રાજકોટના વેપારીનું 453 ગ્રામ સોનું પરત આપવું ન પડે તે માટે બેભાન થઇ ચોરીનું તરકટ રચ્યું
દેણું હતું પણ મિલ્કતના ભાગ પડતા ન હોવાથી પ્લાન ઘડ્યો : ગ્રામ્ય પોલીસે ઘરેથી જ સોનુ કબ્જે કર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગઈકાલે ઉપલેટા નજીકથી 52 લાખનું સોનુ ગાયબ થવાનો કિસ્સો પ્રકાશમાં આવતા રૂરલ પોલીસ હરકતમાં આવી ગઈ હતી જો કે આ કિસ્સામાં રાજકોટનો ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો રાજકોટના વેપારી પાસેથી 453 ગ્રામ સોનુ લઇ પરત આપવું ન પડે તે માટે ખાખીજાળીયા રોડ પર બેભાન થવાનું નાટક કરી લાખોના દાગીના ગાયબ થવાની સ્ટોરી ઉભી કર્યાનું ખુલ્યું હતું દેણું ભરપાઈ કરવા પ્લાન ઘડ્યો હતો પરંતુ પ્લાન ફેઈલ થતા પોલીસે તમામ દાગીના તેના ઉપલેટા સ્થિત ઘરેથી જ કબ્જે કર્યા હતા.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઇ તા.15 ના રોજ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ઉપલેટા પોલીસ મથકમાંથી ટેલીફોનીક જાણ કરવામાં આવી હતી કે, ઉપલેટાના જયેશભાઇ રામજીભાઇ રાણીંગા બાઈક લઇને ખાખીજાળીયા ગામ તરફ આવતા હોય અને ખાખી જાળીયા રોડ ઉપર બેહોશ થઇ જતા 108માં પ્રથમ સરકારી હોસ્પિટલ ઉપલેટા બાદ સમર્પણ હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે અને તેની પાસે રહેલા થેલામાંથી 453 ગ્રામ જેટલુ સોનુ ગાયબ થઇ ગયું છે તહેવાર ટાણે જ 32 લાખનું સોનુ ગાયબ થઇ ગયું હોય બનાવની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જર, ધોરાજી ડીવીઝનના ઇન્ચાર્જ ડીવાયએસપી કે. જી. ઝાલા દ્વારા ત્વરીત તપાસના આદેશ આપવામાં આવતા રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા અને ભાયાવદર પીઆઇ વી.સી.પરમારની રાહબરીમાં એલસીબી પીએસઆઈ આર.વી.ભીમાણી અને અલગ અલગ ટીમોએ બનાવ સ્થળ નજીકના તથા ઉપલેટા વિસ્તારના સીસીટીવી ફુટેજ તથા એકટીવા ચાલક જયેશભાઇ રાણીંગાનો ભૂતકાળ તેમજ ફોન કોલનો સમય વિગેરે ચેક કરતા બનાવ આ જયેશ રાણીંગાએ ઉપજાવી કાઢેલ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ સામે આવ્યું હતું જેથી પોલીસે જયેશ રાણીંગાની ઉલટ પૂછતાછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેની સાથે લૂંટ કે ચોરીનો કોઈ બનાવ બન્યો ન હોવાનું તેમજ પોતાને દેવુ થઇ ગયો હોય જેથી પોતે રાજકોટના સોની પાસેથી દાગીના લઇ પ્રથમ ઉપલેટા પોતાના ઘરે તમામ દાગીના સંતાડી દઈ ઘરેથી પોતાના થેલામાં ઘરેણાના ખાલી ડબ્બા ભરી ભાઇનું એકટીવા લઇ ભાયાવદર જવા નિકળેલ અને ખાખીજાળીયા ગામ નજીક રોડ ઉપર એકટીવા ઉભુ રાખી થેલાની ચેઇન ખુલ્લી રાખી થેલો એકટીવા પર રાખી તેની બાજુમાં પોતે બેભાન થઇ પડી ગયા હોવાનો ડોળ કર્યો હતો જેથી કોઈ રાહદારીએ 108 માં ફોન કરી તેમને દવાખાને ખસેડ્યા હતા અને તમામ ઘરેણા હાલ તેના ઉપલેટાના ઘરે હોવાની કબૂલાત આપી હતી તેમજ રાજકોટના વેપારી હિમાંશુભાઈ પાલા પણ આવી ગયા હતા.
તેઓની હાજરીમાં જયેશનું ઘર ચેક કરતા તમામ ઘરેણા મળી આવ્યા હતા પોલીસને ગુમરાહ કરવાના અને સોનાના મૂળ માલીકને નુકશાન અને હેરાન કરવાના ઇરાદાથી પોલીસને ખોટી માહીતી આપતાં રાજકોટ સાધુ વાસવાણી રોડ ઉપર પાટીદાર ચોકમાં આવેલ કુંજન વિહારમાં રહેતા જયેશ રામજી રાણીંગા ઉ.62 વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામા આવી છે ઉપલેટામા પરિવારની સંયુક્ત મીલકત હોય આ મીલકતનો ભાગ પાડેલ નહી અને તેને દેવું થઇ ગયું હોવાથી આરોપીએ વેપારી પાસેથી સોનુ લઈને ચોરીનું તરકટ રચી પોતાનુ દેવુ ભરપાઇ કરવાનું નક્કી કર્યું હતું પરંતુ સફળતા મળી ન હતી.