ગ્રાહકો ઓફલાઈન ખરીદી સાથે ‘લોકલ ફોર વોકલ’ અને સ્વદેશી ચીજવસ્તુ પર ભાર
કપડાં, દીવડા, તોરણ, રંગોળીના અવનવા કલર અને રોશનીની માંગ
સાંજના સમયે માંગનાથ, પંચહાટડી અને અઝાદ ચોકમાં ભારે ભીડ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢમાં દિવાળીના મહાપર્વની ઉજવણીને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જૂનાગઢના બજારોમાં ખરીદીનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના મુખ્ય વિસ્તારો, ખાસ કરીને માંગનાથ બજાર, આઝાદચોક, પોસ્ટ ઓફિસ રોડ અને પંચહાટડી ચોક સહિતના માર્ગો પર ખરીદદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. આખું માંગનાથ બજાર હાલમાં રંગબેરંગી લાઇટિંગ અને શણગારની વસ્તુઓથી સજ્જ દેખાય છે. આ વર્ષે દિવાળી પર્વની ખરીદીમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ગ્રાહકો હવે ઓનલાઈન ખરીદીમાં થતા ફ્રોડના વધતા પ્રમાણને કારણે ઑફલાઇન ખરીદી તરફ વળ્યા છે. ગ્રાહકોને તેમની પસંદગી મુજબની અને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ સમયસર મળી રહે તેવા આશયથી 70 ટકા જેટલા ગ્રાહકો નાના અને સ્થાનિક વેપારીઓ પાસેથી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ દાખવી રહ્યા છે. આ વલણ વડાપ્રધાનના આહ્વાન ’લોકલ ફોર વોકલ’ અને સ્વદેશી વસ્તુઓ પરના ભારને મજબૂત કરી રહ્યું છે. જીએસટીમાં રાહત મળી હોવા છતાં, બજારમાં વસ્તુઓના ભાવોમાં મોટો ઘટાડો જોવા મળ્યો નથી. સામાન્ય રીતે દિવાળીના ચાર-પાંચ દિવસ પહેલાં સવારથી જ બજારોમાં ગ્રાહકોની ભીડ જોવા મળતી હોય છે, પરંતુ હાલમાં બપોરના સમય બાદ, ખાસ કરીને સાંજના 7 કલાક પછી ખરીદી માટે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી બજારમાં તહેવારની ખરીદીની તેજી જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં તેમાં વધુ વધારો થવાની સંભાવના છે. ગ્રાહકો તહેવારની તૈયારીમાં કપડાં, મીઠાઈ, અવનવી લાઇટો, અને સજાવટના સામાનની ખરીદીમાં વ્યસ્ત છે. ઘરને શણગારવા માટે આ વખતે ક્રિસ્ટલ, મોતીના, વેલ્વેટના અને ફ્લાવરના તોરણોની માંગ સારી જોવા મળી રહી છે. આ ઉપરાંત, વિવિધ પ્રકારના દીવડાઓ અને હેન્ડીક્રાફ્ટ વસ્તુઓની પણ બજારમાં સારી માંગ છે. રંગોળીના કલર્સ અને મુખવાસ સહિતની નાની વસ્તુઓની ખરીદી માટે પણ લોકો ઉમટી પડ્યા છે. ગીચ વિસ્તારોમાં ભારે ભીડ થવાના કારણે કેટલાક સ્થળોએ ટ્રાફિક સમસ્યા પણ સર્જાઈ રહી છે, પરંતુ બજારોમાં ગ્રાહકો ઉમટતાં તેજીનો કરંટ જોવા મળી રહ્યો છે, જેના કારણે વેપારીઓ ખુશખુશાલ છે.