મસાલાના પાકોનું 35,500 હેકટરમાં વાવેતર થયુ હતુ. જૂનાગઢ જિલ્લામાં બાગાયત પાકો અંગે કુલ રૂપિયા 1127.49 લાખની સહાય ચૂકવવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં 70 હજાર હેક્ટરમાં બાગાયત પાકોનું વાવતેર



