ઘરમાં ઊધઈ ટ્રીટમેન્ટ કરાવી હોવાથી પરિવારે ઘર બંધ રાખ્યું હતું
એ ડિવિઝન પોલીસે દોડી જઈ ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
- Advertisement -
રાજકોટમાં વધતી જતી ગુનાખોરી વચ્ચે વધુ એક ચોરીને તસ્કરોએ અંજામ આપી પોલીસને પડકાર ફેક્યો છે શહેરના કરણપરા વિસ્તારમાં ઇલેક્ટ્રિકના વેપારી કેકિનભાઈ શાહના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 15 લાખના સોના-ચાંદીના દાગીના અને 75 હજાર રોકડની ચોરી કરી ગયાની ઘટના સામે આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કરણપરા શેરી નંબર 13/14ના ખૂણે રહેતા અને સાંગણવા ચોકમાં ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા વેપારી કેકિનભાઈ શાહના ઘરમાં ઊધઈની ટ્રીટમેન્ટ કરાવી હોવાથી ઘર બંધ કરીને બહાર ગયો હતો.
દરમિયાન આ ઘરમાં મોટો દલ્લો હોવાની અને ઘર બંધ હોવાની જાણે તસ્કરોને ગંધ આવી ગઈ હોય તેમ ગત રાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને બંધ મકાનના તાળા તોડી તસ્કરો ઘરમાં રાખેલ 15 લાખની કિમતના સોના-ચાંદીના દાગીના અને 75 હજારની રોકડ સહિતની મતા ચોરી ગયા હતા સવારે પરિવાર ઘરે આવ્યો ત્યારે ઘરના તાળા તૂટેલા અને માલમતા ગાયબ હોવાનું જાણવા મળતા તસ્કરોએ ઘરને ટાર્ગેટ કર્યું હોય આ અંગે કંટ્રોલમાં જાણ કરતાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ બારોટ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને ચોરીનો ભેદ ઉકેલવા સીસીટીવી આધારે તપાસ શરૂ કરી હતી.