રાજકોટના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓએ જણાવ્યું તેમની જીવનશૈલી, પારિવારિક તેમજ વ્યવસાયિક જીવનમાં આવ્યા ધરખમ ફેરફારો
મોટાભાગના લોકો મિસ કરે છે પરિવાર સાથેના લાંબો પ્રવાસ, ટોકિઝમાં ફિલ્મ જોવાનું તેમજ સામૂહિક મેળાવડાઓ અને મનોરંજક કાર્યક્રમો

  • ભાવિની વસાણી

એકાએક આવી ચડેલી કોરોનાની વૈશ્ર્વિક મહામારીએ દરેક વ્યક્તિના જીવનને કદી નહીં કલ્પેલી પરિસ્થિતિમાં મૂક્યું છે. આ મહામારીએ સમગ્ર વિશ્ર્વના લોકોના સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ રાજનીતિ તેમજ અન્ય દેશો સાથેના સંબંધો માટે ગેઈમ ચેન્જર સાબિત થઈ રહી છે. એક કડવું સત્ય એ છે કે વર્તમાનમાં થઈ રહેલા મોટાભાગના બદલાવ નકારાત્મક જણાઇ રહ્યા છે. ભારત પણ તેનાથી અછૂત રહી શકે તેમ નથી. આવી પરિસ્થિતિની વચ્ચે પણ જીવનમાં ઘણા નાના-મોટા સકારાત્મક પરિવર્તન પણ જોવા મળી રહ્યા છે. જેને આપણા સમાજે ખૂબ જ ઝડપથી સ્વીકાર કર્યો છે. સૌરાષ્ટ્રના રાજકોટ શહેરની નામી હસ્તીઓએ ‘ખાસ-ખબર’ સાથેની વાતચીતમાં કોરોના બાદ તેઓની જીવન શૈલીમાં, પારિવારિક તેમજ વ્યવસાયિક ક્ષેત્રોમાં શું અને કેવો બદલાવ આવ્યો છે? ઉપરાંત તેઓના જીવનમાં એવી કેટલીક બાબતો જે પહેલા થતી હતી અને કોરોનાના કારણે થતી નથી તેને તેઓ સંભારી રહ્યા છે, તે અંગે પણ નિખાલસ ચર્ચા કરી છે.

મીડિયામાં પણ લોકસંપર્ક ડિજિટલ બન્યો તે મોટો ફેરફાર

કોરોનાને લઈને યથાયોગ્ય સાવચેતી તથા ફિટનેસ પર ધ્યાન આપી રહ્યો છું, ધ્યાન તેમજ યોગ કરવાનું નિયમિત બન્યું છે. પરિવારજનોની સુરક્ષા માટે વડીલોથી ડિસ્ટન્સ રાખી રહ્યો છું. બહાર જમવાનું બિલકુલ બંધ છે,તમામ પરિવારજનો અવનવી વાનગીઓ પણ ઘરની બનેલી જ લઈએ છીએ. પરિવાર સાથે વધારે ગુણવત્તા સભર સમય પસાર કરી રહ્યો છું. વ્યવસાયમા આરોગ્યલક્ષી ફેરફાર કરવામાં આવ્યા છે. ઓફિસમાં સેનેટાઇઝિંગની વ્યવસ્થા નિયમિત રીતે કરવામાં આવે છે. શક્ય હોય તો લોકસંપર્ક ટાળવામાં આવી રહ્યો છે. અગાઉ અનેક સમાજ અને સંસ્થાના લોકો ઓફિસ પર આવતા હતા જે અત્યારે બિલકુલ બંધ છે. મોટાભાગના લોકો સાથેનો સંપર્ક ડિજિટલ બન્યો છે જે સૌથી મોટો ફેરફાર ગણી શકાય.સતત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાના કારણે રૂબરૂ લોકસંપર્કમાં બ્રેક આવી છે જે મિસ કરી રહ્યો છું. અગાઉ મિત્રો અને પરિવારજનો સાથે સામાજિક મેળાવડા ધાર્મિક તથા વ્યાવહારિક પ્રસંગોમાં ધામધુમપુર્વક ઉજવણી થઇ રહી નથી તે પણ મિસ કરું છું. લોકોને સાવધાની માટે દરેક પ્રકારના પગલાં લેવા માટે અપીલ કરું છું. કરણ શાહ (એક્ઝિક્યુટિવ એડિટર, સાંજ સમાચાર)

અખબારી જગતને મોટી આર્થિક સમસ્યા

કોરોનાના કારણે બહાર હરવા-ફરવા પર કાપ આવી ગયો છે. અગાઉ ક્યારે પણ ન કરેલા માસ્ક અને સેનેટાઈઝરના
ઉપયોગ પણ ’ન્યુ-નોર્મલ’ બની ગયા છે. રોજિંદા ખાન-પાનમાં ફરક પડ્યો છે. શરદી થાય તેવો તેમજ ઠંડો ખોરાક લેતો નથી તેમજ હળદર અને આદુનો ઉકાળો નિયમિત લઉં છું. અખબારી જગત સૌથી મોટી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. પાનાઓ ઘટાડવાની તેમજ પૂર્તિઓ પર કાપ મૂકવાની ફરજ પડી છે. જાહેરખબરની આવકમાં મોટો ઘટાડો થયો છે, જ્યારે સ્ટાફમાં પણ કોરોના માટે તકેદારીના પગલાં ભરવાંમાં આવી રહ્યા છે. પત્રકારો સંક્રમિત ન થાય તે માટે ફિલ્ડ રિપોર્ટિંગ ઘટાડવામાં આવ્યું છે. પરિવાર સાથે વારે-તહેવારે તેમજ રજાઓમાં થતી ઉજવણીમાં પણ કાપ
આવ્યો છે. હોટલમાં ભોજન અને ટોકીઝમાં ફિલ્મ જોવાનું બંધ થયું છે. મિત્રોને મળવાનું તેમજ જાહેર કાર્યક્રમો અને ફંકશન ખૂબ જ મિસ કરું છું. ’ફૂલછાબ’ને તાજેતરમાં સો વર્ષ પૂર્ણ થયા છે છતાં ગ્રાન્ડ
ગાલા ફંકશનને બદલે સાદાઈથી ઓનલાઈન ઉજવણી કરવી પડી છે. વર્તમાન સમયમાં કોરોનાના કારણે લોકો ફિઝિકલના બદલે સોશિયલ ડિસ્ટન્સ રાખતા થઈ ગયા છે. કપરા સમયમાં એકબીજાની વધારે જરૂરિયાત હોય છે તેના સ્થાને સંપર્કમાં આવતા ડરે છે જેથી આત્મીયતામાં ઘટાડો થયો છે. કૌશિકભાઇ મહેતા (તંત્રીશ્રી, ફૂલછાબ)

પરિવાર સાથે તેમજ મિત્રો સાથેનું ગેટ ટુ ગેધર મિસ કરું છું

કોરોનાને કારણે મેળાવડા તેમજ પ્રસંગોને બ્રેક લાગી ગઈ છે. જ્યારે પરિવારને પૂરતો સમય આપી શકાય છે તેમજ ફિટનેસ માટે ખાસ ટ્રેઈનર રાખી અને ગ્રુપમાં ટ્રેનિંગ લેવાની ચાલુ કરી છે. થોડાક યોગ અને પ્રાણાયામ પણ કરું છું. મારા અનિયમિત જીવનમાં નિયમિતતા આવી છે. રાત્રે વહેલું ઊંઘવું, સવારે વહેલું ઊઠવું તેમજ કામ વગર બહાર ન જવું એ નિત્યક્રમ બની ગયો છે. કોરોનામાં સૌથી વધારે પરિવાર સાથે તેમજ મિત્રો સાથેનું ગેટ ટુ ગેધર મિસ કરું છું. ફેમિલી લાઈફ ખૂબ જ સારી વ્યતિત કરી રહ્યો છું. ઘરમાં પરિવાર તેમજ બાળકો સાથે સમય પસાર કરી રહ્યો છું જે પહેલા મળતો ન હતો. પરંતુ બહારનું જમવાનું બિલકુલ બંધ છે. પરેશ ગજેરા (બિલ્ડર્સ એસોસિએશન પ્રમુખ)

કોરોનાએ સંબંધોની સાચી કિંમત સમજાવી

કોરોનાના કારણે ઘરે જલ્દી આવી જાઉં છું. બપોર પછીનો સમય પરિવાર સાથે રહું છું જે પહેલા શક્ય ન હતું. પારિવારિક જીવન માટે પહેલા સમય કાઢવો પડતો હતો હવે કુદરતી પ્રાપ્ત થયો છે. ઘરમાં આનંદ કરવાનો સાચો સમય આવ્યો છે. બહાર ફરવા સિવાય વ્યવસાયિક કામકાજ બધુ પહેલાની જેમ જ નિયમિત પરંતુ ચોક્કસ સમય મર્યાદામાં થઈ રહ્યું છે. હોસ્પિટલમાં કોરોનાને લઈને નીતિ-નિયમોનું ચુસ્તપણે પાલન કરાય છે. દર્દીઓ તેમજ તેમના સંબંધીઓને ફરજિયાત ફેસશિલ્ડ પહેરવા અપાય છે. દર્દીઓ ભીડ કરી અને વેઇટિંગમાં બેસતા હતા જે હવે બંધ થયા છે. આમ છતાં રોજ 50 દર્દીના ચેકઅપ નિયમિત રીતે થઈ રહ્યા છે. કોરોનાના કારણે ખરીદી અને ફરવાના ખર્ચા છ મહિનાથી બંધ છે, બિનજરૂરી ખર્ચ પર મોટો કાપ આવ્યો છે. કોરોનાએ અત્યાર સુધીની પૈસા પાછળની આંધળી દોટ હતી તેની સમજ આપી છે. નજીકના સંબંધમાં પણ ફોનમાં મળતા થઈ ગયા. સોશિયલ ડિસ્ટન્સ ભલે હોય પરંતુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી લોકસંપર્ક માટે વધારે સમય ફાળવાઇ રહ્યો છે. તેમજ કોરોનાએ આપણને સંબંધોની સાચી કિંમત સમજાવી છે. લોકોને એ સંદેશ છે કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરના નિયમોનું યથાયોગ્ય પાલન કરે. પંદર દિવસ પહેલા મને ચાર દિવસ તાવ આવ્યો હતો ત્યારે હું પણ ઘરે આયસોલેશનમાં રહ્યો હતો અને બીજી વખત રેપિડ ટેસ્ટ કરી પછી જ કામે ચડ્યો હતો. માટે કોરોનાને હળવાશથી ન લેવા અનુરોધ છે. ડો.નીતિન લાલ (ગાયનેકોલોજિસ્ટ)

સેલ્ફ ડિસિપ્લિન જેટલું વધુ હશે તેટલી નુકસાની ઓછી

સ્વાસ્થ્યની તકેદરી અગાઉ વધારે રાખી રહ્યો છું. ઉકાળા, ગરમ પાણી, મલ્ટી વિટામિનની ટેબલેટ વગેરે લેવાનું વધારે નિયમિત બન્યું છે. ઓફિસમાં ચા ની બદલે ઉકાળો લેવાનો શરૂ થયું છે. અગાઉ ક્યારે પણ ધ્યાન નહોતું આપ્યું તેટલું અત્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું. વ્યવસાય પણ અત્યારે બેઠક
વ્યવસ્થા છ ફૂટનું અંતર જળવાઈ રહે તે રીતે રાખવામાં આવી છે. પરિવારમાં માતા-પિતા મોટી ઉંમરના હોય તેમની સાથે અંતર જાળવીને રહેવાની આદત પાડી છે. બહારનુ જમવાનું સો ટકા બંધ કર્યું છે, તેમજ હાલ બોટાદના એસપી તરીકે જવાબદારી સંભાળી રહ્યો છું ત્યારે માર્ચ મહિના પછી જિલ્લાની બહાર કામ વિના કોઈ જ પ્રવાસ કર્યો નથી. લોકો આમ તો સભાન બન્યા છે પરંતુ વધારે કાળજી રાખે તે જરૂરી છે તંત્ર એકલાથી લડાઈ લડવી શક્ય નથી કોરોનાની લડાઈમાં લોકભાગીદારી જરૂરી છે. સેલ્ફ ડિસિપ્લિન જેટલું વધુ હશે એટલે નુકસાની ઓછી થશે. કોરોનાથી બચવા માટે ડિસ્ટન્સિંગ સહિતના વિવિધ ઉપાયો અપનાવવા માટે હું જાહેર જનતાને અપીલ કરું છું. આવું કરીને જ આપણે આ મહામારીને દૂર રાખી શકીશું. હર્ષદ મહેતા (એસ.પી. બોટાદ)

ફિઝિકલ ડિસ્ટન્સ વધ્યું, સોશિયલ ડિસ્ટન્સ ઘટ્યું

પહેલેથી વહેલા ઉઠવાનો નિત્યક્રમ રહ્યો છે પરંતુ દિવસની શરૂઆત તકેદારી સાથે થાય છે, જે અગાઉ કયારે પણ કરી ન હતી. સવારે ઉઠીને ગરમ પાણી અને હળદર ઉપરાંત આદુ, તુલસી, સૂંઠ, મરી, હળદર, નિમક વગેરેનો ઉકાળો લઉં છું. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક ગોળીઓ તેમજ ચા ના સ્થાન પર આયુર્વેદિક પીણું લઉં છું. હાલ, ભાજપમાં વિધાનસભા ઇન-ચાર્જની જવાબદારી સંભાળી રહ્યો છું. લોકસંપર્ક માટે ગામડે ફરજિયાત જવું પડે છે. આ માટે દર પંદર દિવસે રેપિડ ટેસ્ટ કરાવવાનું ચૂકતો નથી. માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ સાથે અગાઉ કરતો હતો તે તમામ પ્રકારના કામ કરું છું તથા પ્રાકૃતિક ચિકિત્સા લેતો રહું છું. પરિવારના સભ્યો સાથે બહાર નીકળવાનું જરૂર પૂરતું રાખું છું તેમજ ઘરમાં ઉંમરલાયક બા-બાપુજીના સંપર્કમાં રહેતો નથી. સૌથી વધારે થિયેટરમાં મૂવી તેમજ નાટકો જોવાનું બંધ થયું છે. પરિવાર સાથે વર્ષમાં ત્રણ ચાર વખત બહારગામ ફરવા જતો હતો તે બંધ છે તે ખુબજ મિસ કરું છું મારો દીકરો અમેરિકા છે તેની પાસે આ વર્ષે જવાયું નથી. રોજિંદી દિનચર્યામાં પહેલાની જેમ શક્ય નથી. વધુ લોકોને મળી શકાતું નથી જેથી પહેલાનો સમય યાદ આવે છે. સારા તથા નરસા પ્રસંગોમાં જવાનું સદંતર બંધ છે. કોરોનાના કારણે સેલ્ફ ડિસિપ્લિન રાખતા અને રખાવતા શીખ્યો છું. ફિઝિકલ ડિસ્ટન્સ જરૂર વધ્યું છે પરંતુ ટેકનોલોજી થકી સોશિયલ ડિસ્ટન્સ ઘટ્યું નથી. લોકો એકબીજાને વધારે યાદ કરે છે. –ધનસુખ ભંડેરી (રા.મ્યુ.કો ફાયનાન્સિયલ બોર્ડ ચેરમેન)

પરિવાર સાથેના પ્રવાસને મિસ કરું છું

કોરોનાના કારણે જીવન સાદગીપૂર્ણ બન્યું છે. પરિવારજનો વચ્ચેની નિકટતા પહેલા કરતાં ઘણી વધી છે. વ્યવસાયમાં રોજિંદી કામગીરીની પદ્ધતિમાં પરિવર્તન આવ્યું છે. અગાઉ ક્યારેય પણ લોકડાઉન જેવું કશું જોયું ન હતું. હાલ, સંક્રમણના કારણે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું, માસ્ક પહેરી રાખવું તેમજ સેનેટાઈઝ થતા રહેવા તેમજ હાથ ધોવા સહિતના સરકારના જાહેરનામાંનું પાલન કરવું પડેછે. કોરોનાનું સંક્રમણ અટકાવવાની જવાબદારી અગાઉ ક્યારેય સંભાળી ન હતી જે અત્યારે ઉઠાવવી પડે છે. અત્યાર સુધીમાં મિત્રો અને પરિવાર સાથે નાના-મોટા પ્રવાસ કરી શકાયા હતા જે કોરોનાના કારણે શક્ય બનતો નથી, જે ખૂબ જ મિસ કરું છું. લોકોને પણ હંમેશા સતર્ક રહેવા માટે સંદેશ પાઠવું છું. સોશિયલ ડિસ્ટન્સ તેમજ બીજા સરકારી નિયમોનું પાલન કરીને આપણે આ ગંભીર બીમારીથી બચી શકીએ તેમ છે. લોકો આ બધા નિયમનું ગંભીરતાથી પાલન કરે તેવી આ માધ્યમથી સૌને અપીલ કરું છું. આપણે થોડા દિવસ માટે થોડો સંયમ જાળવીશું તો મહામારીના કપરા દિવસો આપોઆપ પસાર થઇ જશે.-  ડી.વી. બસિયા એસીપી-રાજકોટ

જીવનશૈલી વધારે ગુણવત્તાયુક્ત અને સ્વાસ્થ્યપ્રદ બની

કોરોનાએ આપણા જીવનમાં આવેલી સૌપ્રથમ અજીબો-ગરીબ બીમારી છે કે જેમા મુશ્કેલીના સમયે પણ સાંત્વના પાઠવવા રૂબરૂ જઈ શકાતું નથી. હંમેશા આઈસોલેટ થઈને રહેવું પડે છે. લગ્ન તથા મેળાવડા છ મહિનાથી મોટાભાગે બંધ રહ્યા છે અથવા જૂજ લોકોની હાજરીમાં યોજાયા છે. વ્યક્તિગત જીવનશૈલી વધારે ગુણવત્તાયુક્ત અને સ્વાસ્થ્યપ્રદ રહી છે. બહારનુ જમવાનું બિલકુલ બંધ છે માટે પાચનશક્તિ સારી થઈ છે. જમવાનો અને ઊંઘવાનો સમય નિયમિત બન્યા છે જેથી નાની-મોટી સમસ્યાઓ નડતી નથી. પારિવારિક જીવન વધારે તેમજ ગુણવત્તાસભર સમય આપવાના કારણે સારું વ્યતિત કરી રહ્યો છું. ફૂરસદની પળોમાં લાંબી મુસાફરીની ખોટ સાલે છે. નજીકમાં ફાર્મ હાઉસમાં પરિવારજનો સાથે બહાર જતો થયો છું. લોકોને સંદેશ આપું છું કે દર સો-સવાસો વર્ષે સાંપ્રત વૈશ્ર્વિક મહામારી આવતી હોય છે ત્યારે તેની અસર ચોક્કસ થાય છે. ઘણાને સ્વજનોને ગુમાવવાનું દુ:ખ થાય તે સમજી શકાય તેમ છે. પરંતુ આ સમયમાં ગભરાવાનું નથી અને દરેકે લડાઈ લડવાની છે. – ડો.ભરત કાકડિયા (ઈ.એન.ટી. સ્પેશિયાલિસ્ટ)

લોકોની જેમ પરિવાર સાથે રહેવાનો સમય મળતો નથી

તબીબ હોવાના નાતે પહેલા કરતા દસ ગણું હેક્ટિક શેડ્યૂલ બન્યું છે. ઈન્ડીયન મેડીકલ એસોસિએશનમાં ભારતના ઉપપ્રમુખની જવાબદારી સંભાળી રહ્યો છું. દેશભરમાં આવેલા અંદાજે પાંચ લાખ જેટલા તબીબો સાથે પહેલા મહિનામાં એક વખત મીટીંગ થતી હતી તે અત્યારે અઠવાડિયામાં બેથી ત્રણ વખત કરવી પડી રહી છે. કારણકે કોરોના સંક્રમણને લઈને તમામ રાજ્યોના અલગ-અલગ પ્રશ્ર્નો કે સમસ્યા હોય છે જેને સમજી અને યથા યોગ્ય ન્યાય કરવો પડે છે. પરિવારજનોમાં અમે ત્રણેય કોરોના વોરિયર છીએ. પત્ની ડો.દર્શના પંડ્યા ગાયનેકોલોજિસ્ટ છે તેમજ પુત્રી ડોક્ટર અદિતિ પંડ્યા હાલ સુરેન્દ્રનગરમાં તબીબી સેવા આપે છે. જેથી માત્ર ફોન પર વાતચીત થાય છે. એટલે અન્ય લોકોની જેમ પરિવાર સાથે રહેવાનો સમય મળતો નથી. જાહેર કાર્યક્રમો ઉપરાંત ટોકીઝમાં મૂવી જોવાનું ખૂબ જ યાદ આવે છે. દર્દીઓ સાથે કોરોનાના કારણે હાથ પણ મિલાવી શકાતો નથી અને છ ફૂટનું અંતર જાળવી રાખવું પડે છે. – ડો. અતુલ પંડ્યા (પેથોલોજિસ્ટ)

મોકળાશ વિનાનું રુંધાયેલું બન્યું લોકજીવન

કોરોનાના કારણે કોર્ટ લાંબા સમયથી બંધ રહી હોય આવક પર માઠી અસર પડી છે. લોકો
સંક્રમણથી ડરી રહ્યા હોય તમામ પ્રકારના મેળાવડાઓ બંધ રહ્યા છે. અગાઉ પોતાના માટે સમય મળતો
ન હતો. જ્યારે હવે વ્યક્તિગત જીવનમાં સમય ફાળવી શકાય છે. બપોર પછી હોલીડે જ હોય બાળકો અને પરિવાર સાથે સમય વિતાવી શકાય,જે મારા ખ્યાલથી પોઝિટિવ બાબત જ છે. બાળકો ઘરે જ ઓનલાઇન શિક્ષણ લઇ રહ્યા છે પરંતુ તેનાથી શિક્ષણનો લાભ મળવો જોઇએ તે મળતો નથી. જીમ બંધ થયા છે જેથી ઘરે જ જીમ અને એક્સરસાઇઝ કરી રહ્યો છું.મિત્ર વર્તુળમાં યોજાતી પાર્ટીઓ તેમજ સામાજિક ફંકશન બધું જ બંધ છે જેની યાદી કરવા બેસીએ તો ખૂબ લાંબી થાય તેમ છે આ બધું જ મિસ કરી રહ્યો છું. ખાસ કરીને માસ્ક વિના ક્યાંય જઈ શકાતું નથી. ખુલ્લી હવામાં તેમજ ખુલ્લા વાતાવરણ વિના લોકો રૂંધાયેલુ જીવન જીવી રહ્યા છે. – ભગીરથસિંહ ડોડિયા (એડવોકેટ)

સંક્રમણના લીધે માણસને માણસનો ડર છે

કોરોનાના કારણે પરિવારજનો ખરા અર્થમાં નજીક આવ્યા જે પહેલા ક્યારેય ન હતા. હું ઘરમાં તેમની સાથે વધારે સમય વિતાવું છું. સંક્રમણથી બચવા ઘરનો રાંધેલો ખોરાક લઉં છું, નિયમિત એક્સરસાઇઝ કરું છું. જેથી સ્વાસ્થ્યને લઈને થતી સમસ્યાઓ ઘટી છે. આવક 30 થી 40 ટકા ઘટી છે તેની સામે સરેરાશ ખર્ચમાં ઘણો કાપ આવ્યો છે. સાત મહિનાથી કોર્ટ બંધ હોય વેબના માધ્યમથી કેસ લડી શકું છું, અર્જન્ટ હોય તો પણ જવું નથી પડતું. મારી ઓફિસમાં બેસી અને કાર્યવાહી કરી શકું છું એ રીતે સમય બચી રહે છે. ફિઝિકલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી બન્યું છે જેથી પરિવારજનો વચ્ચે પણ સ્પર્શની હુંફ ઘટી છે જે ખૂબ મિસ કરું છું. કોઈના નિધન બાદ થતું ઉઠમણું ટેલિફોનિક થયું છે જે દુ:ખદ બાબત છે આનાથી ખરાબ પરિસ્થિતિ કઈ હોઈ શકે. પરિવાર સાથે ભલે સમય વ્યતિત કરતા હોય પરંતુ પહેલાની જેમ આનંદ, કિલ્લોલ, ઉત્સાહની ખામી લાગે છે. તેમજ સંક્રમણના લીધે માણસને માણસનો ડર લાગી રહ્યો છે. – કમલેશ શાહ (એડવોકેટ)

દોડધામ પહેલાની સરખામણીમાં ખૂબ જ ઘટી ગઇ

અગાઉ ક્યારેય પણ ધ્યાન નહોતું આપ્યું તેટલી સ્વાસ્થ્યની તકેદારી લઈ રહ્યો છું. રાજકીય જવાબદારી સંભાળી રહ્યો છું ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવું છું, માસ્ક પહેરું છું અને સેનેટાઈઝર સાથે જ રાખું છું તથા હાથ સાફ કરતો રહું છું. જાહેર પ્રોગ્રામ ખૂબ જ ઓછા થઈ રહ્યા છે માટે બહાર જવાનું ખૂબ જ ઘટી ગયું છે. ઘરે વધારે સમય ફાળવી શકું છું. બાળકો પણ ઘરે ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે જેથી કામ વગર બહાર નીકળતાં નથી. કોર્પોરેશનમાં જવાબદારી અર્થે જવું પડે છે. પરંતુ દોડધામ પહેલાની સરખામણીમાં ખૂબ જ ઘટી ગઈ છે, જીવન શાંતિ વાળુ બની ગયું છે. લોકોને પણ પોતાની તકેદારી જાતે રાખવા માટેની સલાહ આપું છું અને પોતે જ પોતાના ડોક્ટર બનો તે જરૂરી છે. જે લોકો કારણ વિનાના ટોળટપ્પા બંધ નહિ કરે તે ચોક્કસ સંક્રમણમાં આવી જશે. ઉદય કાનગડ (ચેરમેન-સ્ટેન્ડિંગ કમિટી, RMC)

ઓછી ચીજવસ્તુઓમાં જીવન જીવવાનું શીખવા મળ્યું

ઘણા વર્ષોથી યોગ અને ધ્યાન કરતો આવું છું તે લોકડાઉનના કપરા સમયમાં મને કામ લાગ્યું છે. વિપરીત પરિસ્થિતિમાં પણ અંદરનો આનંદ યથાવત રહી શક્યો છે. સૌથી મોટી બાબત એ છે કે ઓછી ચીજોમાં જીવન જીવવાનું શીખવા મળ્યું છે. ઇવેન્ટ મેનેજમેન્ટ અને કંકોત્રીનો બિઝનેસ છે, જે આ સમયમાં લગભગ નહિવત કે ઠપ્પ રહ્યો છે. દેશ-વિદેશમાં હરવા ફરવાનો ખૂબ શોખ છે જે આ વખતે શક્ય થઈ શક્યું નથી ,આ માટે તે મિસ કરું છું તેમજ રાજકોટની નામાંકિત સેવાભાવી સંસ્થાઓ સરગમ કલામંદિર, મધુરમ ક્લબ અને ઉત્સવ ક્લબ વગેરેના માધ્યમથી સેવા પ્રવૃત્તિ કરતો હતો તે શક્ય બન્યું નથી પરંતુ સેવાનું સ્વરૂપ બદલાયું છે. ’કંકોત્રી કોર્નર’ શો રૂમ પરથી કોરોના માટે કારગત નીવડે તેવી ભાવનગર વાળા ડોક્ટર ગોલવલકરની મિથેલીનની દવા સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે સહાય કરી રહ્યો છું. અનિલ વણઝારા (બીઝનેસમેન)

સાદગી અને શ્રમ ભરી જીવનશૈલી હોય સમસ્યા નથી

બહાર જવાનું ઓછું થાય છે. પરંતુ મારી કામગીરી યથાવત રહી છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝર સહિતના નીતિનિયમોનું પાલન કરતા કરતા સો ગામોમાં રોપા વાવ્યા છે. ડરી ડરીને કામ મૂક્યું નથી પરંતુ સાવચેતીની સાથે તમામ પ્રકારનો કામ યથાવત રાખ્યું છે. કોરોના એ મને કામ કરતો રોક્યો નથી. દૂર રહીને કામ કરો તો કોઈ સમસ્યા થતી નથી. ઘરના તમામ સભ્યો નિયમિત રીતે નાસ લઈ અને ગળોના ઉકાળાનું સેવન કરી રહ્યા છે તેમજ લીંબુ શરબત દિવસમાં ત્રણ વખત લઈ રહ્યા છીએ અને તેમાં કૃત્રિમ ખાંડના બદલે કુદરતી મધનો ઉપયોગ કરી રહ્યા છીએ. દર વર્ષે શેરી રમતો રમતો અને રમાડતો જે હવે શક્ય બનતું નથી તને મિસ કરું છું. ખાસ કરીને અમારી જીવનશૈલી સાદગી અને શ્રમ ભરી છે જેથી સમસ્યા થતી નથી. લોકોને પણ એ જ સંદેશ આપું છું કે પરસેવો પડે તેવું કામ કરતા રહો જેથી કોરોના સંક્રમણમાં સમસ્યા ઓછી થશે. -વી.ડી.બાલા (પૂર્વ રેન્જ ફોરેસ્ટ ઓફિસર)