ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા બે દિવસથી વાદળછાંયા વાતાવરણ વચ્ચે જિલ્લાના તમામ તાલુકાઓમાં 1 થી લઇ 8 મીમી સુધી વરસાદ નોંધાયો છે. તેમજ તાલુકાઓમાં વરસાદી ઝાપટાના લીધે લોકોએ પણ ગરમીથી રાહત અનુભવી રહ્યા છે. જ્યારે આજે ભેંસાણ તાલુકામાં અડધો ઇંચ વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.
જૂનાગઢ જિલ્લામાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે બે દિવસ પહેલા સારો એવો વરસાદ નોંધાયો હતો ત્યારે બે દિવસથી સતત વાદાળછાંયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા શરૂ રહેતા વાવણી કરેલ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે અને ધીમીધારે વરસાદ પડતા જાણે કાચુ સોનુ વરસી રહ્યુ હોય તેમ ખેડૂતો માની રહ્યા છે. જિલ્લામાં સતત વરસાદી માહોલ જોવા મળતા અનેક ડેમોમાં નવા નીરની આવક જોવા મળી રહી છે. તેની સાથે નદી નાળાઓમાં પણ નવા નીર આવતા ખેતી પાક અને પીવાના પાણીની સમસ્યા મહદઅંશે હલ થતી જોવા મળી રહી છે. ત્યારે ખેડૂતો હજુ સારા વરસાદની રાહ જોવે છે જિલ્લાના તમામ ડેમો 100 ટકા ભરાશે તો રવી પાકમાં ખેડૂતોને ખુબ મોટો ફાયદો થશે તેમ ખેડૂતો માની રહ્યા છે.