એક તરફ ચોમાસું નજીક અને શહેરના અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં
કમોસમી વરસાદમાં જ જૂનાગઢ મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ
- Advertisement -
ઝાંઝરડાનો રોડ ગત વર્ષે બનાવ્યો ત્યાં પણ મનપાએ ખોદકામ શરુ કર્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
એક તરફ ચોમાસુ નજીક આવી રહ્યું છે. એવા સમયે શહેરમાં હજુ અનેક વિસ્તારોમાં ખોદકામ ચાલી રહ્યું છે. શું આ ખોદેલા રસ્તાઓ ચોમાસા પેહલા બની જશે કે પછી એમજ રહેશે તેવા સવાલો લોકો પૂછી રહ્યા છે.થોડા સમય પેહલાજ કમોસમી વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સાથે કાદવ કીચડ અને ગાડીઓ ફસાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે હવે ચોમાસુ નજીક આવી રહ્યું છે રસ્તા ખોદવાની કામગીરી કામ હજુ ચાલુ છે. ત્યારે ચોમાસાની સીઝનમાં જૂનાગઢ શહેરના હાલ બેહાલ થશે. જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટર, પાણીની લાઈનો અને ગેસ લાઈનો નાખવાની કામગીરીના લીધે શહેરના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એવા સમયે હજુ કામગીરી ખૂટી નથી અને આજે પણ શહેરના અનેક વિસ્તારોમાં પાઇપ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેના લીધે ચોમાસામાં હજુ સારા રસ્તાની આશા જોવાનીજ રહી કારણે કે જે રસ્તાઓ તોડ્યા છે તેને વ્યવસ્થિત રીપેર થયા નથી જેના કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળશે અને ગાડીઓ ફસાવાના પણ બનાવો બનશે જયારે થોડા દિવસ અગાઉ કમોસમી વરસાદે મહાનગર પાલિકાની પોલ ખુલી ગઈ હતી અને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ખોદેલા રસ્તાઓમાં ગાડીઓ ફસાઈ હતી.
- Advertisement -
શહેરના ઝાંઝરડા રોડ ગત વર્ષે બનાવ્યો પણ તેની પણ હાલત બરાબર નથી ત્યાં ઝાંઝરડા રોડના અંડરબ્રિજ પાસે રોડની સાઈડ તોડીને ફરી પાઇપ લાઈન નાખવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે રોડની એક સાઈડ બંધ કરી દેતા ટ્રાફિક જોવા મળે છે ત્યારે ઝાંઝરડા રોડ પરના સિદ્ધનાથ મંદિર પાસે ગિરિરાજ સોસાયટી જવાના માર્ગ પર છેલ્લા પાંચ મહિનાથી એક સ્લેબ માંડ માંડ ભરાયો છે આ રસ્તો બંધ રેહવાથી વાહનો ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એવાજ દર્શ્યો ગિરિરાજ સોસાયટીમાં પાઇપ લાઈન નાખવાની કામગીરીના લીધે રોડ ખોદી નાખવામાં આવ્યો છે.
જેના લીધે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.જયારે એજ રસ્તા પર પાણી જયારે ઢોળાઈ છે ત્યારે કાદવ કીચડ જોવા મળે છે. જયારે રસ્તાઓ ખોદવાથી ધૂળની ડમરીઓ પણ ઉડે છે જેનાથી લોકો હેરાન પરેશાન છે.આવા દર્શ્યો એક જગ્યાના નથી શહેરની અનેક સોસાયટીઓમાં જોવા મળે છે.ત્યારે આગામી ચોમાસાની સીઝનમાં શહેરના અનેક રસ્તાઓ કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળશે અને ગાડીઓ ખુંપી જવાના દ્રશ્યો પણ જોવા મળશે.



