ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
જૂનાગઢ જિલ્લાનાં માણાવદર, વિસાવદર, વંથલી, કેશોદ, માળીયા અને મેંદરડા તાલુકામાં વરસાદનું પ્રમાણ વધુ રહ્યું છે. સામાન્ય રીતે ઘેડમાં વરસાદી પાણી સંગ્રહિત થતાં હોય છે. જૂનાગઢ જિલ્લામાં થયેલા એકદમ વધુ વરસાદથી પ્રભાવિત ગ્રામ્ય વિસ્તારના ખેડુતોને ખેતી પાકમાં તેમજ માર્ગો તથા કાચા મકાન ધરાવતા પરિવારોની મુશ્કેલી થઈ હોય તેનો તાગ મેળવવા જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઇ ઠુંમરે આજે જિલ્લાના વંથલી તાલુકાનાં મેઘપુર, નાવડા, પિપલાણા, નરેડી, બોડકા અને સાંતલપુર, માણાવદર તાલુકા સહિતના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી હતી.જૂનાગઢ જિલ્લાનાં ભારે વરસાદની અસર ધરાવતા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઇ ઠુંમરે, અસરગ્રસ્તોને મદદ પહોંચાડી શકાય તે સુનિશ્ચિત કરવા અધિકારીશ્રીઓ સાથે પરામર્શ કરી યોગ્ય કામગીરી કરવા સૂચના આપી હતી.
ધીમીધારે સતત વરસી રહેલા વરસાદી નીર ઘેડમાં પરંપરાગત રીતે એકત્રિત થતાં હોય ઘેડ નજીકનાં ગામોમાં પણ તેની અસર જાણી, યાતાયાત અને ગ્રામજનોની જરુરિયાત તેમજ વીજ પરુવઠાની વિગતો પણશ્રી ઠુંમરે ગ્રામજનો પાસેથી મેળવી હતી. હરેશભાઇએ, ખેતરોમાં થયેલા ધોવાણ, પાણીના તીવ્ર પ્રવાહને લીધે માર્ગોને થયેલી નુકશાની, બંધ વીજ ફીડરોની પણ વિગતો મેળવી આ અંગે ઘટતું થાય તે માટે ગ્રામજનોને હૈયાધારણા આપી હતી.