વાસી-સડેલાં વડાપાઉં ધાબડ્યા પછી વેપારીની દાદાગીરી
ફૂડ શાખાએ તાત્કાલિક પગલાં લીધાં: વાસી ખાદ્ય પદાર્થોનો નાશ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની કેટલીક રેસ્ટોરન્ટ અને ફૂડશોપ પર વાસી વાનગીઓ પીરસાઈ રહી છે. ખાસ કરીને ફાસ્ટફૂડમાં ભયંકર ભેળસેળ કરીને અખાદ્ય સામગ્રીઓ ઉમેરવામાં આવી રહી છે ઉપરાંત તેમાં ઉપયોગમાં લેવાતી મોટાભાગની ચીજવસ્તુઓ પણ વાસી હોય છે. આવી જ એક ફૂડશોપ છે, જુગાડુ વડાપાઉં. શહેરના મહિલા કોલેજ અંડરબ્રીજથી આગળ આવેલા જુગાડુ વડપાઉંમાં પણ ગ્રાહકોને વાસી વડાપાઉં ધાબડી દેવામાં આવે છે. અહીં અખાદ્ય વસ્તુઓ વેંચવામાં આવી રહી છે.
ગત રોજ જ્યારે એક ગ્રાહક જુગાડુ વડાપાઉંમાં વડાપાઉં ખાવા ગયા હતા ત્યારે જુગાડુ વડાપાઉં દ્વારા તેમને વાસી વડાપાઉં પધરાવી દેવામાં આવ્યું હતું. વાસી વડાપાઉં પીરસાતા ગ્રાહકે જુગાડુ વડાપાઉંના સંચાલકોને આ અંગે ફરિયાદ કરી હતી ત્યાતે જુગાડુ વડાપાઉંના સંચાલકોએ ગ્રાહક સાથે ગેરવર્તન કર્યું હતું એટલું જ નહીં, ગ્રાહકને એટ્રોસીટીના કેસમાં ફસાવી દેવાની ધાક-ધમકીઓ પણ આપી હતી.
- Advertisement -
જોકે ગ્રાહકે જાગૃતતા દાખવી તુરંત જ રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાનો સંપર્ક કર્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ ફૂડ શાખાના અધિકારીઓએ જુગાડુ વડાપાઉંમાં પહોંચી તપાસ કરતા વાસી ખોરાકનો જથ્થો મળી આવ્યો હતો. જુગાડુ વડાપાઉંમાંથી રાજકોટ મહાનગરપાલિકાએ વાસી વડાપાઉંનો જથ્થો નાશ કર્યા બાદ જુગાડુ વડાપાઉંને નોટિસ પણ ફટકારી હતી.
જુગાડુ વડાપાઉંવાળા લાજવાને બદલે ગાજ્યા: ગ્રાહકને ઘેરી ધમાલ મચાવી
જુગાડુ વડાપાઉં દ્વારા વાસી વડાપાઉં પીરસાતા જ્યારે ગ્રાહકે વિરોધ દર્શાવ્યો હતો ત્યારે જુગાડુ વડાપાઉંના માલિકો લાજવાને બદલે ગાજ્યા હતા. માલિકો અને તેમના પરિવારજનોએ ગ્રાહકને ઘેરી ધમાલ મચાવી હતી. ગ્રાહકને અપશબ્દો બોલ્યા અને ગેરવર્તણૂંક કર્યા બાદ જુગાડુ વડાપાઉંવાળાઓ ગ્રાહક પર હુમલો કરવાની તૈયારીમાં જ હતા એ સમયે ગ્રાહક ત્યાંથી જીવ બચાવી નાસી ગયા હતા.