જિલ્લા પુરવઠા વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગે દરોડા કરી 13 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
સુરેન્દ્રનગર જિલ્લામાં ડિસ્કો તેલની સાથે નકલી ઘી બનાવવાનું પણ શરૂ થયું હતું. આ નકલી ઘી બનાવવાના કારખાનું થાનગઢ અને ચોટીલા રોડ પર આવેલા ગુગલીયાણા ગામ નજીક રોડ પર સિરામિક ઉધોગના કારખાનાની આડમાં ચાલતી હતું. સિરામિક કારખાનાની અંદર સરકારી જમીન પર શેડ બનાવીને ચાલતા નકલી ઘીના કારોબાર અંગે ખાસ – ખબર દ્વારા અનેક અહેવાલો પ્રસિધ્ધ કરાયા હતા જે બાદ અંતે સુરેન્દ્રનગર જિલ્લાના પૂરવઠા વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગનું તંત્ર સફાળી જાગ્યું હતું અને થાનગઢ ખાતે ચાલતા નકલી ઘી બનાવવાના કારખાના પર દરોડો કર્યો હતો.
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાના પૂરવઠા તથા ફૂડ સેફ્ટી વિભાગના સંયુક્ત દરોડામાં શિવ ઈન્ડસ્ટ્રીઝ નામની આ કંપની માંથી લુઝ ઘી 520 કિલોગ્રામ, શ્રીભોગ બ્રાન્ડનું ઘી 1950 કિલોગ્રામ, બટર 65 બોક્સ એક કુલ 13,16,900/- રૂપિયાની ખધસમગ્રીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે તમામ ઘીના નમૂના લઈ પૃથુકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપી કાર્યવાહી હાથ ધરાઇ હતી ત્યારે ઉલ્લેખનીય છે કે જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસથી આ આખુંય નકલી ઘી બનાવવાનું ષડયંત્ર ચાલતું હતું તે અંગે સ્થાનિક તંગીને જાણ હોવા છતાં અજાણ બનવાનું નાટક રચી રહ્યા હતા તેવામાં જિલ્લાના પૂરવઠા વિભાગના સંયુક્ત દરોડા થતા હવે સ્થાનિક તંત્રની ભૂમિકા શંકાસ્પદ નજરે પડે છે.
નકલી ઘીનો કારોબાર સરકારી જમીન પર ચાલતો હોવાની પણ ચર્ચા
ચોટીલા પ્રાંત અધિકારી ગેરકાયદેસર ખનન રોકવા અને સરકારી જમીનો પરનું ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે જે સ્થળે પુરવઠા વિભાગના સંયુક્ત દરોડા કરવામાં આવ્યા તે નકલી ઘી બનાવતું કારખાનું પણ સરકારી જમીન પર શેડ ઊભો કરી ચાલતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે જેથી હવે પ્રાંત અધિકારી સરકારી જમીન પર દબાણ દૂર કરશે ?
- Advertisement -
થાનગઢમાં ચાલતા નકલી ઘીના કારોબારમાં સ્થાનિક તંત્રની શંકાસ્પદ ભૂમિકા !
થાનગઢ – ચોટીલા રોડ પર નકલી ઘી બનાવવાના કારોબાર અંગે “ખાસ – ખબર” દ્વારા અહેવાલો પ્રસિધ્ધ કર્યા હતા અને આ અહેવાલો સાથે સ્થાનિક તંત્રને પણ ધ્યાન દોર્યું હતું છતાં મામલતદાર, સ્થાનિક પુરવઠા વિભાગ કે પ્રાંત અધિકારી સહિતનાઓ દ્વારા જોઈ જાણીને આંખ આડા કાન કર્યા હતા જ્યારે કલેક્ટરના આદેશ બાદ જિલ્લાના પૂરવઠા વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગના સંયુક્ત દરોડા બાદ સ્થાનિક તંગી પર ચોક્કસ સવાલો ઉભા થાય છે.
અગાઉ બોગસ તેલની માફક નકલી ઘીના દરોડામાં પણ ભીનું સંકેલાશે?
વઢવાણ જીઆઇડીસી ખાતે ડિસ્કો તેલના પાંચ જેટલા કારખાના પર દરોડા કરી નમૂના લેવાયા બાદ એક વર્ષ જેટલો સમય વીતી ગયો છતાં કોઈ કાર્યવાહી સામે આવી નથી તે પ્રકારે આ નકલી ઘીના કારખાનામાં દરોડા બાદ પણ નમૂના લેવાયા હતા એટલે કે જે પ્રકારે ડિસ્કો તેલની કામગીરી થઈ તે પ્રકારે જ અહીં નકલી ઘીમાં પણ કાર્યવાહી થઈ રહી છે.