ગીર-સોમનાથ જિલ્લામાં કલેકટર તંત્ર દ્વારા કરાતા ડિમોલિશન અંગે જિજ્ઞેશ મેવાણીનો ભાજપ પર આક્ષેપ
કહેવાતા માથાભારે નેતાઓની ગેરકાયદે મિલકતો, હોટલો, બિલ્ડિંગોનું કેમ ડિમોલિશન થતું નથી?: શું કલેકટરની મિલીભગત છે? મેવાણીના સવાલો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આજરોજ ગિર સોમનાથના પ્રાચીમાં ડિમોલીશનની કામગીરી ગિર સોમનાથ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. પ્રાચીના માધવરાય મંદિર જવાના રસ્તા પર ડિમોલીશન હાથ ધરવામાં આવતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે આ અંગે કોંગ્રેસના જીજ્ઞેશ મેવાણીએ ભાજપના મોટામાથાઓ સામે આક્ષેપ કર્યો હતો અને જે નાના રોજગાર ધંધા ચલાવતા ધંધાર્થીઓની દુકાનો તોડી પાડતા અનેક સવાલો ગિર સોમનાથ જિલ્લા કલેકટર તંત્ર સામે ઉઠાવ્યા હતા.
આજરોજ ગિર સોમનાથના પ્રાચીમાં નાના માણસોની દુકાનો પર ગિર સોમનાથ જિલ્લા કલેકટર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું ત્યારે આ અંગે જીજ્ઞેશ મેવાણીએ પત્રકાર પરિષદ બોલાવી ભાજપના કહેવાતા મોટામાથાઓ પર આક્ષેપ કરતાં કલેકટરને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના કહેવાતા અને માથાભારે નેતાઓની ગેરકાયદેસર હોટલો, દુકાનો અને બિલ્ડિંગોને ઉની આંચ આવતી નથી. કલેકટર તંત્ર દ્વારા આ લોકોને છાવરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે ગિર સોમનાથ જિલ્લા કલેકટર દ્વારા વરસતા વરસાદમાં નાના ગરીબ માણસોના ઝુંપડા, રેંકડી, પાથરણાવાળાઓ અને લારી ગલ્લાવાળાને ત્યાં ડિમોલીશન કરી હેરાન કરવામાં આવી રહ્યા છે, પરંતુ જો તમારામાં પાણી હોય અને તમારા મા-બાપે સવા શેર સૂંઠ ખાઈ પેદા કર્યા હોય તો ડિમોલીશન કરવાના બદલે મોટા મોટા ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ કંપનીઓના માલિકોના ગેરકાયદેસર બાંધકામને તોડી બતાવો.
- Advertisement -
50 કરોડની સંપત્તિ ધરાવતા અધિકારી વિરુદ્ધ પણ હું અઈઇમાં ફરિયાદ કરીશ: જિજ્ઞેશ મેવાણી
ભારતીય જનતા પાર્ટીના એક ભ્રષ્ટાચારી અધિકારી કે જેની પાસે 50 કરોડની સંપત્તિ છે, અનેક ગેરકાયદે મિલ્કતો છે જેના ચિરંજીવી એક કરોડની ગાડીમાં ફરી રહ્યાના ફોટો ઈન્સ્ટાગ્રામમાં મૂકી રહ્યા છે તેની સામે પણ હું એસીબીમાં ફરિયાદ કરીશ અને કેટલી ગેરકાયદે સંપત્તિ છે તેના પુરાવા પણ મારી પાસે છે. તેની પોલ પણ હું ખુલ્લી પાડીશ. આમ ગરીબોને હેરાન કરવા કરતાં ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કરો.
ડિમોલીશન દરમિયાન હાથમાં ડંડો લઈને ફરતાં અધિકારીઓમાં જો ત્રેવડ હોય તો ભાજપના નેતાઓએ કરેલા દબાણોનું ડિમોલીશન કરો અને નાના ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરવા જણાવ્યું હતું. નહીં તો જે તે અધિકારીઓની કારકિર્દીનું ડિમોલીશન કરવાની ચિમકી જીજ્ઞેશ મેવાણીએ ઉચ્ચારી હતી. ગિર સોમનાથના કલેકટર છેલ્લા બેથી ત્રણ મહીનાથી ડિમોલીશનના નામે નાના વેપારીઓ, ખેડૂતો, લારી-ગલ્લા, હોટલના ધંધાર્થીઓની મિલ્કતોનું ડિમોલીશન કરી રહ્યા છે. કલેકટર દાદાગીરી કરી રહ્યાની ફરિયાદો પણ કરવામાં આવી છે છતાં પણ કોઈ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી.
ભાજપના એક પણ નેતાની મિલ્કતનું ડિમોલીશન
કરાયું નથી.
ભાજપના એક નેતાની ખનિજહનન બંધ નથી કરાવ્યું.
ભાજપના એક નેતાની કરોડોની જમીનોનું દરિયાકાંઠા પર દબાણ દૂર કરવામાં નથી આવ્યું અને હાઈવે પરના નાના માણસોની હોટલ, રેસ્ટોરન્ટ પર તવાઈ બોલાવાય છે.
આખો ગિર સોમનાથ જિલ્લો આ કલેકટરના બેવડી નીતિના વલણથી ત્રસ્ત છે ત્યારે હવે જો કલેકટર ગરીબોને હેરાન કરવા અને ડિમોલીશન બંધ નહીં કરે તો અધિકારીઓની કારકિર્દીનું ડિમોલીશન થશે તેવું અંતમાં જીજ્ઞેશ મેવાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.