બિયારણના સેમ્પલ રિજેકટ નહીં કરવા લાંચ માંગી હતી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
જૂનાગઢ એસીબીએ માખીયાળા ખાતે છુટકુ ગોઠવી ખેતીવાડી અધિકારી વતી વચેટીયાને 10 હજારની લાંચ લેતા ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. બિયારણના સેમ્પલો રિજેકટ નહીં કરવા માટે જૂનાગઢના વર્ગ-2ના ખેતી અધિકારી મયંક પી.સીદપરાએ રૂા.10 હજારની લાંચની માંગણી કરી હતી પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય આથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જેના આધારે જૂનાગઢ એસીબીના પોલીસ ઇન્સ્પેકટર જે.બી.કરમુરે શુક્રવારે જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામે આવેલ ઓમ એગ્રો સેન્ટર ખાતે લાંચનું છટકુ ગોઠવ્યુ હતુ.
- Advertisement -
આ કાર્યવાહી દરમિયાન ફરિયાદી સાથે હેતુલક્ષી વાત કરી ખેતી અધિકારી મયંક સીદપરા વતી માખીયાળાના કેતન શંભુભાઇ બાલધાને ફરિયાદી પાસેથી રૂા.10 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. આ અંગે એસીબીએ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં મયંક સીદપરા વિરૂઘ્ધ ગુનો દાખલ કરાવી તેની શોધખોળ હાથ ધરી હતી.