ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે રાજ્યના કૃષિ અને જિલ્લા પ્રભારી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા સહકારી બેંક, જિલ્લા સહકાર મંડળીઓની કચેરી અને ભેંસાણ એ.પી.એમ.સી.ના સંયુકત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં ખેડૂતો અને સહકારી મંડળીઓના પ્રમુખ તથા મંત્રીશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લામાં ખેડૂત કલ્યાણ માટે સહકારી પ્રવૃત્તિઓને બિરદાવતા જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા સહકારી બેંકે ભારત સરકારના પરિપત્ર થયા પૂર્વે જ ખેડૂતોને વગર વ્યાજે રૂ.5 લાખ સુધીના ધિરાણ આપવાની શરૂઆત કરી છે. જિલ્લા બેંક સતત પ્રગતિ સાધી રહી છે, શ્રેષ્ઠ વહીવટના પરિણામે આજે રૂ.50 કરોડનો નફો મેળવવા જઈ રહી છે. જે જૂનાગઢ જિલ્લાની સહકારી ક્ષેત્રમાં ઉચ્ચ પ્રગતિ સૂચવે છે. આમ જૂનાગઢ ઉપરાંત સમગ્ર રાજ્યના ખેડૂતો માટે સહકારથી સમૃદ્ધિ ચળવળ ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ પ્રસંગે કૃષિ મંત્રીના હસ્તે પ્રગતિશીલ ખેડૂતો ઉપરાંત વિચરતી વિમુખ જાતિના પરિવારને આવાસ બનાવવા માટે રૂપિયા 50,000ની સહાય મંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.આ ઉપરાંત કેબિનેટ મંત્રી સહિત ઉપસ્થિત સર્વેએ એક રાષ્ટ્ર, એક ચૂંટણી એટલે કે વન નેશન, વન ઇલેક્શનમાં સક્રિયપણે યોગદાન આપવાની નેમ લીધી હતી.આ કાર્યક્રમમાં જશાભાઇ બારડ, વજુભાઈ મોવલીયા, હર્ષદભાઈ રીબડીયા, ભુપતભાઈ ભાયાણી, નટુભાઈ પોકિયા સહિતનાવિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો, અને સરપંચો, સ્થાનિક પદાધિકારીઓ, લાભાર્થીઓ, વિવિધ સંલગ્ન અધિકારી સ્થાનિક નાગરિકો અને બહોળી સંખ્યામાં ખેડૂતો રહ્યા હતા.



