રાપરના મોરા ગામના જીવુબેન અને વાલાભાઈ નામના દંપતીને 45 વર્ષે મળ્યું સંતાન સુખ
જીવુબેનને માતા બન્યાને ચાર વર્ષ થઈ ગયા પરંતુ આજેય તેમની સંકલ્પશક્તિની કહાણી સોશિયલ મીડિયામાં પ્રેરણાસ્ત્રોત
- Advertisement -
અભણ દંપતીને ત્યાં વૈજ્ઞાનિક ટેકનોલોજીથી પારણું બંધાઈ દીકરાનો જન્મ થતા રબારી સમાજમાં ખુશીની લાગણી ફરી વળેલી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સંતાન હોવાનું સુખ અને ન હોવાનું દુ:ખ ત્રાજવે ન તોળી શકાય આ વાત એ સંતાન ન હોવાનું દુ:ખ ભોગવતા માવતરોની સ્થિતિને વર્ણવી આપે છે. માતા બનવાની ખુશી કંઈક અલગ જ હોય છે.
માતૃત્વ ધારણ કરવાની કોઈ ઉંમરબાધ નથી. જે મહિલા માતા બની શક્તી નથી તેઓ મેડિકલ સાયન્સનો સહારો લઈને માતૃત્વ મેળવે છે. પરંતુ એક કચ્છી મહિલાએ જે હિંમત બતાવી છે તે કાબિલેદાદ છે. કચ્છના રાપરના મોરા ગામના જીવુબેન રબારીએ ઊંમરના 70મા વર્ષે માતૃત્વ મેળવ્યુ છે.
સંતાન સુખમાટે માતાપિતા ઘણા પ્રયત્નો કરતાં હોય છે અને આવો એક કિસ્સો કચ્છ જિલ્લાના રાપર તાલુકાના મોરા ગામનો ખૂબ ચર્ચામાં છે. કચ્છના એક માલધારી દંપતીની કહાણી સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ જ ચર્ચામાં છે, જેણે લાખો નિ:સંતાન યુગલો માટે આશાનું નવું કિરણ જન્માવ્યું છે. રાપર તાલુકાના મોરા ગામના જીવુબેન રબારીએ 70 વર્ષની જૈફ વયે માતા બનવાનું પોતાનું સપનું સાકાર કર્યું છે. લગ્નના 45 વર્ષ સુધી સંતાન સુખ ન મળતાં આ દંપતીએ મંદિરો, દવાઓ અને અનેક ઉપચારોનો સહારો લીધો હતો, પરંતુ કુદરતી રીતે ગોદ ન ભરાતા આખરે તેમણે આશા છોડી દીધી હતી.
જોકે, સંબંધીઓની નિરાશાવાદી વાતો છતાં જીવુબેને હાર ન માની અને વિજ્ઞાનની મદદથી આ અશક્ય લાગતા ચમત્કારને શક્ય બનાવ્યો હતો. જીવુબેનની આ અવિશ્વસનીય સફર ઓક્ટોબર, 2021માં ઈંટઋ પદ્ધતિ દ્વારા પૂર્ણ થઈ હતી. તેમની ચોક્કસ જન્મતારીખના દસ્તાવેજો નહીં હોવા છતાં જીવુબેને ડોક્ટરોને જણાવ્યું હતું કે તેમણે લગભગ 65થી 70 દિવાળી જોઈ છે. આ ઉંમરે પ્રેગ્નન્સીનું જોખમ હોવા છતાં તેમણે સંતાન માટેનું ભાવનાત્મક જોડાણ ખૂબ જ દૃઢ હતું અને તેમના પતિ વાલાભાઈ રબારીનો પણ પૂરો સહયોગ હતો. ડોક્ટરો માટે પણ આ એક દુર્લભ કેસ હતો. પ્રેગ્નન્સી ચાલુ રહ્યા બાદ, ડોક્ટરોએ ગર્ભના વિકાસ પર સતત નજર રાખી હતી. જીવુબેનને અન્ય કોઈ ગંભીર સહ-બીમારીઓ ન હતી, પરંતુ તેમની વધુ પડતી ઉંમરને કારણે બ્લડ પ્રેશરનું જોખમ ધ્યાનમાં રાખીને ડોક્ટરોએ આઠ મહિનાની પ્રેગ્નન્સી બાદ સી-સેક્શન દ્વારા ડિલિવરી કરાવવાનો નિર્ણય લીધો હતો. આ રીતે જીવુબેન અને વાલાભાઈને તેમના લગ્નજીવનના 45 વર્ષ પછી તેમનું પ્રથમ સંતાન પ્રાપ્ત થયું.
ડો. નરેશ ભાનુશાળીએ જણાવ્યું હતું કે, અહીં જે દંપતી આવ્યું છે એ બહુ મોટી ઉંમરના છે. જેમને સંતાનની કોઈ આશા નહોતી. પહેલા અમે તેમને આ ઉંમરે બાળક નહીં થાય તેમ કહ્યું હતું. પરંતુ એ લોકોને ભગવાન અને ડોક્ટર ઉપર ખૂબ ભરોસો હતો. તેમણે કહ્યું કે, અમારા પરિવારમાં અન્ય લોકોને મોટી ઉંમરે રિઝલ્ટ મળ્યું છે. તમે તમારા પ્રયત્નો કરો, પછી અમારું નશીબ. તેમને ટેસ્ટટ્યુબ બેબીથી બાળકનો જન્મ થયો છે. દંપતી ખૂબ જ ખુશ છે અને અમે પણ ખૂબ ખુશ છીએ. એ લોકો અમારી પાસે ખૂબ આશા લઈને આવ્યા હતા. તેમની આશા સફળ નીવડી છે.
ભૂજની ખાનગી હોસ્પિટલમાં ડો.નરેશ ભાનુશાળીની મદદથી જીવુબેને આઇવીએફ ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. જેના બાદ તેમના ઘરે દીકરાનો જન્મ થયો હતો. જીવુબેને સીઝેરિયન થકી બાળકને જન્મ આપ્યો હતો. હાલ જીવુબેન અને બાળક બંને સ્વસ્થ છે.
દંપતીએ લાડકવાયા દીકરાને લાલો નામ આપ્યું છે. તો માલધારી એવા વાલજીભાઈ રબારીએ પિતા બનવાની ખુશીમાં ડોક્ટરની ટીમ અને ભગવાનનો આભાર માન્યો હતો. હવે જીવુબેનને માતા બન્યાને ચાર વર્ષ જેટલો સમય થઈ ગયો છે, પરંતુ તેમની સંકલ્પશક્તિની આ કહાણી આજે પણ સોશિયલ મીડિયા પર પ્રેરણાસ્રોત બની વાયરલ થઈ રહી છે. ડોક્ટરોએ પણ 70 વર્ષની ઉંમરે સ્વસ્થ અને સુરક્ષિત બાળકના જન્મને વિશ્વના સૌથી દુર્લભ અને પ્રેરણાદાયક કિસ્સાઓમાં સ્થાનઆપ્યુંછે.



