હમણાં રાજકોટની નવી કોર્ટમાં જવાનું બન્યું. પરિસર સારું બનાવ્યું છે, બિલ્ડિંગ એકદમ વિશાળ. પરંતુ દેશમાં ચોતરફ જોવા મળતી અસમાનતા અહીં પણ જોવા મળી. અહીંની દરેક કોર્ટમાં બબ્બે એરકન્ડિશનર છે, જજ્સાહેબોની ચેમ્બર એરકન્ડિશન્ડ છે, હોવા જ જોઈએ. પરંતુ પ્રજા માટે- અરજદારો માટે પંખાની વ્યવસ્થા પણ નથી. કોઈ જગ્યાએ એક-બે પંખા લગાવેલાં છે, બાકી બધે જ કુદરતી ગરમ-ગરમ પવનની મોજ માણો અને લોકતંત્ર, ન્યાયતંત્રમાં ઘેરો વિશ્ર્વાસ રાખીને દેશ મજબૂત કરો.
કોમન સેન્સની વાત છે: જે પ્રદેશમાં બારમાંથી આઠ મહિના ગરમી રહેતી હોય ત્યાં બિલ્ડિંગ ફુલ્લી-સેન્ટ્રલી એરકન્ડિશન્ડ ન બનાવવું એ જ એક અપરાધ છે, પ્રજાદ્રોહ છે.
પ્રજાના કેઈસનું હીયરિંગ કોણ કરશે, માય લોર્ડ?
થોડી ઘસાઈ-પીટાઈ ગયેલી વાતો: આવી ઈમારતો પ્રજાનાં ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ ટેક્સમાંથી બને છે. એ જ ઈમારતમાં સામાન્યજન જો થર્ડ ક્લાસ સિટિઝન ગણાતાં હોય તો ધૂળમાં ગયું આવું ટેક્સ સ્ટ્રકચર. મારે તો હમણાં જ જવાનું બન્યું. જે લોકોને માર્ચ-એપ્રિલ કે મે-જૂનનાં આગ વરસાવતાં તાપમાં જવાનું થતું હોય તેમની શી દશા થતી હશે?
- Advertisement -
આપણી અદાલતો કેવી રીતે અને કેટલી ગતિથી કામ કરે છે એ આપણે જ નહીં, આખી દુનિયા જાણે છે. તમારે અગિયાર વાગ્યે હાજર થવાનું હોય તો એ જ સમયે વારો આવી જાય તેવી કોઈ ગેરેન્ટી નથી. ત્રણ-ચાર કે પાંચ કલાક પણ બેસવું પડે. આવી સ્થિતિમાં પાછળનાં ગોળા દુ:ખી જાય તેવી વાહિયાત ક્વૉલિટીની ચેરમાં પંખા વગર બેસીને ત્યાં કલાકો કાઢવા એ સ્વયં એક સજા છે. તમે વાદી હો તો પણ આ સજા ફરજીયાત છે.
2023-24ની સાલમાં એક એવાં શહેરમાં નવું કોર્ટ બિલ્ડિંગ બને છે- જેની દેશનાં સૌથી ગરમ શહેરોમાંના એકમાં ગણના થાય છે. આ બિલ્ડિંગમાં એ.સી. નથી, પંખા નથી, પીવાનાં પાણીની ઉચિત વ્યવસ્થા નથી, કચરાટોપલી પણ નથી. આપણને શરમ નથી આવતી, ગુસ્સો નથી આવતો. સરકારનાં એકપણ અફસર કે નેતા આ વિશે બોલતાં નથી. યોર ઑનર, આઈ રેસ્ટ માય વર્ડ્સ.
જજ્સાહેબોની ચેમ્બર એરકન્ડિશન્ડ છે, હોવા જ જોઈએ. પરંતુ પ્રજા માટે- અરજદારો માટે પંખાની વ્યવસ્થા પણ નથી !
- Advertisement -